Mehsana: ખરીફ સીઝનમાં મગફળીમાં ધૈણ નામની જીવાત અને દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ વધી જતો હોય છે. જેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતુ હોય છે. ત્યારે સફેદ ઘૈણ અને ઘોડિયા ઈયળ અટકાવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જેના પગલે ખેડૂતો પોતાના પાકને બચાવી શકે છે.
મગફળીના પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ અટકાવવા મટે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શન જાહેર કર્યું છે. મહેસાણા જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ખરીફ સીઝનમાં મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળે છે. આ ધૈણની ઇયળો પહેલા તંતુમુળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુકસાન કરે છે, તેનું નુકસાન આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. જો ધૈણ નો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલીત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર નીચે મુજબના પગલાં લેવા સંબંધિત ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. જેમા ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી સુષુપ્તવાસ્થામાં રહેલા ઢાલીયા મરી જાય.
પહેલા વરસાદે પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ,બોરડી,સરગવો કે લીમડાના પાન ખાય છે. તેથી ઝાડના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ કરવો. શેઢે-પાળેના ઝાડ પર કાર્બારીલ (50 વેટેબલ પાવડર) 40 ગ્રામ અથવા ક્વીનાલફોસ (25 ઇસી) 25 મીલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રકાશ પીંજર ગોઠવી, ઢાલીયા એકઠા કરી તેનો નાશ કરવો.એરંડીનો ખોળ હેક્ટરે 500 કિલોના હિસાબે વાવેતર પહેલાં ચાસમાં આપવા. ફોરેટ-10 દાણાદાર દવા હેક્ટરે 25 કિલો પ્રમાણે વાવેતર પહેલાં ચાસમાં આપવી. ક્લોરપાયરીફોસ (20 ઇસી) અથવા ક્વીનાલફોસ (25 ઇસી) 25 મીલી દવા પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે વાવતા પહેલા ત્રણ કલાકે બીજ માવજત આપી છાયડે સૂકવી વાવેતર કરવું.
ઊભા પાકમાં ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (20 ઇસી) અથવા ક્વીનાલફોસ (25 ઇસી) 25 મીલી દવા હેકટરે 4 લીટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવી. આ અંગે વધુ જાણકારી જોઈએ તો, વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી ખેતી/કે.વી.કે /તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક અથવા કિસાન કોલસેન્ટર ટોલ ફ્રી નંબર-18001801551નો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લાપંચાયત મહેસાણા દ્વારા જણાવાયું છે.
મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે દવાઓના છંટકાવ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. મહેસાણા જિલ્લામા ચાલુ વર્ષે સારા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં દિવેલા એટલે કે એરંડા પાકમા ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ છે. જેનો નાશ ન કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટ પડવાની સંભાવના છે. ખાસ કરીને ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઈયળો દિવેલાના કુમળા પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છોડ પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે.
જિલ્લાના ખેડૂતોને ઘોડિયા ઈયળોના ઉપદ્રવથી બચવા અને ઓછા ખર્ચે નિયંત્રણ માટે તેને હાથ વડે વીણી લેવી તેમજ ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે મુજબ લાકડીના ટેકા મુકવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં કરાયો છે. આ ઉપરાંત ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણીક દવાના છંટકાવ દ્વારા તેના પર નિયંત્રણ લાવવા એક પંપમાં 30 મી.લી. ક્વિનાલફોસ (0.05%) અથવા 30 મી.લી. કલોરપાયરીફોસ (0.04%) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (05%) ઘન એક પંપમાં 03 થી 04 ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવા ખેતીવાડી વિભાગ છે. વધુમાં શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે. દિવેલાના પાકમાં યોગ્ય માત્રામાં અને સમયાંતરે દવાઓના છંટકાવ દ્વારા દિવેલાના પાકને થતું નુકશાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા જિલ્લાના ખેડૂતોને અનુરોધ છે. વધુ માહીતી માટે ગ્રામ સેવક્નો તથા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નમ્બર 18001801551 ઉપર સંપર્ક કરી શકાય છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા જણાવાયું છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો