ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે સુરત ! છેલ્લા 24 કલાકમાં ત્રણ ખૂની ખેલ ખેલાયા
લિંબાયત, ડીંડોલીના ભેસ્તાન બાદ ડીંડોલીના નવાગામ વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી છે. નવાગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં શ્રમિક પરિવારના મહેન્દ્ર રાઠોડ નામના વ્યક્તિનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. મૃતક મહેન્દ્ર રાઠોડ લેસપટ્ટીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
હીરાનગરી સુરત ધીમે ધીમે ક્રાઈમ કેપિટલ બની રહી છે. સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાઈ છે. ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કારણ કે સુરતમાં ફક્ત એક જ દિવસમાં હત્યાની 3 ઘટનાઓ સામે આવી ચૂકી છે. લિંબાયત, ડીંડોલીના ભેસ્તાન બાદ ડીંડોલીના નવાગામ વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી છે. નવાગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં શ્રમિક પરિવારના મહેન્દ્ર રાઠોડ નામના વ્યક્તિનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. મૃતક મહેન્દ્ર રાઠોડ લેસપટ્ટીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
ડીંડોલી વિસ્તારમાં 2 અને લિંબાયતમાં 1 વ્યક્તિની હત્યા
તો આતરફ ગઈકાલે ડીંડોલી વિસ્તારમાં જ એક યુવકની હત્યા થઈ હતી. જેના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા .આરોપીએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલો આરોપી અગાઉ પણ હત્યાને અંજામ આપી ચૂક્યો છે. મહત્વનું છે કે આરોપીએ CNG પંપ પાસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી.
તો બીજી તરફ લિંબાયત વિસ્તારમાં પણ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. નિતેશ પાટીલ નામના 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને તેની સોસાયટી બહાર જ હત્યા કરાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક નિતેશ પાટીલનો દશરથ ઉર્ફે કાણિયો પાટીલ સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં નિતેશ પાટીલની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
(વીથ ઈનપૂટ -બલદેવ સૂથાર, સુરત)