Jamnagar: ફલ્લા ગામની ગ્રામીણ વિકાસ બેંકમાં મહિલા કર્મચારીની છેડતી મુદ્દે ખેલાયો ખૂની ખેલ, 1ની હત્યા
પતિ ઉપર જીવલેણ હુમલો થયો હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં હત્યારો આરોપી અને તેનો ભાઈ બન્ને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી ગ્રામીણ વિકાસ બેંકમાં આજે બપોરે ખૂની ખેલ ખેલાયો હતો. બેંકના મહિલા કર્મચારી સાથે બેંકના હંગામી કર્મચારીએ છેડતી કરી હોવાથી મહિલા કર્મચારીના પતિ-સસરા વગેરે બેંકમાં આવ્યા હતા. જે દરમિયાન હંગામી કર્મચારી સાથે ઝઘડો થયો હતો અને હંગામી કર્મચારીએ છરી વડે મહિલા કર્મચારીના સસરા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં પંચ કોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મિલન ઘેટિયાનું નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ ઉપર જીવલેણ હુમલો
પતિ ઉપર જીવલેણ હુમલો થયો હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં હત્યારો આરોપી અને તેનો ભાઈ બન્ને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હત્યા અને હત્યા પ્રયાસ અંગે નો ગુન્હો નોંધવામાં આવી રહ્યો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે આ બનાવને લઈને ફલ્લા ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી.
જાણો સમગ્ર ઘટના?
આ હત્યા ના બનાવની વિગત એવી છે કે જામનગરના ફલ્લામાં આવેલા ખેંગારપર ગામમાં આવેલી ગ્રામીણ વિકાસ બેંકમાં આજે બપોરે બે વાગ્યાના અરસામાં બેંકના મહિલા કર્મચારી અંકિતાબેન મિલનભાઈ ઘેટીયાએ તેમની સાથે નોકરી કરતા હંગામી કર્મચારી ધવલ શાંતિલાલ પટેલે છેડતી કરી હોવાની જાણ તેમના પતિ મિલનને કરી હતી. આથી મિલન અને તેના પિતા બેંક ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે હંગામી કર્મચારી ધવલ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનામાં ધવલે પોતાની પાસે રહેલી છરી કાઢીને અંકિતાબેનના સસરા ગોવિંદભાઇને મારી હતી. છરીના ઘા આડેધડ ઝીકાતા તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. આથી આ બનાવ હત્યામાં ફેરવાયો હતો.
હત્યા કરનારો ફરાર
આ ઉપરાંત અંકિતાબેનના પતિ મિલનને પણ છરીના ઘા વાગ્યા હોવાથી તેને લોહી લૂહાણ હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેની હાલત પણ ગંભીર ગણાવાઇ રહી છે. આ બનાવ પછી હુમલાખોર આરોપી ધવલ શાંતિલાલ પટેલ અને મદદગારી માં જોડાયેલો તેનો ભાઈ ભોલો કે જેઓ હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.