12 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર થાઈલેન્ડથી લવાયેલ રૂપિયા 1.29 કરોડના સોના સાથે 2 પકડાયા
આજે 12 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 12 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
તલાટીને કરાયા બ્લેકમેઈલ : રૂ. 2 લાખ આપો, નહીં તો તમે ભ્રષ્ટાચાર કર્યો છે તેવો વીડિયો બનાવીને વાયરલ કરીશું
આણંદના ખંભાતના સરકારી તલાટીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા રમેશ વણકર સહિત સાગરીતે તલાટી પર ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 2 લાખ રૂપિયા આપો, નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વીડિયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી. ખંડણી માંગ્યા બાદ વીડિયો વાયરલ કરતા સરકારી કર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યું તે અંગેની ફરિયાદ કરવામાં આવી છે.
-
હીરા ઉદ્યોગની મંદીને લઈને ગુજરાત સરકારે બનાવી કમિટી
સુરતના હીરા બજારમાં પ્રવર્તી રહેલા મંદી મામલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહેશે. આ કમિટીમાં બળવંતસિંહ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાનો સમાવેશ થાય છે. આગામી સોમવાર અથવા તો મંગળવારે સચિવ એમ કે દાસ સાથેસ હીરાબજારની મંદી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેના આધારે એક સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવશે. જેના આધારે રત્ન કલાકારોને કઈ રીતે મદદરૂપ બનવું તે અંગે નિર્ણય લેવાશે.
-
-
અમદાવાદ એરપોર્ટ પર થાઈલેન્ડથી લવાયેલ રૂપિયા 1.29 કરોડના સોના સાથે 2 પકડાયા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીથી ભારતમાં લવાયેલ સોનુ ઝડપાયું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 1450 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું. 2 પેસેન્જર દ્વારા થાઇલેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર સોનુ લાવવામાં આવ્યું હતું. બે પેસેન્જરની ધરપકડ કરી 1.29 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.
-
ખેતરે કામ કરવા ગયેલ આધેડ પર દિપડાએ કર્યો હુમલો, હાથ અને મોઢાના ભાગે ઇજા થતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયો
તાપીના વાગઝરી ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે. ખેતરે કામ અર્થે ગયેલ શંકર ગામીત પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલાને કારણે શંકર ગામીતના હાથ અને મોઢાના ભાગે ઇજા પહોંચી છે. શંકર ગામીતને હાલમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. છેલ્લા એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આજે બીજી ઘટના બની છે. અગાઉ કુકરમુંડામાં બાળકી પર થયેલ હુમલા બાદ આજે હુમલાની બીજી ઘટના બની છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે.
-
રાજકોટમાં વધુ વ્યાજ આપવાની લાલચે લોકોના 11 કરોડનું ઉઠમણું કરનારો ઝડપાયો
રાજકોટના લોકોને બેંક કરતા પણ વધુ વ્યાજ આપવાની લાલચે 11 કરોડથી વધુની રકમ ઉધરાવીને રોકાણકારોને રૂપિયા નહીં આપનારો પોલીસના હાથે ઝડપાયો છે. મની પ્લસ શરાફી સહકારી મંડળીના નામે અલ્પેશ દોંગાએ 12 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને 60 જેટલા લોકો સાથે 11 કરોડ 8 લાખની કરી હતી છેતરપિંડી. અલ્પેશ દોંગાની વાતોમાં આવી જઈને અનેક લોકોએ બેંકમાંથી 7 થી 8 ટકાના વ્યાજે રૂપિયા લઈને મની પ્લસ શરાફી સહકારી મંડળીમાં 12 ટકા વ્યાજ મેળવવા માટે રૂપિયા મૂક્યા હતા. પોલીસે પકડેલા આરોપીએ, મની પ્લસ શરાફી સહકારી મંડળીના રૂપિયાની અવેજી પેટે કેટલીક મિલકતો અને જમીન ખરીદી કરી છે.
-
-
પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે હોળી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપેટ્રેન નંબર 09091 અને 09092 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ હોળી સ્પેશિયલની 4 ટ્રીપ દોડાવાશે.
ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી 13 અને 14 માર્ચ 2025 (ગુરુવાર અને શુક્રવાર)ના રોજ સાંજે 16.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 00.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09092 અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 14 અને 15 માર્ચ 2025 (શુક્રવાર અને શનિવાર) ના રોજ સવારે 06.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરના 15.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
-
વિકાસના કામનો વિરોધ નથી, અણઘડ રીતે કરાતા ખોદકામ સામે આક્રોશ- BJP MLA કુમાર કાનાણી
ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ, સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી આડેઘડ થઈ રહેલા ખોદકામ અને છાસવારે બંધ કરાતા માર્ગ તેમજ અપાતા ડાયવર્ઝન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ, લખેલા પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદકામના કામ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, વિકાસના કામનો વિરોધ નથી પરંતુ અણઘડ રીતે રસ્તાના ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે આક્રોશ છે. તબક્કા વાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ પત્રમાં માંગ કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ, રસ્તા ખોદકામને કારણે થતા ટ્રાફિકજામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનું આક્ષેપ પણ આ પત્રમાં કર્યો છે.
-
કાકરાપાર, ઉકાઈ તથા SSP ના જનરેટર બંધ થતા, ગ્રીડ પર ભારણ વધ્યું પરિણામે વીજલાઈન ટ્રીપ થઈ
દક્ષિણ ગુજરાતમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે. બપોરના 2.45 કલાકે વેસ્ટર્ન રિજ્યનમાં સર્જાયેલ ફોલ્ટને કારણે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થવા પામી હતી. ગુજરાતમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાનુંસાર કાકરાપાર, ઉકાઈ તથા sspp ના જનરેટર બંધ થઈ જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. 4500 મેગાવોટ વીજળીનો લોડ સેન્ટ્રલ ગ્રીડમાં વઘતા ટ્રીપ થઈ હતી.
-
લીંબડી ધંધુકા હાઇવે ઉપર અકસ્માત, 2 ના મોત
સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમા બે વ્યક્તિઓ ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઘટનાસ્થળે મોત થયા છે. ડુંગર તલાવ પાસે ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાંચ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
-
સુરત સહીત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, ઉનાળામાં લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ
સુરત સહીત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થવા પામી છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ સમસ્યા સર્જાઈ છે. સુરત શહેરમાં વીજળીનો મોટો ફોલ્ટ થયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. કતારગામ વિસ્તારમાં વીજળી નથી. કતારગામ વિસ્તારમાં વીજલાઈન ટ્રીપ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળામાં ભર બપોરના સમયે વીજળી જતી રહેતા સમસ્યા સર્જાઈ છે. અનેક કારખાનામાં કામકાજ થંભી જવાથી મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. લોકો વીજળી કેમ ગૂલ થઈ છે તે જાણવા માટે મોટી સંખ્યામાં ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. ટોરેન્ટ પાવરની ઓફિસ જઈ હોબાળો કર્યો હતો.
-
અમદાવાદના નવા નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડોક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના નવા નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જમીનમાં રોકાણ માટે મિત્ર પાસેથી રૂપિયા 10 લાખ ઉછીના લીધા હતા. 10 લાખમાંથી 2.78 લાખ ફરિયાદીએ મિત્રને પરત કર્યા હતા. બાકીના નીકળતા 7.22 લાખ માટે અવારનવાર મિત્ર હેરાન પરેશાન કરતો હતો. કંટાળીને નીલ વિહોલ નામના ડોક્ટરે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડોકટરની તાત્કાલિક સારવાર બાદ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
-
ધંધુકા તાલુકામાં ખેતરમાંથી કપાસની ચોરી કરતા ચોરોને ગ્રામજનોએ ઝડપ્યા
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં કપાસ ચોરી કરતા ચોરોને ગ્રામજનોએ ઝડપ્યા છે. ધંધુકા તાલુકાના છસીયાણા ગામની સીમમાંથી, ત્રણ ચોરોને ખેતરમાંથી કપાસની ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી પાડયા છે. લોડીંગ વાહન સાથે ત્રણ ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા હતા. 33 હજારની કિંમતનો 12 મણ કપાસ અને લોડીંગ વાહન સાથે ત્રણ ચોર ઝડપાયા છે. રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના ત્રણ ચોર રંગે હાથ ઝડપાયા છે. પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ધંધુકા પંથકની અગાઉની અનેક કપાસના પાકની ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
-
અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતા એકમો પર તવાઈ
અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતા એકમો પર તવાઈ બોલાવાઇ. પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે. 907 એકમોમાંથી 632 એકમોને નોટિસ ફટકારી છે. જાહેરમાં ઉપદ્રવ કરનારા 60 ધંધાકીય એકમો સીલ કરાયા છે. ગંદકી તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારાયો. હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગનું 3 દિવસનું મેગા ઓપરેશન ચાલી રહ્યુ છે.
-
વડોદરાઃ આજવા રોડ પર પોલીસની PCR વાન પર હુમલો
વડોદરાઃ આજવા રોડ પર પોલીસની PCR વાન પર હુમલો થયો. એકતાનગરમાં મોડી રાતે હંગામો થતા PCR વાન પર પથ્થરમારો થયો. એક જ કોમના બે જૂથ વચ્ચે ઝઘડાના વીડિયો વાયરલ થયા. ઝગડા દરમિયાન અસામાજિક તત્વો તલવાર સાથે દેખાયા. બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. ગભરાયેલા વાલીઓએ PCR વાન પર પથ્થરમારો કર્યો. પોલીસે ત્રણ મહિલાઓ સહિત 11 લોકોની અટકાયત કરી.
-
પંચમહાલમાં જૈન મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરનારા પકડાયા
પંચમહાલના ઘોઘંબામાં આવેલા ધનેશ્વર ગામે આ ઘટના બની હતી. અહીં, શ્રી વિજય ઇન્દ્રજગત વિદ્યાલયના મેદાનમાં આવેલા જૈન મંદિરમાં તોડફોડ કરાઇ હતી. જેના આરોપમાં પોલીસે ગામના જ 3 ટીખળખોર યુવકોની ધરપકડ કરી છે. નિલેશ પરમાર, હાર્દિક પરમાર અને દેવરાજ પરમાર નામના યુવકોની ધરપકડ કરાઇ છે. આ શખ્સોએ મસ્તીમાં આવીને મૂર્તિ તોડી હોવાનું સામે આવ્યું છે… આ શખ્સોનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી જણાઇ આવ્યો. હાલ, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
રાજકોટઃ કેમિકલ વેસ્ટ સળગાવતા લાગી આગ
રાજકોટઃ કેમિકલ વેસ્ટ સળગાવતા આગ લાગી. ધોરાજીના વેગળી ગામે અજાણ્યા શખ્સોએ કેમિકલ વેસ્ટ સળગાવ્યું હોવાનું સામે આવ્યુ છે. ભાદર નદી પાસે આવેલી વન વિભાગની હસ્તકની જમીનમાં આગ લાગી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં કેમિકલ વેસ્ટ સળગવાતા ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
-
ભાવનગર: નજીવી બાબતે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો
ભાવનગર: નજીવી બાબતે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે. રૂપાણી સર્કલ પાસે ગાડી અથડાઈ જતા ઉગ્ર બોલાચાલી થઈ. ત્રણથી ચાર શખ્સ દ્વારા હુમલામાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ.
-
મધ્યાહન ભોજન સંબંધિત રાજ્ય સરકારની મોટી જાહેરાત
મધ્યાહન ભોજન સંબંધિત રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ભોજનમાં કપાસિયા તેલને બદલે હવે સિંગતેલનો ઉપયોગ થશે. બાળકોમાં કુપોષણની ફરિયાદો મળતા સિંગતેલના ઉપયોગનો નિર્ણય લેવાયો, શિક્ષણ પ્રધાન દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી. બાળકોનું હિત અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકારનો મહત્વનો નિર્ણય.
-
માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ
રાજ્યમાં માર્ચ મહિનામાં જ ભારે ગરમીનો અનુભવ થવા પામ્યો છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ગરમીને લઈને હવામાન વિભાગે આજે પણ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
-
વડાપ્રધાન મોદીને મોરેશિયસના સર્વોચ્ચ સન્માનની જાહેરાત
વડાપ્રધાન મોદી બે દિવસના મોરેશિયસના પ્રવાસે છે. ત્યારે મોરેશિયસ દ્વારા PM મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું છે. “ધ ગ્રાન્ડ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ સ્ટાર એન્ડ કી ઑફ ધ ઈન્ડિયન ઓશન”થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત અને મોરેશિયસના સંબંધો મજબૂત કરવામાં PM મોદીના યોગદાનને લીધે આ પુરસ્કાર તેમને એનાયત કરાયો છે. મોરેશિયસનું આ સન્માન મેળવનારા PM મોદી પાંચમા વિદેશી નાગરીક છે. અને સાથે જ પહેલા ભારતીય. અત્યાર સુધીમાં 21 દેશ PM મોદીને તેમના દેશનું સર્વોચ્ચ સન્માન આપી ચુક્યા છે.
-
પાકિસ્તાનમાં અપહરણ કરાયેલી ટ્રેનમાંથી 104 બંધકને છોડાવાયા
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું અને મુસાફરોને બંધક બનાવ્યા. પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કરી છે અને ૧૦૪ બંધકોને મુક્ત કરાવ્યા છે. આ દરમિયાન, ગોળીબારમાં ઘણા સૈનિકો અને BLA લડવૈયાઓ માર્યા ગયા. આ હુમલો પાકિસ્તાન પર BLA દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.
-
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલનું ટેન્કર પલટ્યુ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલનું ટેન્કર પલટતા કેમિકલને પગલે આસપાસના ગામડાઓના લોકોને અસર થઇ. એક ગર્ભવતી સહિત 4 મહિલાઓની લથડી તબિયત છે. કેમિકલની અસરને રોકવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામા આવી. શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ, ઉલટીની ફરિયાદ છે.
Published On - Mar 12,2025 7:26 AM





