19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં ભાડેથી ગરબા પાર્ટનરની પોસ્ટે સર્જ્યો વિવાદ, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો ભારે વિરોધ, અસામાજિક તત્વો દ્વારા Gen Zને ગેરમાર્ગે દોરવાના પ્રયાસનો દાવો
Gujarat Live Updates આજ 19 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

LIVE NEWS & UPDATES
-
રાજકોટઃ મારવાડી કોલેજમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત
રાજકોટની મારવાડી કોલેજમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ 10મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા નામની વિદ્યાર્થીનીના મોતથી કોલેજ કેમ્પસમાં ચકચાર મચી છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોના નિવેદન સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
-
સાબરકાંઠાઃ હિંમતનગરમાં ટ્રેનની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રેનની અડફેટે વિદ્યાર્થિનીનું મોત થતાં કરુણ ઘટના સામે આવી છે. બળવંતપુરા ફાટક પાસે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. તે દરમિયાન બળવંતપુરા ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ દીકરીના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
-
-
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગનો સપાટો
-
કચ્છ: ભુજના મીરજાપર ગામે ધાર્મિક સ્થળના નામે કરાયેલુ દબાણ દૂર કરાયુ
કચ્છના ભુજના મીરજાપર ગામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક સ્થળના નામે કરાયેલા ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરી દરગાહ સહિત આસપાસના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ભુજ પશ્ચિમ રેન્જના જંગલ વિસ્તારમાં વન વિભાગે દબાણ હટાવવાની ડ્રાઇવ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન વન વિભાગની અંદાજે 3 હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ, દબાણ હટાવાયેલી જમીનની કિંમત અંદાજે રૂ.15 કરોડ છે. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મીરજાપર જંગલ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
-
જુનાગઢ: ઝેરી દવા ખાઈ દંપતીએ કરી આત્મહત્યા
જુનાગઢમાં ઝેરી દવા પી દંપતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પી લેતા પતિ-પત્નીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આર્થિક સંકડામણના કારણે દંપતીએ આ પગલું ભર્યું હોવાની આશંકા છે. સાથે જ દંપતીમાંથી કોઈ એક કે બંને માનસિક બીમારીથી પીડિત હોવાની માહિતી પણ પ્રાથમિક તપાસમાં સામે આવી છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે દંપતીના પરિવારજનોના નિવેદન સહિત અન્ય વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.
-
-
રાજકોટ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરના આવાસ ફાળવણીના આક્ષેપ મુદ્દે રાજનીતિ
રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરના આવાસ ફાળવણીના આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે. જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરો બેનરો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ‘આવાસના નામે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો’ના બેનરો સાથે કોંગ્રેસે મનપાના આવાસ કૌભાંડની તપાસની માગ કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ડેપ્યુટી મેયરને આવાસ ફાળવતી વખતે તેમની પાત્રતા ચકાસવામાં આવી નહોતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, છેલ્લા 10 વર્ષમાં થયેલી આવાસ ફાળવણીની પણ તપાસ થવી જોઈએ. વિપક્ષે દાવો કર્યો છે કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો 50 ટકા આવાસ મનપાના અધિકારીઓ અને નેતાઓના સગાંને ફાળવાયા હોવાનું સામે આવી શકે છે.
-
ગુજરાતઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હર્ષ સંઘવીનો Gen Z સાથે સંવાદ
હાલ ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ Gen Z સાથે સંવાદ કર્યો હતો. હર્ષ સંઘવી વડોદરાના સાવલીમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સેવા સંકલ્પ અભિયાન યાત્રા અંતર્ગત યોજાયેલા યુવા સંવાદમાં તેમણે યુવા પેઢી સાથે દિલ ખોલીને વાત કરી હતી. સંવાદ દરમિયાન તેમણે યુવાનોને સોશિયલ મીડિયાના બદલે સરકારી યોજનાઓ અને કારકિર્દીની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આયુષ્માન ભારત, સ્ટાર્ટઅપ પ્રોત્સાહનો અને આવાસ નીતિ સહિતની યોજનાઓનો લાભ લેવા તેમજ જવાબદારી, સ્વચ્છતા અને આત્મનિર્ભરતા અપનાવવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “નસીબથી કંઈ મળ્યું એ માત્ર કહેવામાં જ સારું લાગે છે. જો જીવનમાં કંઈ બનવાનું સપનું જોતા હોઈએ તો તેને સાકાર કરવા પ્રયાસ પણ કરવા પડે છે.” તેમણે યુવાનોને અન્ય લોકો શું કરી રહ્યા છે તેના બદલે પોતાના સપના સાકાર કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. સાથે જ ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અને ડ્રગ્સ મુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
-
-
સુરતઃ ગૃહ-કંકાસના કારણે પરિણીતાએ કર્યો આપઘાત
સુરતમાં ઘરકંકાસના કારણે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. બે બાળકોની માતાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મળતી માહિતી મુજબ, પતિ ઘરે મોડો આવતો હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પતિ કામના કારણે મોટાભાગે બહાર રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. પરિણીતાને પતિના અન્ય કોઈ સાથે સંબંધ હોવાની શંકા હતી, એવો પરિજનોનો દાવો છે. આ મામલે ઘરકંકાસને કારણે પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદઃ ગીતા મંદિર પાસે લુખ્ખા તત્વોનો આતંક, વીડિયો વાયરલ
અમદાવાદના ગીતા મંદિર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક તત્વો દ્વારા ધોળા દિવસે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને રોકી તેમની તપાસ કરવામાં આવતી હોવાનું દેખાઈ રહ્યું છે. રાહદારીઓને ડરાવી-ધમકાવી રૂપિયા પડાવાતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાની માહિતી છે. જોકે, TV9 ગુજરાતી વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં દેખાતા કેટલાક તત્વો સગીર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સુરક્ષિત શહેરના દાવા વચ્ચે સામે આવેલા આ દ્રશ્યોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
-
નવસારીઃ પોલીસ જાપ્તામાંથી આંગડિયા લૂંટનો આરોપી ફરાર
નવસારીમાં પોલીસ જાપ્તામાંથી કેદી ફરાર થતાં પોલીસ દોડતી થઈ છે. વાંસદામાં આંગડિયા પેઢીની લૂંટના ગુનામાં ઝડપાયેલો આરોપી રાજારામ ચૌધરી ફરાર થયો છે. છેલ્લા બે દિવસથી બીમારીની ફરિયાદ બાદ આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ જાપ્તા હેઠળ તેને પરત લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ 10 ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.
-
જામનગરઃ પંચકોશી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
જામનગરના રાજકોટ હાઇવે પર આવેલા શ્રીમોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો પંચકોશી પોલીસે ભેદ ઉકેલી ત્રણ રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.99 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બે બાઇક પણ પોલીસે જપ્ત કરી છે. CCTV ફૂટેજ અને પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણેય આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ: મણિનગરની એડ્યુનોવા સ્કૂલની માન્યતા રદ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એડ્યુનોવા સ્કૂલની આખરે માન્યતા રદ કરવામાં આવી છે. DEOની તપાસમાં શાળામાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી. સપ્ટેમ્બર 2024માં DEO દ્વારા શિક્ષણ વિભાગને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. જોકે, લગભગ બે વર્ષ બાદ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.
DEOની તપાસમાં ખુલાસો થયો હતો કે શાળા પાસે શૈક્ષણિક BU પરમિશન જ નહોતી. ઉપરાંત, શાળા દ્વારા રમતનું મેદાન દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં શાળા પાસે પોતાનું રમતનું મેદાન ન હોવાનું પણ સામે આવ્યું હતું. સાથે જ શાળામાં JEE-NEET માટે ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો. તપાસના આધારે શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરી છે. -
નલખેડામાં કાર ખાબક્તા 8 શ્રદ્ધાળુના મોત
મધ્ય પ્રદેશના નલખેડામાં બગલામુખી મંદિર પાસે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદ બાદ વરસાદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવતા એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેમાં 3 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
મળતી વિગતો અનુસાર, કારમાં સવાર લોકો ઓડિશાથી ઉજ્જૈન દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નલખેડામાં આવેલા બગલામુખી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. જોકે, ગત રાત્રે ધોધમાર વરસાદ બાદ વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દોરડાની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ કારમાં સવાર લોકોને બચાવી શકાયા નહોતા. બચાવ ટીમે કારમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરતમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ચિંતાજનક ઉછાળો
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કતારગામના ટેનામેન્ટમાં 40થી 50 જેટલા બાળકો અચાનક બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવી છે. બાળકોમાં વાયરલ સહિતની બીમારીઓ સાથે ડેન્ગ્યુ અને મેલેરિયાના લક્ષણો હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ, વડીલો અને યુવાનોમાં ચિકનગુનિયાના કેસો તેમજ તીવ્ર સાંધાના દુખાવાની ફરિયાદો વધી છે. વરસાદી અને ગંદા પાણીના નિકાલના અભાવથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, ઉલટી-ઉબકા અને કળતરના દર્દીઓની સંખ્યા વધતા લાંબી કતારો જોવા મળી રહી છે. પાલિકામાં ફરિયાદો છતાં કામગીરી નહીં થતાં રોષ છે.
આજે 19 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 19,2026 12:14 PM
