JUNAGADH : એશિયાની શાન અને ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોનું વેકેશન પૂર્ણ થઇ ગયું છે. 4 મહિના બાદ ગીર અભયારણ્ય ખુલતા ડાલામથ્થાને નજીકથી જોવા પ્રવાસીઓ ઉમટ્યા હતા. એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાતના ગીર જંગલમાં જંગલ સફારી કોવિડ -19 મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી બંધ રહ્યા બાદ શનિવારે પ્રવાસીઓ માટે ફરી ખુલી છે. પ્રવાસીઓ સાવજોની ગર્જના સાંભળવા આતુર બન્યા હતા.
સાસણ ગીરના નાયબ વન સંરક્ષક (DCF) મોહન રામે સાસણ ગીરમાં જંગલ સફારી જીપને લીલી ઝંડી બતાવી હતી અને સિંહ દર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષે પ્રવાસીઓને એક અલગ અનુભવ થશે કારણ કે ચોમાસાના અંતમાં લેન્ડસ્કેપમાં કેટલાક અસામાન્ય ફેરફારો જોવા મળ્યા છે. તેમણે પ્રવાસીઓને કોરોના મહામારી અને રોગચાળાને પગલે માર્ગદર્શિકા અને SOPનું પાલન કરવાની અપીલ કરી હતી.
દર વર્ષે, ગીર અને ગિરનાર જંગલ સફારી 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી લોકો માટે ખુલ્લું રહે છે અને બાકીના દિવસો દરમિયાન બંધ રહે છે. અન્ય આકર્ષણો જેમ કે દેવળીયા અને આંબરડી સફારી પાર્ક બંને સિંહોનું ઘર, સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લા રહે છે.
સાસણ ગીરના નાયબ વન સંરક્ષક (DCF) મોહન રામે પત્રકારોને કહ્યું, “ગીર જંગલમાં જંગલ સફારી આજથી શરૂ થઈ ગઈ છે, અને અમને 100 ટકા બુકિંગ મળી ગયું છે, બધા જ બુકિંગ ઓનલાઈન થઈ ગયા છે. તે એક સકારાત્મક શરૂઆત છે.” તેમણે કહ્યું કે દેવળીયા સફારી પાર્ક, જે આ વર્ષે 17 જૂનથી ખુલ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં 1.31 લાખથી વધુ પ્રવાસીઓ આકર્ષાયા છે.
તેમણે કહ્યું, “અમને વિશ્વાસ છે કે ગીર સફારીને પણ આવો જ પ્રતિસાદ મળશે. અમે પ્રવાસીઓ માટે માળખાગત સુવિધાને અપગ્રેડ કરી છે અને તેમને કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કરવા અને ચેપનો ફેલાવો રોકવામાં અમારી મદદ કરવા વિનંતી કરીશું.”
ગયા વર્ષે હાથ ધરાયેલી વસ્તી અંદાજ કવાયત મુજબ, ગીર જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોની સંખ્યા 29 ટકા વધીને 674 થઈ છે.
આ પણ વાંચો : કલમ 370 હટવાથી વિકાસનો માર્ગ બધા માટે ખુલ્યો, કાશ્મીરી હિન્દુઓનું કરાવવું પડશે પુનર્વસન: RSS પ્રમુખ મોહન ભાગવત
આ પણ વાંચો : KHEDA : કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાન હરીશ પરમાર આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા