Janmashtami: ડાકોરના રણછોડરાય મંદિરમાં 8.23 લાખની કિંમતના 11 કિલો ચાંદીના કળશની ભેટ ચઢી
વહેલી સવારથી યાત્રાધામ ડાકોરમાં (Dakor) ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમીના (Janmashtami) પાવન પર્વને લઇને શ્રદ્ધાળુઓમાં ભકિતનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.

ખેડા (Kheda) જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં (Dakor) ધૂમધામથી કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ત્યારે એક ભક્ત દ્વારા ડાકોરના મંદિરમાં ચાંદીના કળશનું દાન કપવામાં આવ્યુ છે. અંદાજે 11 કિલો ચાંદીથી આ કળશ બનાવવામાં આવ્યો છે, જેને ડાકોર મંદિરમાં ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જન્માષ્ટમી નિમિત્તે ડાકોર મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
11 કિલો ચાંદીના કળશનું દાન
ડાકોરના કાળિયા ઠાકોરના જન્મોત્સવને મનાવવા આજે દુર દુરથી લોકો આવી રહ્યા છે. વહેલી સવારથી યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઇને શ્રદ્ધાળુઓમાં ભકિતનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. “જય કનૈયાલાલ કી”ના નાદ સાથે ડાકોરના રણછોડ રાયનું મંદિર પરિસર ગૂંજી રહ્યુ છે. ત્યારે મુંબઇ સ્થિત એક ભાવિક ભક્ત દ્વારા પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રાજા રણછોડરાયજીને ચાંદીનો કળશ અર્પણ કરવામાં આવ્યો છે. અંદાજે 11 કિલો ચાંદીના આ કળશની કિંમત રૂ. 8.23 લાખ જેટલી છે.
જન્માષ્ટમી નિમિતે વિવિધ કાર્યક્રમ
ડાકોરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. જગતના નાથના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ડાકોર મંદિરના આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 6:30 કલાકે નીજ મંદિર ખોલવામાં આવ્યું હતું અને સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર ઠાકોરજીને ભોગ પ્રસાદ કરવામાં આવ્યો અને સેવા પૂજા કરવામાં આવી. બપોરે 1 કલાકે ઠાકોરજી પોઢી જશે. એક વાગ્યા બાદ ભક્તો માટે દર્શન તથા મંદિર પ્રવેશ બંધ રહેશે.
બપોર બાદ સાંજે 4.45 કલાકે દર્શન માટે મંદિર ખોલાશે. બાદમાં સાંજે 5 કલાક ઉત્થાપન આરતી બાદ નિત્ય ક્રમાનુસાર સેવા-પૂજા કરાશે અને રાત્રે 2 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે.. લાલાને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનને સેવા તથા શૃંગાર કરીને મોર મુગટ ધારણ કરવામાં આવશે અને બાલ ગોપાલ લાલજીને પૂજારીઓ દ્વારા સોનાના પારણામાં ઝૂલાવવામાં આવશે.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ
બીજી તરફ ડાકોરમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર આ પ્રકારે તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ડાકોરમાં આવતા ભક્તો આ તુલસીના રોપાઓને પ્રસાદ રુપે લેતા હોય છે. હજારોની સંખ્યામાં આ રોપાઓનું વિતરણ કરવામાં આવતુ હોય છે.