Visavadar By Election : વિસાવદર બેઠક પર ભાજપ ઉમેદવાર બરાબરના ફસાયા, ઉમેદવારી પત્રમાં નીકળી આવી ગંભીર ભૂલ, જુઓ Video
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે અપક્ષ ઉમેદવાર અને આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે. શપથપત્રમાં ભૂલો અને માહિતી છુપાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હવે ચૂંટણી કરતાં વધુ વિવાદનું કેન્દ્ર બની રહી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન AAP સહિત અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સોગંદનામા અંગે ગંભીર વાંધો નોંધાવ્યો છે.
અપક્ષ રજનીકાંત વાઘાણીના જણાવ્યા અનુસાર, કિરીટ પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે, તે રાજ્ય સરકારના માન્ય નમૂનાથી અલગ છે. વાઘાણીએ દાવો કર્યો કે સરકારી સ્વરૂપના બદલે પોતાની ઇચ્છાથી તૈયાર કરાયેલ દસ્તાવેજ શપથનામા તરીકે અપાયો છે, જે પસંદગી પ્રક્રિયાની નિયમિતતા પર પ્રશ્ન ઊભો કરે છે.
અટલુજ નહીં વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. અપક્ષ ઉમેદવારે સાથે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કિરીટ પટેલના ઉમેદવારી પત્રમાં બે પ્રકારની ગંભીર ભૂલો નોંધાઈ છે, જે ચૂંટણી નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે.
પાર્ટીના મતે, કિરીટ પટેલે કેટલાક મહત્ત્વની વિગતો જાણી જોઈને છુપાવી છે, જેને કાયદેસર રીતે ગંભીર ફરિયાદ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ આ મામલાની પૂરી વિગતો સાથે કાનૂની નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે અને પાર્ટી આગળ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. AAPનું કહેવુ છે કે આવા કેસને કાયદાની દ્રષ્ટિએ પડકારી શકાય છે અને જરૂરી તટસ્થ કાર્યવાહી થવી જોઈએ.
અપક્ષ ઉમેદવારના મતે, જો ઉમેદવાર દ્વારા સોગંદનામું સરકારના નક્કી કરેલા બંધારણીય નમૂનામાં ન હોય, તો આવી અરજીઓ રદ થવી જોઈએ. તેમણે લેખિત વાંધો નોંધાવી દેવા સાથે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી ન થાય, તો તેઓ આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જઈ શકે છે.
ભાજપ ઉમેદવાર પર માહિતી છુપાવવાનો આક્ષેપ
રજનીકાંત વાઘાણીએ કિરીટ પટેલ પર વધુ એક આરોપ મૂક્યો કે તેમણે તેમના ઉમેદવારી ફોર્મમાં અમુક માહિતી છુપાવી છે તથા કેટલીક વિગતો ખોટી રીતે રજૂ કરી છે. વાઘાણીએ આ મુદ્દે ન્યાયની માંગ સાથે જણાવ્યું કે ચૂંટણીના નિયમો સર્વે માટે સરખા હોવા જોઈએ.
ચૂંટણી અધિકારીએ શું કહ્યું ?
વિસાવદર બેઠકના ચૂંટણી અધિકારી સી.પી. હિરવાણિયાએ જણાવ્યું કે, કુલ 31 ઉમેદવારી ફોર્મમાંથી ૨૨ માન્ય રાખવામાં આવ્યા છે અને બાકીના મામલાઓની તટસ્થ રીતે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, સોગંદનામાના ફોર્મેટ અંગે જે વાંધા નોંધાયા છે, તેની પણ નિયમ મુજબ તપાસ થશે.
રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે
વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષો પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. હવે અપક્ષ ઉમેદવાર પણ મંચ પર વાંધા સાથે પડકાર સર્જી રહ્યા છે, જેથી આ ચૂંટણી આવનારા દિવસોમાં વધુ ચર્ચાસ્પદ બની શકે છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો