Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી
સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

જામનગર (Jamnagar)શહેરમાં આંગણવાડી (Anganvadi)ની હાલત દયનીય છે. કેમકે આંગણવાડી માટે જગ્યા નથી. કયાંક ભાડાની જગ્યામાં તો કયાંક એક સાથે 2 કે તેથી વધુ આંગણવાડી ચાલે છે. ઘણી બધી જગ્યાએ કોમ્યુનિટી હોલ (Community Hall)માં એક સાથે અનેક આંગણવાડી ચાલે છે. એ પણ કામચલાઉ નહી પરંતુ વર્ષોથી આ પ્રકારની સ્થિતી છે.
જામનગર શહેરમાં આંગણવાડીની હાલત દયનીય જોવા મળી રહી છે. જામનગર મહાનગર પાલિકા દ્રારા આંગણવાડી માટે કરોડો રૂપિયાનો ખર્ચ તો થાય છે. પરંતુ જે રીતે આંગણવાડી ચાલે છે. તેને સામુહિક આંગણવાડી કહી શકાય. એવું એટલા માટે કેમકે અહીં એક સાથે બે કે તેથી વધુ આંગણવાડી એક જ છત નીચે ચાલતી હોય છે. શંકર ટેકરી વિસ્તારમાં તો એક બે નહીં એક સાથે 5 આંગણવાડી સાથે ચાલે છે. તે પણ કોમ્યુનિટી હોલમાં અને કામચલાઉ સ્થિતિ હોય તો ય સમજ્યા આ તો છેલ્લા 9 વર્ષથી આ જ સ્થિતિમાં ચાલે છે. તો અન્ય એક આંગણવાડી જર્જરિત બિલ્ડિંગમાં પહેલા માળે છે. જેમાં બે નાના રૂમમાં કુલ ચાર આંગણવાડી કાર્યરત છે. જયાં છત પરથી પોપડા પડતા હોય છે, આમાં બાળકો પર જોખમ વધે છે તે અલગ.
સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. કયાંક જગ્યાના અભાવે તે રાખી નથી શકાતા, તો કયાંક વરસાદી પાણી ભરાતા આવા સાધનો બગડી ગયા છે. એક હોલમાં 5 આંગણવાડીના બાળકો સાથે હોય તો કલબલાટ વચ્ચે આંગણવાડીની પ્રવૃતિ થઈ શકતી નથી. પાંચ આંગણવાડીના સંચાલિકા એક હોલમાં 100થી વધુ બાળકોને રાખવા મુદે અનેક મુશ્કેલીનો સામનો કરે છે.
જામનગર મહાનગર પાલિકાની કુલ 309 આંગણવાડી કાર્યરત છે. જેમાંથી પોતાના મકાનમાં ચાલતી આંગણવાડી માત્ર 161 છે. 36 આંગણવાડી પ્રાથમિક શાળાના મકાનમાં ચાલે છે. 60 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં ચાલે છે. 52 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. 60 પૈકી અનેક એવી આંગણવાડીઓ છે જે એક જ હોલમાં 2 કે તેથી વધુ આંગણવાડી કાર્યરત છે. વર્ષોથી અહીં આ જ સ્થિતિ છે અને હવે રહી રહીને જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ. કે. વસ્તાની નવા આયોજન કરવાની વાત કરે છે. જો કે આ આયોજનો પણ ક્યારે પુરા થશે તેના પર સવાલ છે.
સરકાર દ્વારા આંગણવાડી માટે કરોડો રૂપિયા ખર્યાય છે, પરંતુ સ્થાનિક તંત્ર આંગણવાડીની જગ્યા મુદે કોઈ દરકાર નથી કરતું જેને કારણે તેને યોગ્ય રીતે લાભ મળતો નથી. એક સાથે અનેક આંગણવાડી માત્ર દેખાવની છે એવું જોવા મળે છે. એના કારણે બાળકો અને સંચાલકોને શું મુશ્કેલી છે એની કોઈ જ પરવાહ કરાતી નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારી તંત્ર જાગે તે જરૂરી છે.
આ પણ વાંચો-