મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને? કેવી રીતે ચકાસવુ?- જુઓ Video
દેશભરના મોલ–જીમ–સ્ટોર્સમાં છુપા કેમેરા અને ટુ-વે મિરરના કેસ વધતા જાય છે. મહિલાઓના અંગત વીડિયો માર્કેટમાં ફરતા હોય છે. તેવામાં સુરત પોલીસ જ મોલમાં, ચેન્જિંગ રૂમમાં ગઈ અને મહિલાઓની સુરક્ષાની ચકાસણી પણ કરી અને મહિલાઓને ટૂ વે મિરર શું છે તે સમજાવ્યું.
કોઈપણ શોપિંગ મોલમાં કે મોટા-મોટા શોરૂમમાં જે કાચમાં તમે માત્ર જાતને જોતાં હોવાનો ભરોસો રાખો છો. એ કાચ તમારું પ્રતિબિંબ તો બતાવે છે. પણ તમારી ફિલ્મ પણ બનાવી શકે છે. હોટેલમાં, શોપિંગ મોલમાં કે કોઇપણ જગ્યાએ જાવ તો મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે જ ચકાસવી જોઇએ. નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. સુરત પોલીસનો અનોખો પ્રાયોગિક અભિયાન, માત્ર જાગૃતિ નહીં. પણ સમયસર સંકેત ઓળખવાનો સંદેશ છે. ચાલો તમને લઈ જઈએ સુરતના મોલમાં જ્યાં પોલીસ જાતે સમજાવી રહી છે કે કઈ રીતે ઓળખશો છુપાયેલા જોખમને.
સુરત શહેરમાં મહિલા સુરક્ષા અંગે વધતી ચિંતા વચ્ચે સુરત પોલીસએ શરૂ કર્યું એક અનોખું અભિયાન. પોલીસ અધિકારીઓ જાતે જ મોલના ચેન્જિંગ રૂમમાં ગયા અને મહિલાઓને સમજાવી કે, ‘આ રૂમ સંપૂર્ણ પ્રાયવેટ નથી જો તમે સાવચેત ન રહો તો.’ ચેન્જિંગ રૂમમાં પ્રવેશતા પહેલા શું ચેક કરવું તેનો ડેમો મહિલાઓને બતાવવામાં આવ્યો. ખાસ કરીને ટુ-વે મિરર અને સામાન્ય મિરર વચ્ચેનો તફાવત શું છે તે તેમને બતાવ્યું. આ સિવાય મહિલાઓને હૂક, વેન્ટ, એલઈડી લાઇટ, મોબાઈલ કેમેરા જેવી કેટલીક જગ્યાઓ ચેક કરવાની રીત પણ બતાવી.
તાજેતરમાં દેશના અનેક શહેરોમાં ટુ-વે મિરર અને હાઈ-રિઝોલ્યુશન છુપા કેમેરાની ઘટનાઓ વધી છે. પોલીસનો હેતુ મહિલાઓને ડરાવવાનો નથી પરંતુ જાગૃત કરવાનો છે. આ અભિયાન હવે મોલ, જીમ, ગાર્મેન્ટ શોપ્સ, PG હોસ્ટેલ તમામ જગ્યા સુધી વિસ્તરશે. ત્યારે અહીં સવાલ એ થાય કે,
- ચેન્જિંગ રૂમ ખરેખર ‘પ્રાયવેટ’ છે?”
- મિરર તમારું પ્રતિબિંબ બતાવે છે કે તમારી ફિલ્મ ઉતારે છે?
- છુપાયેલા કેમેરા કોણ ચેક કરશે?”
- શું દરેક મોલમાં આવી તપાસ ફરજિયાત થવી જોઈએ?
એક તરફ ટેક્નોલોજી સુવિધા આપતી દુનિયા પણ બીજી તરફ એ જ ટેક્નોલોજી, મહિલાઓની પ્રાઈવસી પર હુમલો કરતી દુનીયાને જન્માવે છે. સુરત પોલીસે જે સંદેશ આપ્યો તે સીધો અને સ્પષ્ટ છે. સુરક્ષા ‘સિસ્ટમ’ પર નહીં ‘સાવચેતી’ પર નિર્ભર છે. ચેન્જિંગ રૂમમાં 10 સેકન્ડની તપાસ ઘણી મોટી ઘટના ટાળી શકે છે. આ માત્ર અભિયાન નથી, મહિલા સુરક્ષાની નવી દિશા છે.