ખુશખબર: ગુજરાતને રોજગાર ક્ષેત્રે મોદી સરકારે આપી મોટી ભેટ, નવસારીમાં ‘PM મિત્રા’ પાર્કનું કર્યું ખાતમુહૂર્ત, જુઓ વીડિયો
દેશના આર્થિક વિકાસ અને ગતિ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ખૂણે લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવસારી ખાતે પણ પીએમ મિત્રા પાર્કને લઈને આ વિઝન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'PM મિત્રા' પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે. PM મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.
દેશના લોકોને રોજગારી પૂરી પાડવી એ હાલની સરકારનો મુખ્ય ધ્યેય છે. જેના ભાગરૂપે સરકાર આ વિઝન લઈને કામ કરી રહી છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સાત જેટલા PM મિત્રા પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. જેમાંના એક પીએમ મિત્રા પાર્ક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે બનાવવાની યોજના રાજ્યના કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટેક્સટાઇલ પાર્ક ની સાથે સંભવિત સોલાર પાર્ક બનાવી નવસારી જિલ્લાના દરિયાકિનારાના ખાંજણ વાળા વિસ્તારની બિન ઉપજાવ જમીનનો સદ ઉપયોગ કરીને રોજગારી ઊભું કરવાનું મિશન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે નવસારી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. સાથે 5,000 થી વધુ લોકોને રોજગારી આપતા એકમો આકાર લેવાના કારણે લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે.
આજે જ્યારે પ્રધાનમંત્રી નવસારી પહોંચ્યા છે ત્યારે તેમણે અહી મોદીની ગેરંટી વિશે વાત કરી હતી
નવસારી ખાતે વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. પાર્લામેન્ટરીથી ગલી મહોલ્લામાં વાત થઈ રહી છે એ વાત છે મોદીની ગેરંટી, મોદીએ કહ્યું એ કરીને બતાવે છે. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.
પીએમ મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલાઈ જશેઃ પીએમ મોદી
સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોથી ગુજરાતની ગુંજ વિશ્વમાં થાય છે. સુરતનો સિલ્ક ઉદ્યોગ નવસારી સુધી વિકસ્યો છે. વિશ્વના અનેક દેશને આ ક્ષેત્રે ભારત ટક્કર આપી રહ્યું છે. સુરતના કપડાની એક ઓળખ બની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતા જ આ વિસ્તારની તસવીર બદલાઈ જશે. 3000 કરોડનું રોકાણ થશે.
તાપી રિવર બેરેજ સુરતની સ્થિતિ બદલી નાખશે
તાપી રિવર બેરેજ બનવાથી સુરતમાં વર્ષો સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. પૂર જેવી સ્થિતિને પણ પહોચી વળાશે. ગુજરાતના સમાજ જીવનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનુ મહત્વ ખુબ સારી રીતે જાણે છે. એક સમય હતો કે ગુજરાતમાં કલાકો સુધી વીજળી કાપ રહેતો હતો.
પીએમ સૂર્ય ઘર દ્વારા 300 યુનીટ મફત વીજળી અપાશે- પીએમ મોદી
પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે. મોદીએ હમણા નવી ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પીએમ સૂર્ય ઘર એ 300 યુનીટ વીજળી એટલે મધ્યમ વર્ગના કુંટુબને એસી, પંખા, ફ્રિજ, ટીવી વગેરે કાયમ ચાલે. તમારે માત્ર એટલું જ કરવાનું છે ઘર પર સૌર પેનલ રાખો.
જ્યા લોકોની આશા સમાપ્ત થાય છે ત્યાથી મોદીની ગેરંટી શરૂ થાય છેઃ પીએમ મોદી
નવસારીમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી દેશ અને ગુજરાતમાં સરકાર ચલાવી છે. પરંતુ ક્યારેય આદિવાસી ગામ અને સમુદ્ર તટે વસેલા ગામ માટે દરકાર નથી લીધી. પરંતુ ભાજપે આ બધાની દરકાર માટે અવિરત કામ કર્યું છે. 2014 સુધી 100થી વધુ જિલ્લા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સ્તરે હતા. જેમાંથી મોટાભાગના જિલ્લા આદિવાસી વસ્તી આધારિત હતા. આજે આ જિલ્લાઓમાં વિકાસ થયો છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય છે જ્યા બીજાની આશા સમાપ્ત થાય છે.
ભાજપે 10 વર્ષમાં ભારતને 5મા નંબરનું અર્થતંત્ર બનાવ્યું
કોંગ્રેસ તેના શાસનકાળ દરમિયાન 11માં નંબરનુ અર્થતંત્ર બનાવી શક્યું હતું તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેના કારણે ગામ કે દેશનો વિકાસ ના થઈ શક્યો. ભાજપના 10 વર્ષના શાસનકાળમાં પાંચમા નબંરનું અર્થતંત્ર બનાવી દીધું. નાના શહેરો પણ કનેક્ટીવિટીનુ સારુ ઉદાહરણ બન્યા છે. કોંગ્રેસના સત્તાકાળમાં ઝુપડા હતા. અમે ઝુપડાને બદલે પાકા મકાનો આપી રહ્યાં છીએ. 4 કરોડ પાકા મકાન બનાવીને ગરીબોને આપ્યા છે.
દક્ષિણ ગુજરાતને PM મિત્રા પાર્કની મોટી ભેટ
નવસારી શહેર નેશનલ હાઇવે નંબર 48 અને મહત્વનો વેસ્ટન રેલવેનો માર્ગ ધરાવે છે જેનાથી ઔદ્યોગિક એકમોને પરિવહન દ્વારા લાવવા અને લઈ જવા માટે ખુબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. રાજ્ય સરકારના જીઆઇડીસી વિભાગ દ્વારા મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપ્રિલ મિત્ર પાર્ક માટે 1100 એકર જેટલી જમીન ફાળવવામાં આવી છે. જેમાં વિવિધ યુનિટો આવવાના છે અને એ યુનિટોને સમલગ્ન નાના ઔદ્યોગિક એકમો પણ સ્થપાઈ શકે તેવી શક્યતાઓને પગલે નવસારી જિલ્લામાં વિકાસની તકો ઝડપી બનશે અને રોજગારીની તકો ઊભી થવાની મોટી શક્યતાઓ જોવાઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના રાજ્યોમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ પીએમ મિત્રા પાર્ક બનાવવા આયોજન બધ્ધ અને દીર્ઘદ્રષ્ટિથી બનાવવામાં આવેલો આ પ્રોજેક્ટ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે તો ઠીક પરંતુ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે.