વર્ષા ઋતુમાં જોવા મળ્યો ગીરનો અનેરો વૈભવ, ધરતીએ લીલી ઓઢણી ઓઢી હોય તેવો નયનરમ્ય નજારો- જુઓ Video
પક્ષીનો મધુર કલરવ, મોરનો ટહુંકો, સિંહની ગર્જના, હરણની મતવાલી ચાલ, સાથે જ દીપડાની ચપળતા, ખળખળ વહેતા નીર અને ધરતીએ લીલુડી ઓઢણી ઓઢી હોય તેવા પ્રકૃતિનો વૈભવ એટલે સાસણ ગીરનો આ નયનરમ્ય નજારો.
વર્ષા ઋતુમાં સાસણ ગીરની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. અહીં વીડિયોમાં દેખાતા દૃશ્યો એ તો સાસણ ગીરના પ્રાકૃતિક સૌંદર્યનું ટ્રેલર માત્ર છે. વર્ષા ઋતુમાં ગીરનો આ વૈભવ કંઈક અનોરો હોય છે. આકાશથી વરસતી વરસાદની મહેર અને ગીરમાં છવાયેલી આ લીલી લહેર. સાસણ ગીરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
આ દ્રશ્યો કોઈનું પણ મન મોહી દે તેના માટે પૂરતા છે. તો ઉનાળાના આકરા તાપથી તપેલા જંગલ પર વર્ષા ઋતુ જાણે કે સંજીવની બનીને આવે છે. વરસાદ પડતાની સાથે જ સાસણ ગીરના જંગલ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલ હરિયાળું બની જાય છે. ત્યારે આ હરિયાળીમાં વન્ય પ્રાણીઓને નિહાળવા એ લ્હાવો બની જાય છે. લીલા ઘાસની કુપણ ફૂટવાથી હરણ, ચિતલ, સાબર, નીલગાય આ જેવા જ તૃણભક્ષી પ્રાણી પણ આના માટે પુરતા પ્રમાણમાં તેમના માટે ઘાસ મળી રહેશે.
સાથેજ ગીરમાં વન્ય સૃષ્ટિની કોઈ કમી નથી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2375 પ્રજાતિઓ છે, જેમાં 38 પ્રકારના સસ્તન પ્રાણી, 300થી વધુ પક્ષીઓ, 37 રેપ્ટાઇલ્સ અને 2000થી વધુ કીટકો સામેલ છે. એશિયાટિક સિંહ જેની વસ્તી હાલ 891 થઈ છે. જેને ગીરની શાન પણ માનવામાં આવે છે.
સાસણ ગીર અભ્યારણ ચોમાસાની ઋતુમાં ચાર મહિના બંધ રહેશે. પણ દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રહેતું હોય છે. જ્યાં વર્ષા ઋતુમાં પ્રવાસીઓ પ્રકૃતિનો નજારો માણવા માટે ઉમટતા હોય છે. હાલ ગીરમાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી છે. આ નજારો પ્રવાસીઓના મનને પ્રફુલ્લિત કરી રહ્યો છે. સાસણ ગીરની લીલુડી ધરતી પ્રકૃતિના સૌંદર્યની અવિરત ધારા વહાવી રહી હોય તેવા જ જાણે કે કુદરતી સૌંદર્યના દ્રશ્યો સ્વર્ગમાં સર્જાયા હોય તેવા અહીં જોવા મળે છે.
સાસણ ગીરમાં વિહાર કરતા સિંહની ગર્જના, પક્ષીઓનો કલરવ, ખળખળ વહેતા પાણીનો નાદ, ગીરના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. સાસણ ગીરની આ હરિયાળી ધરતી સાથે જ પોતાની ગોદમાં વન્ય સૃષ્ટિ અનન્ય ખજાનાને સમાવી અને જાળવી રહી છે. ગીર એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ તે ગુજરાત અને સમગ્ર ભારતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસનું જીવંત પ્રતીક છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh