Surat : દૂર કરાયેલા દબાણો ફરી થયાનો MLA અરવિંદ રાણાનો દાવો, મનપાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની કરી માગ, જુઓ Video
ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, ડિમોલેશન કરાયેલી ઘણી જગ્યાઓ પર ફરીથી બાંધકામ થઈ ગયા છે. આટલું જ નહીં, આ ગેરકાયદેસર રીતે થયેલા નવા બાંધકામોની આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા.

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સમક્ષ ડિમોલેશન કરાયેલી જગ્યાઓ પર વ્યાપક ગેરરીતિઓ અને ફરીથી થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે ગંભીર રજૂઆત કરી છે. તેમણે SMCની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દબાણ બાબતે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, ડિમોલેશન કરાયેલી ઘણી જગ્યાઓ પર ફરીથી બાંધકામ થઈ ગયા છે. આટલું જ નહીં, આ ગેરકાયદેસર રીતે થયેલા નવા બાંધકામોની આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા. આ પરિસ્થિતિ જોતા, તેમણે તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવાની પણ માંગ કરી હતી. તેમની રજૂઆત બાદ મનપા કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરતા દરેક ઝોનના ચીફ અધિકારીઓને આ મામલે સઘન તપાસ કરવા અને કસૂરવાર જણાયેલા કર્મચારીઓ કે અધિકારીઓ સામે નિયમાનુસાર પગલાં લેવા આદેશ કર્યો છે.
ધારાસભ્ય રાણાએ સમગ્ર મામલાને સમજાવતા કહ્યું કે, રાજ્ય સરકારે ઓક્ટોબર 2022માં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યો હતો. આ કાયદો લાવવાનો મુખ્ય હેતુ કોર્ટોમાં પેન્ડિંગ દાવાઓનો નિકાલ લાવવાનો અને હાઈકોર્ટ દ્વારા તોડી પાડવાના આદેશોથી બચવાનો હતો. ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યા પછી, સરકારે તમામ કમિશનરોને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે પછી રાજ્યમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં.
ડિમોલિનશ બાદ ફરી બાંધકામો થયાનો દાવો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના મ્યુનિસિપલ કમિશનરે પણ 12 ડિસેમ્બર 2022ના રોજ એક પરિપત્ર બહાર પાડીને કોર્પોરેશનના કર્મચારીઓની જવાબદારી નક્કી કરી હતી. તેમ છતાં, આજની તારીખે પણ સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા હોવાનું ધારાસભ્ય રાણાએ આક્ષેપ કર્યો. તેમણે સંકલન સમિતિમાં એવી માહિતી માંગી હતી કે જે મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તે મિલકતોની વર્તમાન સ્થિતિ શું છે તેની જાણકારી આપવામાં આવે.
કોર્પોરેશન દ્વારા સાતેય ઝોનમાંથી પ્રાપ્ત થયેલી માહિતી ચોંકાવનારી હતી. આ માહિતી દર્શાવે છે કે, જ્યાં ચાર માળની મંજૂરી હતી ત્યાં પાંચ માળ ઊભા થઈ ગયા છે, અને જ્યાં પાંચ માળની મંજૂરી હતી ત્યાં છ માળ બની ગયા છે. આ ગેરકાયદેસર વધારાના બાંધકામોની નોંધણી પણ આકારણી દફ્તરે થઈ ગઈ છે. આના પરથી કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી સ્પષ્ટપણે ઊભી થાય છે.
જુઓ Video
અધિકારીઓ સામે પગલાં લેવા માગ
આ ગંભીર રજૂઆત બાદ કમિશનરએ તત્કાળ પગલાં લેતા દરેક ઝોનના ચીફ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આ પ્રકરણની સઘન તપાસ કરીને આમાં સંડોવાયેલા કે ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર કોઈપણ કર્મચારી કે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ભ્રષ્ટાચારની આશંકા પણ સેવાઈ રહી છે, અને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ગેરરીતિઓ સામે કેવા નક્કર પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. આ ઉપરાંત, ધારાસભ્ય પ્રવિણ ગોગારીએ પણ મેટ્રોના બેરીકેટ હટાવી રસ્તા ખુલ્લા કરવાની માંગ કરી છે.