રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે, ત્યારે હવે છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. વર્તમાન સપ્તાહ દરમિયાન પણ અનેક સ્થળોએ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સપ્તાહ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આ દરમિયાન ખેડૂતોની નજર સતત વિસ્તારના મહત્વના જળાશયો પર રહેતી હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને લોકોની નજર ધરોઈ ડેમ પર રહેતી હોય છે.
ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે. ધરોઈ ડેમમાંથી અનેક શહેરો અને ગામડાઓને પીવાનુ પાણી મળે છે, તો ખેડૂતોને સિંચાઈનુ પાણી મળી રહે છે. વિસ્તારના સૌથી મોટા ડેમને લઈ ચોમાસા દરમિયાન ખેડૂતોની નજર સતત ધરોઈ ડેમ પર રહેતી હોય છે. ધરોઈ ડેમ આ વખતે સંપૂર્ણ ભરાઈ જવાની અત્યંત નજીક હોવાને લઈ મોટી રાહત છે.
વર્તમાન ચોમાસાની શરુઆતે ધરોઈ ડેમ અડધાથી વધારે ખાલી હતો. 1 જૂનની વાત કરવામાં આવે તો ધરોઈ ડેમમાં 42.90 ટકા પાણીનો જથ્થો ભરાયેલો હતો. એટલે કે 603.71 ફુટ જળસપાટી ધરાવતો હતો. આ દરમિયાન ધરોઈ ડેમમાં 348.80 MCM પાણીનો જથ્થો સંગ્રહ થયેલો હતો. જોકે ત્યાર બાદ ધરોઈ ડેમમાં ચાલુ ચોમાસા દરમિયાન પ્રથમ પાણીની આવક 17 જૂને નોંધાઈ હતી. સાંજે પાંચ કલાકે 6,111 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે 7 કલાકે વધીને 8888 ક્યુસેક અને 8 કલાકે 12,222 ક્યુસેક જેટલી વધી હતી. બિપરજોય વાવાઝોડાની અસર રુપે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને પાણીની આવક વધતા ધરોઈની જળસપાટી વધી હતી.
ઓગષ્ટમાં માત્ર 4 ટકા જેટલી જ નવી આવક
19 જૂને ધરોઈમાં પાણીની આવક 41 હજાર ક્યુસેક નોંધાઈ હતી. આમ ધરોઈની જળસપાટી વધવા લાગી હતી અને બે દિવસમાં જ જળસંગ્રહમાં 10 ટકાથી વધુનો વધારો થયો હતો. જ્યારે જુલાઈ 1 ના રોજ જળસંગ્રહ 55.30 ટકા નોંધાયો હતો. આ દરમિયાન પણ પાણીની આવક ઓછા વત્તા પ્રમાણમાં નોંધાઈ રહી હતી. 7 જુલાઈની આસપાસ પણ પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આમ જુલાઈ અંત સુધીમાં ધરોઈ ડેમ 86.56 ટકા જેટલો ભરાઈ ગયો હતો. જુલાઈની અંતિમ તારીખોમાં પણ સાબરમતીમાં આવક નોંધાઈ હતી. 31 ઓગષ્ટે 91.53 ટકા જળસંગ્રહ નોંધાયો હતો. આમ ઓગષ્ટમાં પુરા મહિના દરમિયાન માત્ર ચાર ટકા જ નવા પાણીની આવક નોંધાઈ હતી.
સપ્ટેમ્બર માસમાં વરસાદનો મહત્વનો રાઉન્ડ આવ્યો હતો જેને લઈ હાલમાં ધરોઈ ડેમ હવે સંપૂર્ણ ભરાઈ જેવી સ્થિતિમાં છે. જોકે હવે માત્ર પોણો ફુટ જ તેની મહત્તમ સપાટીથી વર્તમાન જળસપાટી દૂર છે. હાલમાં 621 ફુટની સપાટી ડેમની નોંધાઈ છે. જ્યારે મહત્તમ જળસપાટી 621.85 છે. હાલમાં 96.65 ટકા જળસંગ્રહ નોંધાયેલો છે. જ્યારે પાણીની આવક 2100 ક્યુસેક નોંધાઈ રહી છે. આમ હવે ધરોઈને લઈ મોટી રાહત સર્જાઈ રહી છે.
જોકે સાબરમતી નદીમાં આ વર્ષે પૂરની સ્થિતિ જોઈ શકાઈ નથી. કેટલાક અંશે પાણી નદીમાં છોડાતા સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભૂગર્ભ જળમાં મોટો લાભ થવાની આશા હોય છે. નદીમાં પાણી વહેતા પટમાં લાંબો સમય ભેજ રહેતા વિસ્તારના ભૂગર્ભ જળમાં વધારો થવાની આશા રહેતી હોય છે.
Published On - 4:30 pm, Fri, 29 September 23