Gujarati Video: વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી, જાહેર માર્ગ પર બનાવી દીધો ડ્રેનેજનો મેઈન હોલ, હંગામો થતા હવે કરશે સમીક્ષા
Vadodara: વડોદરા કોર્પોરેશનના અંધેર વહીવટનો બોલતો પુરાવો સામે આવ્યો છે કોર્પોરેશને જાહેરમાર્ગની વચ્ચોવચ્ચ ડ્રેનેજ હોલ ચણી દીધો છે. રોડની વચ્ચોવચ્ચ બનાવાયેલા આ ડ્રેનેજ હોલને કારણે અકસ્માત થવાનો પણ ખતરો રહે છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા એવો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ મેનહોલ બનાવવામાં આવ્યો ત્યારે ત્યાં કોઈ રોડ ન હતો અને ત્યાંથી પસાર થતી ડ્રેનેજ લાઈન પસાર થતી હતી તેની ઉંચાઈ અને આગળ જતુ પાણીનું માપ માપવા માટે આ મેનહોલ આ રીતનો બનાવાયો હતો.
Vadodara: વડોદરામાં મહાનગરપાલિકાના અંધેર વહીવટનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો. જાંબુઆ રોડ પર નવા બનેલા રસ્તા વચ્ચે જ તંત્ર દ્વારા 3 ફૂટ ઉંચો ડ્રેનેજનો મેઈન હોલ બનાવવામાં આવ્યો. આ રોડની વચ્ચો-વચ્ચ આવેલા ઉંચા ડ્રેનેજ હોલથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ખતરો છે. સામાન્ય લોકોને પણ સમજમાં આવે કે આવું કામ ન કરાય. ગંભીર બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓને સજા કરવી જોઈએ તેવો લોકોની માગ છે.
આ રોડ બન્યો ત્યારથી જ લોકો ઉંચા ડ્રેનેજ હોલને દૂર કરવા સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરી રહ્યાં છે. અહીંથી પસાર થતા વડોદરાના મેયરનું રસ્તા વચ્ચેના જોખમી મેઈન હોલ પર ધ્યાન ગયું. તો અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને શક્ય હોય તેટલી ઝડપથી મેઈન હોલ રોડ નીચે કરવા મેયરે સૂચના આપી.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ રસ્તા પરનો ઉંચો ડ્રેનેજ હોલ જોઈને ચોંકી ગયા. ધારાસભ્યએ અધિકારીઓને સ્થળ પર બોલાવીને સાત દિવસમાં તે હટાવવા આદેશ કર્યો. આ સાથે જ ધારાસભ્યએ કહ્યું કે અધિકારીઓએ આવી બેદરકારી કયા કારણોસર દાખવી હશે એ સમજાતું નથી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો