AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 જાન્યુઆરીના મહત્વના સમાચાર : માંડવી ચેકપોસ્ટ તોડકાંડ મુદ્દે પૂંજા વંશના કાયદો વ્યવસ્થા સામે સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2024 | 11:56 PM

આજ 29 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

29 જાન્યુઆરીના મહત્વના સમાચાર : માંડવી ચેકપોસ્ટ તોડકાંડ મુદ્દે પૂંજા વંશના કાયદો વ્યવસ્થા સામે સવાલ
Gujarat latest live news and Breaking News today 13 March 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. પરિક્ષા પે ચર્ચાની આ 7મો કાર્યક્રમ હશે. સુપ્રીમ કોર્ટ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે 16 જાન્યુઆરીએ કોર્ટ કમિશનરની નિમણૂક પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર મનાઈ ફરમાવી છે.

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની કેબિનેટની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારના કેબિનેટનું આગામી દિવસોમાં વિસ્તરણ કરવામાં આવશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે બિહારમાં પ્રવેશ કરશે. આ પહેલા તે બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર પહોંચશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jan 2024 11:56 PM (IST)

    માંડવી ચેકપોસ્ટ તોડકાંડ મુદ્દે પૂંજા વંશના કાયદો વ્યવસ્થા સામે સવાલ

    ગીરસોમનાથ: માંડવી ચેકપોસ્ટ પર પોલીસ તોડકાંડ મુદ્દે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પૂંજા વંશે જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. પૂંજા વંશે આરોપ લગાવ્યો કે પોલીસે માત્ર વચેટિયાની જ ધરપકડ કરી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને રજૂઆત કરી છે.

  • 29 Jan 2024 11:54 PM (IST)

    ઝારખંડના CM હેમંત સોરેનની મળી ખબર!

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDને મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી એક મેઈલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી 31 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર રહેશે.

  • 29 Jan 2024 11:36 PM (IST)

    ‘જૂઠાણાંની રાજનીતિ કરે છે’, રાહુલ ગાંધી- ધર્મેન્દ્ર પ્રધાન

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો મુદ્દો ઉઠાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રહારો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ જુઠ્ઠાણાની રાજનીતિ કરે છે.

  • 29 Jan 2024 11:19 PM (IST)

    આતંકવાદી સંગઠન ‘SIMI’ ને લઈ મોદી સરકાર એક્શનમાં

    ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દેશમાં સતત આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપસર આતંકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો છે.

  • 29 Jan 2024 10:17 PM (IST)

    પ્રેમીએ દગો આપતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક

    અમદાવાદમાં મહેજબીન છુવારા નામની મહિલાએ પોતાના પ્રેમી રાકેશ બ્રહ્મભટ્ટ પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના બની છે. પ્રેમી રાકેશ અમદાવાદની સિટી બસમાં કન્ડક્ટરની નોકરી કરે છે. બે દિવસ પહેલા પ્રેમિકાએ AMTSના કન્ટ્રોલ કેબિનમાં ઘૂસીને પ્રેમી પર એસિડથી હુમલો કર્યો હતો.

  • 29 Jan 2024 10:17 PM (IST)

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા બદલ મુસ્લિમ ધર્મગુરુ સામે ફતવો જાહેર

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા બદલ મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ધાર્મિક નેતા ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ઓમર અહેમદ ઈલ્યાસી છે.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા બદલ મુસ્લિમ ધર્મગુરુ સામે ફતવો જાહેર, 22 જાન્યુઆરીએ આવ્યા હતા અયોધ્યા

  • 29 Jan 2024 09:41 PM (IST)

    અમદાવાદના થલતેજ અંડર પાસ થી હેબતપુર ચાર રસ્તા ખાતે અકસ્માત

    અમદાવાદના થલતેજ અંડર પાસ થી હેબતપુર ચાર રસ્તા તરફ આવતા માર્ગ પર સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4 થી વધુ કાર એક બીજા સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,અકસ્માતમાં 4 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા તેઓને સારવાર માટે 108ની મદદ થી હોસ્પિટલ લઈ જવાયાં હતા, બનાવની જાણ થતાં દોડી આવેલ ટ્રાફિક પોલીસે અકસ્માત ગ્રસ્ત તમામ કાર ખસેડી દીધી હતી,અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો ટ્રાફિક પોલીસે ટ્રાફિક. એ ખુલ્લો કર્યો હતો.

  • 29 Jan 2024 09:22 PM (IST)

    અમરેલી: રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં મચી ગઈ દોડધામ

    અમરેલીના રાજુલા તાલુકામાં છતડીયા નજીક આવેલી શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલમાં દીપડો ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માટે દીપડો રૂમમાં ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હોસ્પિટમાં હાલ બાંધકામ ચાલી રહ્યુ છે.

  • 29 Jan 2024 09:00 PM (IST)

    વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનશે ભારત

    મંત્રાલયે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં ભારત પાંચ ટ્રિલિયન ડૉલરની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. સમીક્ષા રિપોર્ટ અનુસાર, સરકારે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત દેશ’ બનવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. જો સુધારાની યાત્રા ચાલુ રહેશે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે.

  • 29 Jan 2024 08:59 PM (IST)

    સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડિમોલિશન મુદ્દે ઉચ્ચારી ચીમકી

    સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દબાણ હટાવ કામગીરી મુદ્દે તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે. વિમલ ચુડાસમાએ તંત્રની ડિમોલિશન કામગીરી મુદ્દે ચીમકી ઉચ્ચારી કે જો બળજબરી થતી હોય તો મને કહેજો, 108ની સ્પીડે આવી જઈશ. ધારાસભ્યે વધુમાં કહ્યુ કે તંત્ર કે ધારાસભ્ય કે સાંસદ બધા તમારા થકી જ છે.

  • 29 Jan 2024 08:36 PM (IST)

    લાલુ યાદવ, હેમંત સોરેન અને હુડ્ડા વિપક્ષના ત્રણ મોટા નેતાઓ EDની રડાર પર

    બિહારમાં નીતિશ કુમારે પક્ષ બદલતા વિપક્ષી ભારત ગઠબંધન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. નીતિશ કુમારે વિપક્ષના નેતાઓને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ હવે તેઓ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ NDAમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ વિપક્ષના ત્રણ મોટા નેતા લાલુ પ્રસાદ યાદવ, હેમંત સોરેન અને ભૂપેન્દ્ર હુડ્ડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના નિશાના પર છે. હાલમાં આ ત્રણેય વિપક્ષી નેતાઓ ED ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. લાલુ યાદવની પાર્ટી આરજેડી અને હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા પણ વિપક્ષી ભારત ગઠબંધનમાં સામેલ છે.

  • 29 Jan 2024 08:10 PM (IST)

    મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા છે.

  • 29 Jan 2024 07:34 PM (IST)

    EDના ડરથી ઝારખંડના CM હેમંત સોરેન થયા ગુમ? EDને નથી મળી રહ્યું લોકેશન

    ઝારખંડના સીએમ હેમંત સોરેનની શોધમાં EDની ટીમ દિલ્હી પહોંચી છે. પરંતુ હજુ સુધી હેમંત સોરેનનો કોઈ પતો મળ્યો નથી. એક રાજ્યના મુખ્યમંત્રી EDના ડરથી ગુમ થઈ ગયા તે આશ્ચર્યજનક બાબત છે. જો કે, ઝારખંડના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક મેલ આવ્યો છે કે સીએમ હેમંત સોરેન 31 જાન્યુઆરીએ ED તપાસમાં જોડાશે. પરંતુ મુખ્યમંત્રીને હજુ સુધી કોઈ સુરાગ ન મળવાની વાત ખુદ ચોંકાવનારી છે.

  • 29 Jan 2024 07:05 PM (IST)

    EDએ લાલુ યાદવને 40 પ્રશ્નો પૂછ્યા, એક કલાક સુધી કરી પુછતાછ

    સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમે લાલુ યાદવને 40 પ્રશ્નો પૂછ્યા છે. ED પાસે 50 થી વધુ પ્રશ્નોની યાદી છે. શરૂઆતમાં લાલુ યાદવને એક કલાક સુધી ED ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. આ પછી પૂછપરછ શરૂ થઈ.

  • 29 Jan 2024 06:49 PM (IST)

    ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નીતિશ કુમારના ઘરે પહોંચ્યા.

    બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે કેબિનેટ વિસ્તરણને લઈને ચર્ચા ચાલી રહી છે. બંને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા આ બેઠકમાં પહોંચ્યા છે.

  • 29 Jan 2024 05:14 PM (IST)

    અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ

    • અમદાવાદના ચાંગોદર વિસ્તારનો બનાવ
    • સરી પાટીયા પાસે મેલડી માતાના મંદિર પાસેનો બનાવ
    • ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ
    • ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં લાગી આગ
    • ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત
    • ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 29 Jan 2024 05:14 PM (IST)

    નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાની ગંભીર બેદરકારી, વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને લઇ જવામાં આવ્યા

    • નડિયાદ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નં 14 ની ગંભીર બેદરકારી સામે આવી
    • શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને લઇ જવામાં આવ્યા હતા અન્ય જગ્યાએ
    • સ્કૂલના બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે અન્ય જગ્યાએ
    • કુલ 16 વિદ્યાર્થીઓ ટેમ્પોમાં ભરી લઇ જવામાં આવ્યા હતા
    • નિયમ પ્રમાણે ટ્રાન્સપોટ વિહિકલમાં માત્ર સામાનની હેરફર જ કરવાની હોય છે
  • 29 Jan 2024 05:10 PM (IST)

    હરણી બોટ દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, તપાસમાં બોટ પલટવાનું સાચું કારણ આવ્યું સામે

    હરણી તળાવની દુર્ઘટનામાં પોલીસ અને FSLની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યું છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું હતું.

  • 29 Jan 2024 04:27 PM (IST)

    હરણી દૂર્ઘટના મુદ્દે વડોદરા કોર્પોરેશનને હાઇકોર્ટની સખત ટકોર, બનાવ બન્યો તે પેહલા શું તપાસ કરી? : હાઇકોર્ટ

    • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઇકોર્ટની સખત ટકોર..
    • બનાવ બન્યો તે પેહલા શું તપાસ કરી? : હાઇકોર્ટ
    • તમે ભલે 100 પગલાં લીધા હશે પણ એ પૂરતું નથી, એક્શન શું લીધા તે મહત્વનું છે : હાઇકોર્ટ
    • કોર્પોરેશને તમામ બાબતોનો ખુલાસો કરવો પડશે…
    • 2 શિક્ષકોનાં મોત થયા છે, પરિવારના કમાતા વ્યક્તિઓના મોત થયા છે : હાઇકોર્ટ
  • 29 Jan 2024 03:22 PM (IST)

    ગુજરાતની 4 સહિત રાજ્યસભાની 56 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

    રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીએ ગુજરાતની 4 બેઠક માટે મતદાન થશે. તમને જણાવી દઈએ કે મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થાય છે. ત્યારે આ ખાલી પડેલી બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જો કે આ 4 બેઠક ભાજપના ફાળે જશે. ત્યારે મહત્વની વાત એ રહેશે કે આ વખતની નવી ટર્મમાં કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થશે.

  • 29 Jan 2024 02:44 PM (IST)

    ગુજરાતની 4 સહીત રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

    ગુજરાતની ચાર બેઠકો સહીત રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યો છે. આગામી  એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 15 રાજ્યોમાં 56 બેઠકો ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ચાર બેઠકો ખાલી પડી રહી છે. ગુજરાતમાંથી બે કોંગ્રેસ અને 2 ભાજપની બેઠકો ખાલી પડશે. જેમાં મનસુખ માંડવીયા, પરશોત્તમ રુપાલા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ પુર્ણ થાય છે. ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં ચારેય બેઠક ભાજપને ફાળે જાય તેવી સ્થિતિ સર્જાશે.

  • 29 Jan 2024 02:41 PM (IST)

    ભાજપના ભરતી મેળા અંગે બોલ્યા અમિત ચાવડા, કહ્યું- હવે અમે નવા અંગ્રેજો સામે લડીશુ

    કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે તે અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભૂતકાળમાં અમે અંગ્રેજો સામે લડ્યા હતા હવે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ લડી રહી છે. આજે દેશમાં ભાગલા પડી રહ્યા છે ભાગલા પાડો અને રાજનીતિકરો તેવી સ્થિતિ છે. જાતિ, ધર્મ, ભાષાથી જુદા પાડવામા આવે છે તેની સામે કોંગ્રેસ લોકોને જોડી રહી છે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. કેટલાક લોકો ગુજરાતમાં ભાજપની સત્તા છે માટે ભય, લાલચથી ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ પક્ષ નેતાથી નહિ કાર્યકર્તાઓથી છે. આજે કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે. 156 ની બહુ તી આપી પણ તેમ છતાં લોકોની ચિંતા નથી, પણ પોતાની સત્તાની લાલસા માટે રાજનીતિ થઇ રહી છે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. વર્ષ 2004 જેમ સત્તા પરિવર્તન થયું હતું, આજ ગુજરાતમાં 26 માંથી 12 લોકસભા બેઠક ઉપર લોકોના આશીર્વાદ મળી રહ્યા છે અને 2024 માં સત્તા પરિવર્તન થશે.

  • 29 Jan 2024 01:41 PM (IST)

    ED આવતીકાલે લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વી યાદવની કરશે પૂછપરછ

    લેન્ડ ફોર જોબ કેસમાં આવતીકાલે તેજસ્વી યાદવ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઓફિસ પહોંચશે. પટનામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઓફિસમાં લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવશે. આજે લાલુ પ્રસાદ યાદવની પુછપરછ કરવામાં આવી રહી છે.

  • 29 Jan 2024 01:39 PM (IST)

    જ્ઞાનવાપીમાં સીલબંધ વિસ્તાર ખોલવાની માંગ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

    જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ASI ના ડાયરેક્ટરને જ્ઞાનવાપી સંકુલમાં રહેલ શિવલિંગ (હિંદુ દાવા મુજબ)નું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હિન્દુ પક્ષે કહ્યું કે, આ સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે. હાલના વજુખાનાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રક્ષણ મળ્યું છે. જેમાં હિન્દુ પક્ષ તેને આદિ વિશ્વેશ્વરનું શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યું છે અને મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. હિન્દુ પક્ષે વજુખાનાને સીલ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને દૂર કરવાની માંગ કરી છે.

  • 29 Jan 2024 01:07 PM (IST)

    મહારાષ્ટ્રમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે, સુપ્રીમ કોર્ટે અધ્યક્ષને આપ્યો આ નિર્દેશ

    મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં NCP ધારાસભ્ય જયંત પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે, સ્પીકરને 15 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે. કેસની સુનાવણી દરમિયાન સ્પીકરના વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

  • 29 Jan 2024 01:01 PM (IST)

    શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત માટે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો સચિવાલય ખાતે થયા એકઠા

    ગાંધીનગર ખાતે ટેટ, ટાટ પાસ ઉમેદવાર એકઠા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઉમેદવારો ગુજરાતમાં ખાલી પડેલી 55 હજાર શિક્ષકો માટે નવી ભરતી શરૂ કરવાની માંગ માટે સચિવાલય ખાતે એકત્રિત થયા છે.  લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારમાં રોષ વ્યાપો છે. ઉમેદવારની માંગ છે કે, સરકારે જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરવી જોઈએ અને તેના સ્થાને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે તે ભરતી કરીને પુરી કરવી જોઈએ. વ્યાયામ, સંગીત અને ચિત્રના વિષયના શિક્ષકોની વર્ષોથી ભરતી થઈ નથી. સરકાર ભરતી નહિ કરતા ઉમેદવારની વય મર્યાદા પૂર્ણતાના આરે આવી પહોચીં છે.  ટેટ અને ટાટ પાસ ઉમેદવારો રાજ્યના શિક્ષણ મંત્રી સહિત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે.

  • 29 Jan 2024 12:56 PM (IST)

    હરણી હોનારત કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, હજુ 6 આરોપીને પકડવાના બાકી

    હરણી તળાવ દુર્ઘટના કેસમાં, પોલીસે નિલેશ જૈન બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. ડોલ્ફીન એન્ટરમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. તેના ભાગીદારો જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરાઈ છે. નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાકટ અપાયો હતો. અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ધરપકડ કરાયેલા આરોપીઓનો કુલ આંક 13 ઉપર પહોંચ્યો છે. જો કે આ કેસમાં હજુ પણ 6 આરોપીઓની ધરપકડ બાકી છે.

  • 29 Jan 2024 11:34 AM (IST)

    EDની ટીમ સાથે દિલ્હી પોલીસ પણ પહોંચી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઈ શકે છે ધરપકડ

    જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ દિલ્હીમાં આવેલા હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી છે. હેમંત સોરેન દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત તેમના નિવાસસ્થાને છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે.

  • 29 Jan 2024 11:27 AM (IST)

    સુરત મ્યુ. કમિશનર આજે રજૂ કરશે 2024-25નું ડ્રાફ્ટ બજેટ

    સુરત મહાનગરપાલિકાના કમિશનર, નાણાકીય વર્ષ 2023-24નું રિવાઇઝડ બજેટ અને નાણાંકીય વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર. ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ ખર્ચમાં વધારો સુચવવામાં આવશે. સુરતના આઈકોનિક પ્રોજેક્ટ ઉપર વધુ ભાર આપીને નાણાકીય ફાળવણી કરાશે. મ્યુ કમિશનર દ્વારા રજૂ થનારા ડ્રાફ્ટ બજેટમાં સુરતીઓ ઉપર નવો કોઈ વેરા લાદવામાં નહી આવે.

  • 29 Jan 2024 11:23 AM (IST)

    ભાજપના ભરતી મેળામાં આજે કોંગ્રેસ-AAP ના અગ્રણી-કાર્યકરો જોડાશે

    લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાવવા માંગનારાઓને પક્ષમાં પ્રવેશ આપી રહ્યું છે. જે અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરો ભાજપનો ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાશે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 700 વધુ કાર્યકરો,પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે.

    પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી, કોંગ્રેસના ઓબીસી સેલના આગેવાન ઘનશ્યામ ગઢવી, કોંગ્રેસ પ્રવકતા સંજય ગઢવી, વિચરતી વિમુક્તજાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવત યોગી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી આર પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.

  • 29 Jan 2024 10:39 AM (IST)

    રાજકોટના સંત કબિર રોડ પર અકસ્માતમાં પિતા-પુત્રનુ મોત

    રાજકોટના સંત કબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે, સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોચીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 29 Jan 2024 09:56 AM (IST)

    દેશમાં 7 દિવસમાં CAA લાગુ થઈ જશે- કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર

    આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો (CAA) લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપી રહ્યો છું કે આગામી 7 દિવસમાં CAA માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. શાંતનુ ઠાકુર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં ભાષણ આપી રહ્યા હતા.

  • 29 Jan 2024 09:23 AM (IST)

    હરણી હોનારતમાં FSL ની તપાસમાં મોટો ખુલાસો, ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા સર્જાઈ દુર્ધટના

    હરણી તળાવમાં સર્જાયેલ બોટ દુર્ઘટના મામલે પોલીસ અને FSL ની તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડ્યા હતા. આગળ ના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી. બોટ બનાવનાર કંપની એ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી. બોટ બનાવતી કંપનીના સંચાલકો એ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની જ છે.

  • 29 Jan 2024 07:53 AM (IST)

    બનાસકાંઠાના ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા, વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ

    બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાન વળતર પેટે 11 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો છે. વર્ષ 2018નાં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઘા નાખી હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે.

    ગુજરાતમાં નોંધાયેલ ખેડૂત સહકારી મંડળીઓ, બેંકમાંથી એડવાન્સ લોન લઇને તેમની મંડળીમાં નોંધાયેલ ખેડૂતોને ધિરાણ આપતી હોય છે. મંડળીઓએ ધિરાણ બદલ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો. વીમા કંપની દ્વારા પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને નુકસાનના વળતરનું ચુકવણું કરાયું હતું. ત્યારે બાકી રહેલા ખેડૂતોએ વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.

  • 29 Jan 2024 07:49 AM (IST)

    વિદેશ પ્રધાન એસ જયશંકર આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે

    વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. એસ જયશંકર નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. નર્મદા જવા માટે એસ જયશંકર વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોચ્યાં હતા. જ્યા વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટથી એસ જયશંકર કેવડિયા રવાના થયા છે.

  • 29 Jan 2024 07:24 AM (IST)

    આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર આપશે પીએમ મોદી

    બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન પરીક્ષા સમયે તણાવને દૂર કરવાનો મંત્ર આપશે. ભારત મંડપમમાં યોજાનાર આ કાર્યક્રમ માટે ત્રણ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાનો આ સાતમો કાર્યક્રમ છે.

Published On - Jan 29,2024 7:24 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">