અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમી, છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વધુ ગરમી, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર
ગુજરાતમાં દિવસના મહત્તમ અને રાત્રીના લઘુત્તમ તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાત્રીનુ તાપમાન નીચુ ના આવતા દિવસનું તાપમાન ઉચેને ઉચે જઈ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે.
સમગ્ર ગુજરાત હીટવેવની ઝપટમાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક ઉચે નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.4 ડિગ્રીએ પહોચી ગયો છે. જે સામાન્ય તાપમાન કરતા 2.9 ડિગ્રી વધુ નોંધાયું છે.
અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વધુ ગરમી
અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનામાં ના નોંધાઈ હોય એટલી ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. અમદાવાદ શહેરમાં આજનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે. તો બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ ઉપર મુકવામાં આવેલ તાપમાન માપક યંત્રમાં ગરમીનો પારો 46.8 ડિગ્રીએ પહોચ્યો છે.
અમરેલી 45 ડિગ્રીમાં ઘગઘગ્યું
અમરેલીમાં પણ આજે તાપમાનનો પારો સામાન્ય કરતા 4.2 ડિગ્રી વધુ એટલે કે, 45 ડિગ્રીએ પહોચતા અમરેલી ગરમીમાં ઘગઘગી ઉઠ્યું છે. વડોદરા શહેરમાં પણ મહત્તમ તાપમાનનો પારો 44.2 ડિગ્રીએ પહોચ્યો છે. જે સામાન્ય કરતા 4.3 ડિગ્રી વધુ છે. ભૂજ શહેરમાં તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું છે. તો ભાવનગરમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
ગાંધીનગરમાં પણ 45 ડિગ્રી
રાજ્યના સૌથી હરિયાળા શહેર તરીકે ગણાતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ અટક્યો છે. જે સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધુ છે. રાજકોટમાં 43.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો પહોચ્યો 42થી 45 ડિગ્રીએ
ગુજરાતના ચાર શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોચ્યો છે, તો ચાર શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જયારે સાત શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો છે.
રાત્રીનું તાપમાન ખૂબ ઊંચુ
રાત્રીના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો 30.6 ડિગ્રીએ સ્થિર થયો હતો. જે સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 43 ટકા નોંધાયું હતું.
અમરેલીમાં રાત્રીનુ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 30.4 ડિગ્રી, ભાવનગરમાં 29.7 ડિગ્રી, ભૂજમાં 26 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 28.5 ડિગ્રી, દાહોજમાં 30.8 ડિગ્રી, ડીસામાં 28.2 ડિગ્રી તાપમાન રાત્રીએ નોંધાયું હતું.
ગાંધીનગરમાં રાત્રીના લઘુત્તમ તાપમાન 30.5 ડિગ્રી, જામનગરમાં 27.4 ડિગ્રી, નલિયામાં 27 ડિગ્રી, પોરબંદરમાં 27.2 ડિગ્રી, રાજકોટમાં 24.8 ડિગ્રી, સુરતમાં 29.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન રાત્રીએ નોંધાયું હતું.