Jamnagar: જામનગરમાં યુવાનોએ ગરીબ બાળકોને ભણતરમાં રૂચિ કેળવી, 25 વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે દત્તક લીધા
Jamnagar: જામનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનોએ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી. જેમાં ગરીબ કે અનાથ બાળકોને શોધીને તેમને અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવીને શાળામાં પ્રવેશ અપાવીને તેમની શૈક્ષણિક જવાબદારી સંસ્થાએ સંભાળી. 3 વર્ષમાં 25 જેટલા બાળકોને નિયમિત શાળાએ મોકલ્યા છે.
Jamnagar: યુવાનો સારુ શિક્ષણ મેળવ્યા બાદ પોતાના મોજશોખ માટે સમય અને પૈસાનો ખર્ચ કરતા હોય છે. જામનગરના અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન મિત્રોએ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી. સી.એ., ડૉકટર, એન્જીનીયર, શિક્ષક, પ્રોફેસર, બેન્ક કર્મચારી, પોલીસ જવાન, સરકારી કર્મચારી જેવા વ્યવસાયમાં રહેલા યુવાન મિત્રોએ સ્વયંશકિત નામની સંસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
જેમાં કુલ 66 જેટલા યુવાનો કોરોના કાળમાં જનસેવા કરી હતી. જે દરમિયાન તે સમયના શાસનાધિકારી ચંદ્રેશ મહેતાએ આવા યુવાનોને ગરીબ અને અનાથ બાળકો જે શિક્ષણથી વંચિત રહેતા હોવાથી તે અંગે કોઈ પહેલ કરવાની અપીલ કરી છે. આ વાતને ગંભીરતાથી લઈને યુવાનોએ ગરીબ વાલીના બાળકો કે અનાથ બાળકોને રોડથી સ્કૂલ સુધી મુકવા માટે પ્રોજેકટ શરૂ કર્યો.
રૈન બસેરામાં રહેતા બાળકોને શિક્ષિત કરવા યુવાનો આગળ આવ્યા
શહેરના હાપા નજીક રૈન બસેરામાં રહેતા લોકોના બાળકોને શિક્ષણ મળે તે માટે યુવાનોએ તેના વિસ્તારમાં પાયાનુ શિક્ષણ અને કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી. સંસ્થાના 66 યુવાનો પૈકી 30 યુવાનો આવા બાળકોને શિક્ષણ આપવા રમતો રમાડે અને નાસ્તો કરાવે. બાળકો સાથે યુવાનો હળીમળીને તેમને પારિવારીક વાતાવરણ આપીને શિક્ષણનુ મહત્વ સમજાવીને શાળામાં નિયમિત મોકલે છે.
યુુવાનો પોતાનો રજા કે ફુરસતનો સમય મોજશોખ કે મનોરંજન પાછળ નહી પરંતુ આવા ગરીબ બાળકો માટે ખર્ચ કરે છે. બાળકો સાથે રમતો રમવી, શિસ્ત શિખાડવુ, ભોજન-નાસ્તો આપવો, વ્યસનથી બાળકોને દુર રહેવા, અને શિક્ષણ આપવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં બાળકોના વાલીઓને વિશ્વાસમા લઈને બાળકોને શાળામાં મોકલે છે.
સંસ્થાના યુવાનો દ્રારા ખાસ કેમ્પેઈન
સંસ્થાના યુવા કાર્યકરો દ્રારા જાહેર સ્થળો અને સોશિયલ મીડિયામાં લોકોને જાહેર અપીલ કરવામાં આવેલ કે રસ્તા પર કોઈ નાના બાળકો ભિક્ષુવૃતિ કરતા જોવા મળે તેમની વિગતો સંસ્થાને આપવા વિનંતી કરી છે. આવા બાળકોને આર્થિક મદદ ના કરીને સંસ્થાને વિગતો મળે તો સંસ્થાના યુવાનો તેનો સંપર્ક કરીને તેને રોડ ટુ સ્કૂલ પ્રોજેકટમાં સભ્ય બનાવીને શાળા મોકલવાના પ્રયાસ કરે છે. હાલ સુધીમાં 25 બાળકો શાળાએ નિયમિત જતા થયા છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો