AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટરમાં 1750 થી લઈ 4500 સુધીનો થશે ફી વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2025 | 10:07 PM

Gujarat Budget 2025 : આજે 20 ફેબુઆરી ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટરમાં 1750 થી લઈ 4500 સુધીનો થશે ફી વધારો

આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર રજૂ બજેટ કરશે. નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. 4 નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ કરાશે. બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. વિધાનસભાનું બજેટ સત્ર હંગામેદાર રહી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Feb 2025 09:53 PM (IST)

    ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું

    ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું.

  • 20 Feb 2025 09:02 PM (IST)

    સુરતમાં ફાર્મ હાઉસમાં દારુની મહેફિલના રંગમાં ભંગ પાડતી પોલીસ, 3 મહિલા સહીત 12 ઝડપાયા

    સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારુની પાર્ટી ઉપર પોલીસે રેડ પાડી છે. પોલીસે ઘટના સ્થળેથી દારુની બોટલો, એક કાર, 11 મોબાઈલ સહીત કુલ આશરે સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ચલથાણ ગામની સિમમાં આવેલ ફાર્મ હાઉસમાં દારુની છોળો ઉડાડાતી મહેફિલ યોજાઈ હતી. આ મહેફિલ ઉપર કડોદરા પોલીસ ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો. દારૂની મહેફિલના સ્થળેથી 9 ઈસમો અને 3 મહિલાને દારૂની બોટલો, એક કાર , 11 મોબાઈલ મળી 6.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

  • 20 Feb 2025 08:57 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટરમાં 1750 થી લઈ 4500 સુધીનો થશે ફી વધારો

    રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીમાં ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા નિર્ણય કર્યો છે. બીએ, બીકોમ, BCA, BBA, અને PhD ના અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર 1750 થી લઈ 4500 સુધીનો ફી માં વધારો કરવામાં આવ્યો છે. કોલેજોની એફિલિએશન ફીમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે. નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે.

  • 20 Feb 2025 08:54 PM (IST)

    વેરાવળ આરોગ્ય વિભાગે 7 હોસ્પિટલને ફટકારી નોટિસ

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ આરોગ્ય વિભાગ દ્વારા 7 હોસ્પિટલોને મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેકવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવા બાબતે ક્રિષ્ના હોસ્પિટલ, Dk બારડ હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, આઈ આઈ વાજાં હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને જંગી ક્લિનિકને નોટિસ ફટકારાવમાં આવી છે.

  • 20 Feb 2025 07:30 PM (IST)

    કાર પાર્ક કરવાના મામલે કાર ચાલક-મુસાફરોએ ગાર્ડને માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ કારચાલક-મુસાફરોને ધોઈ નાખ્યાં

    સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં નેશનલ હાઈવે પર કાર પાર્ક કરવાને લઈને બબાલ થઈ હતી. કોલેજના ગેટ નજીક કાર પાર્ક કરતા, ખાનગી સિક્યુરિટી ગાર્ડે કાર ચાલકને કાર અહીં પાર્ક ના કરવા માટે ટકોર કરી હતી. નેશનલ હાઈવેનું ડાયવર્ઝન હોઈ કાર પાર્ક નહીં કરવા ગાર્ડે કહેતા, કાર ચાલક એકાએક ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા કાર ચાલક અને મુસાફર સહીત ત્રણ જણાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડને બેરહેમ માર મારતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જો કે આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ, ત્રણ યુવકોને પણ ધોઈ નાખ્યા હતા. હિંમતનગર પોલીસે ત્રણેય યુવકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 20 Feb 2025 07:25 PM (IST)

    ડાકોરમાં 7 અપક્ષે કેસરીયા કરતા નગરપાલિકામાં ભાજપ થશે સત્તારૂઢ

    ખેડાની ડાકોર નગરપાલિકામાં ચૂંટાયેલા સાત અપક્ષ સભ્યોએ આખરે કેસરીયા કરતા ભાજપ સત્તા પર આવશે. નડિયાદ ખાતે ભાજપ કાર્યાલયે અપક્ષ સભ્યોને બોલાવીને,  સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની હાજરીમાં જિલ્લા પ્રમુખે તમામ સાત સભ્યોને ભાજપનો ભગવો ખેસ પહેરાવ્યો હતો. ભાજપમાં જોડાયેલા 7 અપક્ષ સભ્યો સહિત હવે ડાકોર નગરપાલિકામાં ભાજપના વિજયી ઉમેદવારોની સંખ્યા વધીને 21 ની થઈ છે. આમ ડાકોર નગરપાલિકામાં ભાજપની બહુમતી થતા, ભાજપ સત્તારૂઢ થશે. જો કે, ડાકોર ભાજપના  સંગઠનને વિશ્વાસમાં લીધા વગર જ, બારોબાર સાત અપક્ષ સભ્યોને ભાજપનો ખેસ પહેરાવતા સ્થાનિક સંગઠનમાં નારાજગી પ્રવર્તી છે.

  • 20 Feb 2025 07:16 PM (IST)

    Champions Trophy, IND vs BAN : રોહિત શર્માના 11 હજાર વનડે રન

    રોહિત શર્માએ પોતાની ODI કરિયરમાં 11 હજાર રન પૂરા કર્યા છે. તે ભારત માટે વનડેમાં 11 હજાર રન કરનાર માત્ર ચોથો બેટ્સમેન બન્યો છે.

  • 20 Feb 2025 06:37 PM (IST)

    બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ, શમીની 5 વિકેટ

    બાંગ્લાદેશની ટીમ 49.4 ઓવરમાં 228 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો. શમીએ 10 ઓવરમાં 53 રન આપીને 5 વિકેટ ઝડપી. જ્યારે હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ મેળવી હતી. બીજી તરફ, બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદયોયે મહત્વપૂર્ણ ઈનિંગ રમી. તેણે 118 બોલમાં 100 રન બનાવ્યા. તેના ઉપરાંત ઝાકિર અલીએ પણ 68 રનનું યોગદાન આપ્યું.

  • 20 Feb 2025 06:16 PM (IST)

    સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાએ વાયરલ વીડિયો અંગે કર્યો ખુલાસો, મહાકુંભમાં વેસ્ટ ઓફ ટાઈમ અંગેના નિવેદન માટે મારો ઈરોદા ખરાબ નથી

    સુરતના જાણીતા ઉધોગપતિ વસંત ગજેરા એ મહાકુંભ પર કરેલ વિવાદિત નિવેદનનો મામલે tv 9 સાથે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કામરેજમાં જેવું વાત્સલ્ય ધામ છે એવા દેશમાં અમારે 10 શરૂ કરવાના છે. આ અંગે ઓરિસ્સા સ્ટાફ સાથે હું મિટિંગ કરતો હતો. સ્ટાફ ને હું કહેતો હતો કે બાળકોને ભણાવો જેથી દેશ મજબૂત થાય. કરોડો લોકો આસ્થાના ધામ કુંભમાં જાય છે, અબજો ક્લાકો બગડે છે તેનાથી જો કોઈ સમજે તો આવું કામ કરે, લોકોનું સારું થાય. ઘણા વાત્સલ્ય ધામ બને, ગરિબી દૂર થાય હું પણ હિન્દુ છું, હું પણ ધાર્મિક છું, વેસ્ટ ઓફ ટાઇમની મારે વાત થઈ હતી પણ મારો ઇરાદો ખરાબ નહતો.

    મેં વીડિયોમાં ઘણું કીધું છે પણ ફક્ત આટલી ક્લિપ જ વાયરલ કરવામાં આવી છે. મેં પોલીસ ફરિયાદ તૈયારી કરી દીધી છે હું સાયબર ક્રાઈમમાં આ બાબતે ફરિયાદ કરવાનો છું. મારામાં એક સેન્સ છે કે બાળકોને કઈ રીતે ભણતર આપી શકું એ બાબતે હું મહેનત કરું છું. કોણે વાયરલ કર્યો એ પોલીસ તપાસ કરશે

  • 20 Feb 2025 05:17 PM (IST)

    રાજકોટ સગર્ભા મહિલા વીડિયો કાંડના આરોપીઓ પાસેથી દેશભરની 70 હોસ્પિટલના વીડિયો મળ્યા

    યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાઓના વીડિયો કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી દેશભરની 70 હોસ્પિટલના વીડિયો મળી આવ્યા છે. પ્રજ્વલ તૈલી અને ચંદ્રપ્રકાશ 800 થી 2000 રૂપિયા મેળવતા હતા. મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલીએ વીડિયો અને ફોટો દ્વારા છેલ્લા 8 મહિનામાં 1 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે. આરોપીની ટેલિગ્રામ લિંકમાં 100 થી વધુ સબક્રાઇબર હતા. આરોપી પાસેથી હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતની જગ્યાના મહિલાઓના વાંધાજનક CCTV વીડિયો મળી આવ્યા છે.

  • 20 Feb 2025 04:54 PM (IST)

    IND vs BAN LIVE Score: 35 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર જુઓ

    બાંગ્લાદેશની ટીમે 35 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે.

  • 20 Feb 2025 04:50 PM (IST)

    IND vs BAN LIVE Score: 100 ડોટ બોલ

    બાંગ્લાદેશે 27 ઓવરમાં 100 ડોટ બોલ રમ્યા છે. ભારતીય બોલરો રમવા માટે કોઈ તક આપી રહ્યા નથી.

  • 20 Feb 2025 04:44 PM (IST)

    IND vs BAN LIVE Score : 30 ઓવર પૂર્ણ

    30 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર 111 રન છે. બાંગ્લાદેશનો પહેલો લક્ષ્ય 200 રન સુધી પહોંચવાનો રહેશે. હાલમાં, આ પણ મુશ્કેલ લાગે છે.

  • 20 Feb 2025 03:53 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ ચીલાચાલુ, ગામડા તોડવાનુ, ખેડૂતોને પાયમાલ કરનારું- અમિત ચાવડા

    ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુદેસાઈએ રજૂ કરેલ વર્ષ 2025-2026ના અંદાજપત્રને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ચીલાચાલુ, ગામડાના વિકાસને ભૂલી જનારુ અને ખેડૂતોને પાયમાલ કરનારુ ગણાવ્યું છે. અમિત ચાવડાએ કહ્યુ કે, આ બજેટ ગુજરાતના ગામડા તોડવા માટેનું છે. નાગરિકો ને આશા હતી કે ભૂપેન્દ્ર સરકાર કોઈ રાહત આપશે પરંતુ કોઈ રાહત ના મળી. ગૃહિણીઓની આશા ઠગારી સાબિત થઈ છે. યુવાનોની રોજગારીની આશા નિષ્ફળ સાબિત થશે. મંદીમાં સંપડાયેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા કોઈ પગલાં નથી. ગુજરાતની લાખ્ખો બહેનો માટે લાડલી યોજના જાહેર ના કરી. ગ્રામ્ય વિકાસ માટે નવી કોઈ યોજના બજેટ માં નથી. ખેડૂતોને આશા હતી કે દેવામાફી ની જાહેરાત થશે પરંતું કોઈ જાહેરાત નહીં

  • 20 Feb 2025 03:48 PM (IST)

    IND vs BAN LIVE Score : બાંગ્લાદેશનો સ્કોર 50 ને પાર

    બાંગ્લાદેશે 13મી ઓવરમાં પચાસ રન પૂરા કર્યા. ટીમ ઈન્ડિયાની બોલિંગ સામે આ ટીમ રન માટે ઝઝુમી રહી છે. શમી પછી અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી છે. હર્ષિત રાણાને પણ એક વિકેટ મળી છે.

  • 20 Feb 2025 03:28 PM (IST)

    IND vs BAN LIVE Score: બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

    અક્ષર પટેલે બાંગ્લાદેશને 5મો ઝટકો આપ્યો છે. મુશફિકુર રહેમાન પહેલા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો.

  • 20 Feb 2025 03:28 PM (IST)

    નવસારીના ગણદેવી તાલુકાના વાસણ ગામે ST બસ ઘરમાં ઘૂસી, 7ને ઈજા

    આજે વહેલી સવારે, નવસારીના ગણદેવીના વાસણ ગામમાંથી પસાર થતી ST બસ ઘરની દિવાલમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. ભાગડ ગામથી અમલસાડ જતી ST બસના ચાલકે વાસણ ગામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઘરની દીવાલ સાથે ભટકાવી દીધી હતી. અકસ્માતમાં બસમાં સવાર 17 મુસાફરોમાંથી 7 મુસાફરોને થઈ સામાન્ય ઈજા થવા પામી છે. અકસ્માતમાં ઘરની દીવાલને થયું નુકશાન થયું છે. ઘર માલિક હસમુખ પટેલે બસ ચાલક વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. ગણદેવી પોલીસે ST બસના અકસ્માત મુદ્દે શરૂ કરી તપાસ. બીલીમોરા ડેપો દ્વારા પણ બસ ચાલક સામે અકસ્માત મુદ્દે થશે ખાતાકીય તપાસ હાથ ધરી છે.

  • 20 Feb 2025 03:17 PM (IST)

    IND vs BAN LIVE Score: બાંગ્લાદેશને ચોથો ઝટકો

    બાંગ્લાદેશની ટીમે પણ 35 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી છે. 25 રન બનાવીને તંજીદ હસન આઉટ થયો. તે અક્ષર પટેલનો શિકાર બન્યો છે.

  • 20 Feb 2025 03:04 PM (IST)

    IND vs BAN LIVE Score : ભારતીય ટીમને ત્રીજી સફળતા મળી

  • 20 Feb 2025 03:02 PM (IST)

    IND vs BAN LIVE Score : 5 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર 22/2

    5 ઓવરનો રમત પૂર્ણ થયો છે. બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને 22 રન બનાવી લીધા છે.

  • 20 Feb 2025 02:49 PM (IST)

    IND vs BAN LIVE Score: બાંગ્લાદેશને બીજો ઝટકો, દુબઈમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

    દુબઈમાં બાંગ્લાદેશને સતત બે ઝટકા આપીને, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ઓવરમાં જ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દીધું છે. સૌમ્ય સરકાર બાદ કેપ્ટન નઝમુલ હસન શાંતો પણ પેવેલિયન પરત ફર્યો છે. હર્ષિત રાણાએ તેનો શિકાર કર્યો. બે ઓવર પછી, બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવ્યા બાદ 2 રન બનાવ્યા છે.

  • 20 Feb 2025 02:39 PM (IST)

    Champions Trophy 2025 : શમીએ પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશને ઝટકો આપ્યો, સૌમ્ય આઉટ

    શમીએ પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશને ઝટકો આપ્યો, સૌમ્ય સરકાર આઉટ

  • 20 Feb 2025 02:38 PM (IST)

    Gujarat Budget 2025 : જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹ 13,366 કરોડની જોગવાઇ

    દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ₹૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ₹૧૪૦૦ કરોડ એમ કુલ ₹૩૫૪૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૫૨૨ કરોડની જોગવાઇ છે.

  • 20 Feb 2025 02:37 PM (IST)

    અમદાવાદઃ પાયલ હોસ્પિટલકાંડ : આરોપીઓ વિરુદ્ધ સાઇબર આતંકવાદની કલમ ઉમેરાઈ

    અમદાવાદઃ પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સો.મીડિયા પર પોસ્ટ કરી છે. આરોપીઓ વિરુદ્ધ સાઇબર આતંકવાદની કલમ ઉમેરાઈ. ૉ સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદમાં વધુ એક કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં 66 f (2) કલમનો ઉમેરો કરવામાં આવ્યો. કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ.

  • 20 Feb 2025 02:30 PM (IST)

    Champions Trophy 2025 : દુબઈમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

    ભારતે દુબઈમાં બાંગ્લાદેશ સામે 2 ODI મેચ રમી છે બંન્નેમાં જીતી છે.

  • 20 Feb 2025 02:20 PM (IST)

    Champions Trophy 2025 : ભારત હજુ સુધી દુબઈમાં હાર્યું નથી

    દુબઈમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. ભારતે આ મેદાન પર 6 ODI મેચ રમી છે અને 5 માં જીત મેળવી છે. અને એક મેચ ટાઇ થઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ હજુ સુધી દુબઈમાં વનડેમાં હાર્યું નથી.

  • 20 Feb 2025 02:15 PM (IST)

    Gujarat Budget 2025 : બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4283 કરોડની જોગવાઇ

    • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૪૨૮૩ કરોડની જોગવાઇ
    • ૧૪૫૦ ડિલક્ષ અને ૪૦૦ મીડી બસ સાથે કુલ ૧૮૫૦ નવી બસ માટે ૭૬૬ કરોડની જોગવાઈ
    • ૨૦૦ નવી પ્રિમિયમ એસી બસ સાથે ૨૫ પ્રવાસી યાત્રાધામો ને સાંકળવા ૩૬૦ કરોડની જોગવાઈ
    • નવા ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ના આધુનિકીકરણ માટે ૨૯૧ કરોડની ફાળવણી
  • 20 Feb 2025 02:10 PM (IST)

    Champions Trophy 2025 : બાંગ્લાદેશ 21 વર્ષમાં પહેલી વાર શાકિબ વિના રમશે

    21 વર્ષ પછી એટલે કે 2004 પછી પહેલી વાર, બાંગ્લાદેશની ટીમ તેના અનુભવી ખેલાડી શાકિબ અલ હસન વિના કોઈપણ ICC ઇવેન્ટ (ODI કે T20) માં રમશે.

  • 20 Feb 2025 02:05 PM (IST)

    Gujarat Budget 2025 : રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31% નો વધારો

    રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31% નો વધારો થયો છે. પ્રવાસન વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી ધામ વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ છે.  પ્રવાસન સ્થળોના રસ્તાઓના વિકાસ માટે અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી છે.

  • 20 Feb 2025 02:03 PM (IST)

    IND vs BAN LIVE Score: બાંગ્લાદેશે ટોસ જીત્યો

    બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે.

  • 20 Feb 2025 02:03 PM (IST)

    Gujarat Budget 2025 : ભરૂચ ખાતે ભાડભુત યોજના માટે 876 કરોડ રૂપિયાની ફાળવણી

    ભરૂચ ખાતે ભાડભુત યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદાનુ પાણી ધરવપરાશ માટે આપવા માટે 5979 કરોડ રૂપિયા ફાળવાયા. અમદાવાદ ના નળકાંઠા વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધારવા 875 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદાની નહેરના વિસ્તરણ માટે 501 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • 20 Feb 2025 01:59 PM (IST)

    IND vs BAN : થોડી જ વારમાં ટોસ થશે

    દુબઈના મેદાનમાં બાંગ્લાદેશ સામે ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે,

  • 20 Feb 2025 01:58 PM (IST)

    Gujarat Budget updates : સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે રુ. 59,999 કરોડ

    શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ

    • સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ
    • નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
    • RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ
    • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
    • વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ
    • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ
    • ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં
    • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ
    • અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત છ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં AI લેબ ની સ્થાપના માટે 175 કરોડ
  • 20 Feb 2025 01:55 PM (IST)

    Gujarat Budget updates : નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25641 કરોડની જોગવાઈ

    • જળ સંપત્તિ વિભાગ માટે 13,366 કરોડની જોગવાઈ
    • સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,334 કરોડની જોગવાઈ
    • સૌની યોજના માટે 813 કરોડની જોગવાઈ
    • કચ્છ માટેની યોજના હેતુ 1,400 કરોડની જોગવાઈ
    • સિંચાઇના માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ માટે 1,522 કરોડની જોગવાઈ
    • 326 મોટા ચેકડેમ અને વિયર ડેમ બાંધવા માટે 832 કરોડની જોગવાઈ
    • સાબરમતી નદી પર બાકીના 6 વિયર બેરેજ માટે 750 કરોડની જોગવાઈ
    • ઉદ્વહન સિંચાઇ યોજના માટે 813 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે 548 કરોડની જોગવાઈ
    • ડેમ સેફ્ટી માટે 501 કરોડની જોગવાઈ
  • 20 Feb 2025 01:53 PM (IST)

    Gujarat Budget updates : માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ

    માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ

    • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના કામો માટે 5,000 કરોડની જોગવાઈ
    • પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓને જોડવા અને રીસરફેસ કરવા 2637 કરોડની જોગવાઈ
    • રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 1659 કરોડ ની જોગવાઈ
    • ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોર ની કામગીરી માટે 937 કરોડ
    • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના ત્રીજા તબક્કા માટે 600 કરોડ
    • ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 63 રસ્તાઓ માટે 528 કરોડ
    • ઔદ્યોગિક વિસ્તારના જુના ફૂલો ના મજબૂતીકરણ અને મરામત માટે 385 કરોડ
    • હવામાનમાં થતા ફેરફારો સામે ટકી શકે તેવા રસ્તાઓના બાંધકામ માટે 300 કરોડ
    • રાજ્યના મુખ્ય રોડ નેટવર્કના રસ્તા ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા 285 કરોડ
    • અમદાવાદ થી ડાકોર, સુરત થી નવસારી, વડોદરા થી એકતાનગર, રાજકોટ થી ભાવનગર, મહેસાણા થી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળાના રસ્તા માટે 278 કરોડ
    • રાજ્યના બંદરોને જોડતા 28 રસ્તાઓ ની સુધારણા માટે 187 કરોડ
    • સ્ટેટ હાઇવે ની મરામત અને જાળવણી માટે 180 કરોડ
    • ગાંધીનગરમાં સોળસો 80 ક્વાર્ટર્સના કામ માટે 120 કરોડ
    • ગાંધીનગર પેથાપુર મહુડી રોડ પર ફ્લાવર અને ચાર માર્ગે બનાવવા 85 કરોડ
  • 20 Feb 2025 01:46 PM (IST)

    Gujarat Budget updates : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30325 કરોડની જોગવાઈ

    શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30325 કરોડની જોગવાઈ

    • શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ
    • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ
    • અમૃત 2.0 મીશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહન ના વિકાસ માટે 1,950 કરોડની જોગવાઈ
    • શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ
    • પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ
    • સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ
  • 20 Feb 2025 01:43 PM (IST)

    Gujarat Budget updates : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ

    મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ

    • ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250 ની સહાય માટે 3015 કરોડ
    • આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ
    • પૂરક પોષણ યોજના હેઠળ ત્રણથી છ વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ
    • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડ
    • પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડ
    • વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડ
    • દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડ
  • 20 Feb 2025 01:42 PM (IST)

    Gujarat Budget updates : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષ ના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો॥ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ છે. જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓ ના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ.

  • 20 Feb 2025 01:38 PM (IST)

    Gujarat Budget updates : શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ

    શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ, RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ, વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે.

  • 20 Feb 2025 01:37 PM (IST)

    Gujarat Budget updates : કિસાન ક્રેડિટ કાર્ડ માં ધીરાણ ની મર્યાદા વધારાઈ

    સહકાર વિભાગ ને મજબૂત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરાણની મર્યાદા વધારાઈ છે. 4 લાખ થી વધારી 5 લાખ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 4 % વ્યાજ રાહત આપવામાં આવશે.

  • 20 Feb 2025 01:35 PM (IST)

    Gujarat Budget updates : ગૃહ વિભાગ માટે કુલ રુ. 12659 કરોડની જોગવાઇ

    ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રુ. 12659 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી હોવાનું નાણામંત્રીએ જણાવ્યુ. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ કરી.

  • 20 Feb 2025 01:29 PM (IST)

    Gujarat Budget updates : “પઢાઇ ભી, પોષણ ભી” યોજના માટે 617 કરોડ રુપિયાની જોગવાઇ

    નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • 20 Feb 2025 01:16 PM (IST)

    Gujarat Budget updates : વિધાનસભામાં ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ

    વિધાનસભામાં ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

  • 20 Feb 2025 01:14 PM (IST)

    Gujarat Budget updates : કોંગ્રેસના હાલના અને પૂર્વ ધારાસભ્ય આમને-સામને

    ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના હાલના અને પૂર્વ ધારાસભ્ય આમનેસામને આવી ગયા. અર્જુન મોઢવાડિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વખાણ કર્યા. ગામને યુનિટ ગણી નિયમ મુજબ રકમ આપવા અંગેના નિર્ણયને આવકાર્યો. અર્જુન મોઢવાડિયાએ સરકારના વખાણ કરતા જીગ્નેશ મેવાણીએ શાયરાના અંદાજમાં ટિપ્પણી કરી. મેવાણીએ ટિપ્પણી કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે અર્જુનભાઈને કલ્પી ના શકાય એવા વ્યક્તિ ગણાવ્યા. અર્જુનભાઈ એ જવાબ આપતા કહ્યું કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ સારા કામ બદલ અભિનંદન આપ્યા હતા.

  • 20 Feb 2025 12:59 PM (IST)

    Gujarat Budget updates :કચ્છ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંગે પૂછાયો સવાલ

    કચ્છ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંગે સવાલ પૂછાયો. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુમાટે 52463 અરજીઓ મળી. સેવા સેતુ માટે મળેલી તમામ અરજીઓનો નિકાલ થયો હોવાનો સરકારે જવાબ આપ્યો. છેલ્લા 1 વર્ષમાં 31 કાર્યક્રમ યોજાયા જેમાં 55 સેવાઓ આવરી લેવામાં આવી હોવાનું જણાવ્યુ.

  • 20 Feb 2025 12:57 PM (IST)

    Gujarat Budget updates : વિધાનસભાના અધ્યક્ષે મંત્રી ઋષિકેશ પટેલને કરી ટકોર

    પ્રશ્નોતરી કાળમાં જવાબ આપતા ઋષિકેશ પટેલ લાંબો જવાબ આપી રહ્યા હતા. સેવાસેતુ અંતર્ગત યોજનાની ગણતરી કરાવતા હતા. તો વિધાનસભાના અધ્યક્ષે અટકાવતા કહ્યું ટૂંકુ રાખું નહીં તો સેવાસેતુ રામસેતુ કરતા લાંબો થશે.

  • 20 Feb 2025 12:51 PM (IST)

    Champions Trophy 2025 : રોહિત શર્મા કરશે છગ્ગાનો વરસાદ

    રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.રોહિત શર્મા ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વનડે મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે 17 વનડેમાં અત્યાર સુધીમાં 27 છગ્ગા ફટકાર્યા છે. જે સૌથી વધુ છે. રોહિતે આ 17 મેચોમાં 786 રન બનાવ્યા છે.

  • 20 Feb 2025 12:37 PM (IST)

    Gujarat Budget updates : રાજ્ય સરકારનું બજેટ રજૂ થાય એ પૂર્વે જ કોંગ્રેસના દેખાવો

    રાજ્ય સરકારનું બજેટ રજૂ થાય એ પૂર્વે જ કોંગ્રેસે દેખાવો કર્યા છે. અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ વિધાનસભા પાસે દેખાવો કર્યા. SC, ST અને OBCને વસતી મુજબ બજેટમાં ફાળવવા માગ કરવામાં આવી છે. સમાન કામ, સમાન વેતન અને OPSની માગ સાથે દેખાવો કરવામાં આવ્યા.

  • 20 Feb 2025 12:30 PM (IST)

    Champions Trophy 2025 : બાંગ્લાદેશ સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

    1. અજિત અગરકર- 16
    2. રવિન્દ્ર જાડેજા- 14
    3. જસપ્રીત બુમરાહ- 12
    4. ઝહીર ખાન – 12
    5. સચિન તેંડુલકર – 12
    6. મોહમ્મદ શમી- 9
    7. વીરેન્દ્ર સેહવાગ- 9
  • 20 Feb 2025 12:29 PM (IST)

    રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના શપથ ગ્રહણ કર્યા

    રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ દિલ્હીને ચોથી વખત મહિલા મુખ્યમંત્રી મળ્યા છે. તેમની સાથે કેજરીવાલને હરાવનાર અને નવી દિલ્હી બેઠક પરથી જીતનાર પ્રવેશ વર્માએ પણ મંત્રી પદના શપથ લીધા છે. રેખા ગુપ્તા સાથે 6 પ્રધાનોએ શપથ લીધા છે.

  • 20 Feb 2025 12:19 PM (IST)

    સુરતઃ 65 વર્ષય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયો

    સુરતઃ 65 વર્ષય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ 19 કલાલ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 64 લાખ પડાવ્યા હતા.

  • 20 Feb 2025 12:19 PM (IST)

    અંબાજીના કણબીયાવાસ ગામમાંથી લટકતો મૃતદેહ મળ્યો

    અંબાજીના કણબીયાવાસ ગામમાંથી લટકતો મૃતદેહ મળી આવ્યો છે. પીકઅપ સ્ટેન્ડમાં લટકતો મૃતદેહ મળ્યો. કયા કારણસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે  તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહની ઓળખની કામગીરી હાથ ધરી.

  • 20 Feb 2025 12:10 PM (IST)

    Champions Trophy 2025 : શમી પાસે ઇતિહાસ રચવાની તક

    બાંગ્લાદેશ સામે મોહમ્મદ શમીને તક મળશે તે લગભગ નક્કી છે. આવી સ્થિતિમાં, ચાહકો શમી પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ મેચમાં શમી સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડને નિશાન બનાવશે. શમી બાંગ્લાદેશ સામે ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. જો તે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં 4 વિકેટ લેવામાં સફળ રહે છે, તો તે બાંગ્લાદેશ સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બનશે, અને એક જ ઝટકામાં સચિન તેંડુલકર સહિત 3 બોલરોને પાછળ છોડી દેશે.

  • 20 Feb 2025 12:08 PM (IST)

    રેખા ગુપ્તાનો રાજ્યાભિષેક થોડીવારમાં થશે

    રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થશે. ૫૦ વર્ષીય રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ હતા પરંતુ પાર્ટીએ આખરે રેખા ગુપ્તાના નામને મંજૂરી આપી. બુધવારે, તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. રેખા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. દિલ્હીની રેખા સરકારમાં આ 6 મંત્રીઓ પણ શપથ લેશે.

  • 20 Feb 2025 12:04 PM (IST)

    Gujarat Budget updates : રાજ્ય સરકારના બજેટ અંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન

    રાજ્ય સરકારના બજેટ અંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યુ કે ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે. આ બજેટ પણ તમામ લોકો માટે મહત્વનું રહેશે. ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને બજેટ તૈયાર થયું છે.

  • 20 Feb 2025 11:47 AM (IST)

    IND vs BAN : ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

    ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. ભલે આ મેચમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે હોય, પરંતુ બાંગ્લાદેશની ટીમ પણ જીતવા માટે તમામ પ્રયાસો કરવા માંગશે.

  • 20 Feb 2025 11:37 AM (IST)

    Gujarat Budget updates : થોડી જ વારમાં નાણાંમંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરશે.

    ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 15 ટકાનો વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે.ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે.

  • 20 Feb 2025 11:21 AM (IST)

    જૂનાગઢનાં પૂર્વ સાંસદ દિનુ બોઘાનો ગીર સોમનાથનાં કલેક્ટર પર આક્ષેપ

    જૂનાગઢનાં પૂર્વ સાંસદ દિનુ બોઘાએ ગીર સોમનાથનાં કલેક્ટર પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા છે. મહમૂદ ગઝની સાથે કલેક્ટરની તુલના કરી. કલેક્ટર વિરુદ્ધ CBI તપાસની માગ કરી. ગીર પંથકને લૂંટવા આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

  • 20 Feb 2025 10:40 AM (IST)

    IND vs BAN : ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

    એવું કહેવામાં આવી રહ્યું છે કે , 20 ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચના દિવસે દુબઈમાં વરસાદ પડી શકે છે. વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન ધીમે ધીમે વધશે જ્યારે રાત્રે વાતાવરણ થોડું ભેજવાળું થઈ શકે છે. વરસાદને કારણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને આ સ્થિતિમાં તેમણે પોતાની રણનીતિ પણ બદલવી પડશે. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

  • 20 Feb 2025 10:30 AM (IST)

    IND vs BAN : ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

    ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

  • 20 Feb 2025 10:08 AM (IST)

    Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશની આ મેચ દુબઈમાં રમાશે.ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે.

  • 20 Feb 2025 09:21 AM (IST)

    અમદાવાદઃ મેમનગરના સેતુ એપાર્ટમેન્ટમાં બાલ્કની ધરાશાયી

    અમદાવાદઃ મેમનગરના સેતુ એપાર્ટમેન્ટમાં બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક બાલ્કની તૂટી પડવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

  • 20 Feb 2025 08:52 AM (IST)

    વડોદરાઃ જિલ્લા ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં નેતાઓ ફસાયા

    વડોદરાઃ જિલ્લા ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં નેતાઓ ફસાયા હતા. જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ વખતે આ ઘટના બની હતી. ક્ષમતા કરતા વધુ લોકો આવી જતા લિફ્ટ ક્ષતિગ્રસ્ત થઈ હતી. લિફ્ટમાંથી નેતાઓને બહાર કાઢ્વા ફાયર વિભાગને બોલાવાની  ફરજ પડી હતી. ગત વર્ષે જ ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ’નું  લોકાર્પણ કરાયું હતું.

  • 20 Feb 2025 08:40 AM (IST)

    અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સુધારેલું બજેટ કરાયું રજૂ

    અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સુધારેલું બજેટ રજૂ કરાયું. 810 કરોડના સુધારા સાથે 16 હજાર 312 કરોડનું બજેટ રજૂ કર્યું. પ્રોપટી ટેક્સમાં પ્રજાને 30 ટકા રિબેટ આપવા સૂચના અપાઇ. વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવા અંગે સૂચન કરવામાં આવ્યા. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓની નિમણૂકની માગ કરવામાં આવી છે.

  • 20 Feb 2025 07:32 AM (IST)

    આજે રેખા ગુપ્તા દિલ્લીના CM તરીકે શપશ લેશે

    આજે રેખા ગુપ્તા દિલ્લીના CM તરીકે શપશ લેશે. દિલ્લીના રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ છે. PM મોદી અને જે.પી.નડ્ડા સમારોહમાં હાજરી આપશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે. બપોરે 12.35 કલાકે LG મુખ્યમંત્રીને શપથ લેવડાવશે.

  • 20 Feb 2025 07:30 AM (IST)

    આજે ગુજરાત વિધાનસભાનું બજેટ થશે રજૂ

    આજે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કરશે. નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. 4 નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ કરાશે. બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

Published On - Feb 20,2025 7:27 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">