જામનગરના યુવકે કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યુ, ‘એક મહિલા ઘાતક હથિયારો સાથે ST માં આવે છે’, જાણો વિગત
જામનગર પોલીસને ફેક કોલ આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે એક મહિલા આવે છે એવો ફોન આવતા જ દોડધામ મચી ગઈ હતી. જાણો વિગત.
જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના બની. રવિવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો અને ખળભળાટ મચી ગયો. ખરેખરમાં રવિવારે બપોરે એક વ્યક્તિએ જુદા જુદા બે મોબાઈલમાંથી ફોન કર્યો હતો. આ ફોનમાં તેણે બસમાં હથિયાર સાથે એક મહિલા આવતી હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે દ્વારકાથી વાયા પોરબંદરવાળી બસમાં એક મહિલા પાસે ખતરનાક હથિયારો છે. આ ફોન આવતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમે એલસીબી, એસઓજી, પંચ-બી સહિતની પોલીસને જાણ કરી દીધી હતી.
માહિતી મળતા જ પોલીસ ટૂકડીઓ લાલપુર બાયપાસથી અન્ય જગ્યાઓ પર ચેકીંગમાં લાગી ગઈ હતી. એસટીના ચેકીંગ કરવામાં આવ્યું અને જે સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું એવી સ્ત્રીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ મળી આવ્યું ન હતું.
આ સમગ્ર મામલે બાદમાં કંટ્રોલ રૂમમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં મોટા થાવરિયા ગામના મિલન ભાણજીભાઈ મકવાણા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. મિલનના ફોનથી ફોન આવ્યાની જાણ થતા પોલીસે મિલનને બોલાવીને પૂછપરછ કરી હતી. મિલને કહ્યું કે તે ફેબ્રીકેશનનું કામ કરે છે. તેને બારેક દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, હું અકબર બોલું છું, તું મારી બાતમી પોલીસમાં આપી દે જે. પરંતુ તે સમયે મિલને બાતમી આપી ન હતી.
આ ઘટના બાદ રવિવારે પણ આવી ઘટના ઘટી. જ્યારે રવિવારે મિલન લાલપુર ચોકડી પાસે હતો ત્યારે અકબર નામના વ્યક્તિએ તેના ફોનમાંથી પોલીસને ફોન કર્યો. અને પોલીસને ખોટી માહિતી આપી. આ જેના આધારે પોલીસે અકબર નામના શક્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.