કથાકાર મોરારીબાપુએ એસ ટી બસમાં કરી મુસાફરી, તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની કરાવી શરૂઆત- Video
રામાયણના કથાવાચક મોરારી બાપુના હસ્તે આજે એસટીના નવા રૂટનો આરંભ કરવામાં આવ્યો. તલગાજરડાથી સાળંગપુર એસટીના નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ખુદ મોરારીબાપુએ આ બસમાં બેસી તેમનો રાજીપો વ્યક્ત કર્યો.
છેલ્લા કેટલાય વર્ષોથી તલગાજરડાથી સાળંગપુર જવા માટેની એસ.ટી. બસ સેવા શરૂ કરવા માટે માગ કરાઈ રહી હતી. વર્ષોની આ માગ આજે પૂર્ણ થઈ છે અને તલગાજરડાથી સાળંગપુરની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરાયો છે. કથાવાચક મોરારીબાપુના વરદહસ્તે આ એસ.ટી. બસ સેવાના નવા રૂટનો શુભારંભ કરવામાં આવ્યો. તલગાજરડાથી સાળંગપુર એસ.ટી.બસના નવા રૂટની શરૂઆત કરાવી છે. આ તકે ખુદ મોરારી બાપુ આ બસમાં સવાર થયા હતા. ન માત્ર બસમાં બેઠા પરંતુ સામાન્ય મુસાફરની જેમ મોરારીબાપુએ કન્ડક્ટરને રૂ. 500 આપી ટિકિટ પણ લીધી હતી
તલગાજરડાથી સાળંગપુર સુધીની આ નવી એસટી બસ નો આરંભ થતા મોરારી બાપુએ તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ બસમાં મોરારીબાપુ સાથે ડાયરા કલાકાર માયાભાઈ આહિર પણ બેસેલા જોવા મળ્યા હતા. વર્ષોથી આ રૂટની બસ શરૂ કરવા માટેની માગ પૂર્ણ થતા આસપાસના વિસ્તારના તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સાળંગપુર સુધીની બસ સેવા શરૂ થતા ભક્તો અને મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે.