AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રામ મંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં જ જોવા મળ્યા ફાંટા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2024 | 11:50 PM

આજ 11 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રામ મંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં જ જોવા મળ્યા ફાંટા
Gujarat latest live news and samachar today 11 January 2024 politics weather updates daily breaking news top headlines in Gujarati VGGS 2024 Vibrant Gujarat 

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આજે ​​ફારુક અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી, આગામી 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચી શકે છે. મોહન ભાગવતને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ મળ્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, રાજકારણમાં ધર્મનો ઉપયોગ ન થવો જોઈએ. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ બુધવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ કરવા માંગતા નથી. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jan 2024 11:50 PM (IST)

    રામ મંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં જ જોવા મળ્યા ફાંટા

    22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અને વીએચપી તરફથી કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ અધિરરંજન ચૌધરીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. જો કે કોંગ્રેસ પક્ષ તરફથી આ આમંત્રણનો સાદર અસ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાનના આ નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ નારાજગી દર્શાવી છે.

  • 11 Jan 2024 11:27 PM (IST)

    મમતા માત્ર 2 બેઠકો છોડવા પર અડગ, TMC કોંગ્રેસ ગઠબંધન સમિતિને મળવા માટે પ્રતિનિધિ નહીં મોકલે

    TMC દિલ્હીમાં કોંગ્રેસ ગઠબંધન સમિતિના સભ્યોને મળવા માટે તેના પ્રતિનિધિને મોકલશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ 2019માં કોંગ્રેસે જીતેલી 2 સીટોની ઓફર કરી હતી, પરંતુ કોંગ્રેસે ટીએમસીની ઓફરને ઓછી ગણાવી હતી. આને લઈને બંગાળ કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

  • 11 Jan 2024 11:04 PM (IST)

    અફઘાનિસ્તાનમાં ગ્રેનેડ બ્લાસ્ટમાં બેના મોત, 12 ઘાયલ

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક શિયા બહુલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજો ઘાતક વિસ્ફોટ છે. આ વિસ્ફોટ વ્યાપારી કેન્દ્રની બહાર બપોરે થયો હતો અને હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી. કાબુલ પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવાના તમામ પ્રયાસો કરશે.

  • 11 Jan 2024 09:53 PM (IST)

    લશ્કર-એ-તૈયબાનો સ્થાપક આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુતાવી ઠાર

    મુંબઈ હુમલા માટે આતંકવાદીઓને તૈયાર કરી રહેલા લશ્કર-એ-તૈયબાના ડિપ્ટી કહેવાતા આતંકવાદી હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું મોત થયું છે. યુએનએ ભુતાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ભુતાવી હાફિઝ સઈદનો ડિપ્ટી પણ હતો.

  • 11 Jan 2024 09:33 PM (IST)

    યુપીમાં તમામ પોલીસકર્મીઓની રજા 26મી જાન્યુઆરી સુધી રદ

    યુપીમાં તમામ પોલીસકર્મીઓની રજા 26મી જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

  • 11 Jan 2024 09:18 PM (IST)

    સીટ વહેંચણીને લઈને આવતીકાલે AAP અને કોંગ્રેસની મહત્વની બેઠક

    સીટ વહેંચણીને લઈને આવતીકાલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક શુક્રવારે સાંજે સાડા છ વાગ્યે મુકુલ વાસનિકના ઘરે યોજાશે. બેઠકમાં અલગ-અલગ રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે.

  • 11 Jan 2024 07:37 PM (IST)

    રાજસ્થાન પેપર લીક કેસમાં EDએ પાંચ આરોપીઓને રિમાન્ડ પર લીધા

    રાજસ્થાન પેપર લીક કેસમાં ED ફરી એકવાર સક્રિય થઈ છે. EDએ જેલમાં બંધ પાંચ આરોપીઓને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધા છે. EDએ આ પાંચેય આરોપીઓને જયપુર કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. ED દ્વારા જે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે તેમાં આ સમગ્ર રમતના માસ્ટરમાઇન્ડ સુરેશ સાહુ, વિજય ડામોર, પુખરાજ, પીરારામ અને અરુણ શર્માનો સમાવેશ થાય છે.

  • 11 Jan 2024 07:36 PM (IST)

    નવા વર્ષે માત્ર 10 દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો

    આજે 11 જાન્યુઆરીના રોજ બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 65,000 રૂપિયાની નીચે આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં 100 રૂપિયા થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 64210 રૂપિયા છે. ચાંદીનો ભાવ 76,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

  • 11 Jan 2024 07:12 PM (IST)

    કોંગ્રેસ પર ધર્મેન્દ્ર પ્રધાનનો કટાક્ષ, કહ્યું- ભગવાન શ્રી રામને કાલ્પનિક કહેનારા મંદિરને કેવી રીતે સ્વીકારશે?

    ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા X પર લખ્યું છે – ભગવાન શ્રી રામને કાલ્પનિક કહેનારા કોંગ્રેસ અને તેના નેતાઓ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને કેવી રીતે સ્વીકારશે? આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ સભ્ય અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી હતી.

  • 11 Jan 2024 07:09 PM (IST)

    સુરતના વેપારીને 2 લાખ રામ ટોપીનો મળ્યો ઓર્ડર

    22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહાત્સોવની ઉજવણી થવાની છે. જેના પગલે દેશ રામમય બની ગયો છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના કાપડ ઉદ્યોગમાં રામ નામની લહેર જોવા મળી રહી છે. સુરતના વેપારીને 2 લાખ રામ ટોપી અને 2 લાખ ધ્વજાનો ઓર્ડર મળ્યો છે.

  • 11 Jan 2024 06:04 PM (IST)

    મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ તૈયાર, હવે કલાકોની મુસાફરી થશે મિનિટોમા

    22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે. ચાલો તમને હાર્બર લિંકની તમામ વિગતો જણાવીએ. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક MTHL પર ફોર-વ્હીલર્સની મહત્તમ સ્પીડ 100 kmph હશે, જ્યારે મોટરબાઈક, ઓટોરિક્ષા અને ટ્રેક્ટરને દરિયાઈ પુલ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  • 11 Jan 2024 06:02 PM (IST)

    બિજનૌરમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે કાર અથડાતા 3ના મોત

    બિજનૌર જિલ્લાના ધામપુર વિસ્તારમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે કાર અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. બુધવારે મોડી રાત્રે ધામપુર-સ્યોહરા રોડ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાર સવાર ઉજ્જવલ (28), મિથુન (27) અને ચંદ્રદીપ (28) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

  • 11 Jan 2024 05:28 PM (IST)

    સીએમ નીતીશે ભારત ગઠબંધનમાં સીટ વહેંચણી પર કહ્યું – બધું બરાબર છે

    ભારતીય ગઠબંધનના તમામ પક્ષો લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતને રોકવા માટે કમર કસી ગયા છે. બેઠકોની વહેંચણીને લઈને તમામ પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન બિહારમાં સીટની વહેંચણી પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે બધુ બરાબર છે, બધું સમયસર થઈ જશે.

  • 11 Jan 2024 05:10 PM (IST)

    હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા ! અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ આ પ્રતિમાનું અનાવરણ

    રાજધાની દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. અહીંની મંદિર સમિતિએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરવાનો નિર્ણય લીધો છે. બજરંગબલીની આ 51 ફૂટની પ્રતિમામાં એક ખભા પર રામ અને બીજા ખભા પર લક્ષ્મણ બેઠેલા છે. પ્રતિમા લગભગ તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  • 11 Jan 2024 04:26 PM (IST)

    PM મોદીએ અજમેર શરીફ દરગાહ ભેટ કરી ચાદર

    દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉર્સના અવસર પર અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના દ્વારા ચડાવેલ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે.

  • 11 Jan 2024 04:09 PM (IST)

    લક્ષદ્વીપ-અયોધ્યા પહોંચવું બનશે આસાન, સ્પાઇસ જેટ ટૂંક સમયમાં શરૂ કરશે ફ્લાઇટ સેવા

    સ્પાઇસજેટના વડા અજય સિંહનું કહેવું છે કે કંપની લક્ષદ્વીપની સાથે સાથે અયોધ્યા માટે નવી ફ્લાઇટ સેવા શરૂ કરશે. કટોકટીગ્રસ્ત સ્પાઇસજેટને તાજેતરમાં કંપનીના બોર્ડ પાસેથી નવું ભંડોળ એકત્ર કરવાની પરવાનગી મળી છે. આ પછી, કંપનીએ લક્ષદ્વીપ અને અયોધ્યા માટે વહેલી તકે તેની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. પીએમની મુલાકાત બાદ ટાટા ગ્રુપે લક્ષદ્વીપમાં 2 નવી હોટલ ખોલવાની પણ જાહેરાત કરી છે.

  • 11 Jan 2024 04:01 PM (IST)

    કોંગ્રેસ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમ અંગે ખોટું બોલી રહી છે – આઠવલે

    કોંગ્રેસે રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના આમંત્રણને નકારી કાઢ્યા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, કોંગ્રેસનો આરોપ બિલકુલ સાચો નથી, આ કાર્યક્રમ એક ધાર્મિક કાર્યક્રમ છે. આ બીજેપી કે આરએસએસનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ રામ મંદિરના ટ્રસ્ટના લોકોએ આયોજિત કર્યો છે. કોંગ્રેસ આ કાર્યક્રમમાં આવવા માંગતી ન હતી, તેથી તેઓ કોઈને કોઈ બહાનું બનાવી રહ્યા છે અને તેમને પીએમ મોદીનો ચહેરો જોવો પસંદ નથી.

  • 11 Jan 2024 03:34 PM (IST)

    રાહુલ ગાંધી ‘ન્યાય યાત્રા’ દરમિયાન ચાર દિવસ ઓડિશામાં રહેશે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા મહિને તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ચાર દિવસ ઓડિશામાં રોકાય તેવી શક્યતા છે. આ યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે. કોંગ્રેસના ઓડિશા એકમના વરિષ્ઠ નેતા શરત રાઉતે જણાવ્યું હતું કે યાત્રા ઝારખંડથી ઓડિશામાં પ્રવેશ કરશે અને મયુરભંજ, કેઓંઝર, સુંદરગઢ અને ઝારસુગુડા જિલ્લામાંથી પસાર થશે.

  • 11 Jan 2024 03:07 PM (IST)

    દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા

    દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

  • 11 Jan 2024 02:18 PM (IST)

    બનાસકાંઠામાં થરાદના સેરાઉ નજીક નર્મદા કેનાલમાં વધુ એક ગાબડું

    બનાસકાંઠામાં વધુ એક કેનાલમા મોટું ગાબડું. થરાદના સેરાઉ નજીક માઇનોર કેનાલ તૂટ્યાનો વીડીયો વાયરલ થયો છે. ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. બે માસ સુધી પાકની મહેનત બાદ ખેડૂત ના ખેતરમાં પાણી ઘૂંટણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વારંવાર રજુઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ નહિ સાંભળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ.

  • 11 Jan 2024 01:51 PM (IST)

    ભગવાન રામ ભાજપ કે કોંગ્રેસના નથી, સર્વ સમાજના છે – પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ

    રામ મંદિર આમંત્રણ વિવાદ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, હુ કોઈ વિવાદમાં પડવા નથી માંગતો પણ રામ સર્વ સમાજના છે. રામ ભગવાન ભાજપ કે કોંગ્રેસના નથી. સૌ કોઈએ પક્ષ કે જ્ઞાતિ- જાતિ ભૂલીને તેમાં જોડાવું જોઇએ. કોંગ્રેસે કોઈ વ્યક્તિગત કારણોસર આમંત્રણ અસ્વીકાર કર્યો હોઈ શકે.

  • 11 Jan 2024 01:27 PM (IST)

    ભાજપ પારલે-જી બિસ્કિટ જેવું છે : અખિલેશ યાદવ

    સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે, ભાજપની તુલના પારલે-જી બિસ્કિટ સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ પારલે-જી બિસ્કિટ જેવી છે. પેકેટો નાના થતા ગયા, પણ નફો ન થયો. અખિલેશ યાદવે કહ્યું કે, ગઠબંધનની વાતચીત સારી રીતે ચાલી રહી છે.

  • 11 Jan 2024 12:36 PM (IST)

    31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ

    સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.

  • 11 Jan 2024 12:02 PM (IST)

    નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આજે ED સમક્ષ હાજર નહીં થાય

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાને ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ ફારૂક અબ્દુલ્લા આજે શ્રીનગરમાં ED સમક્ષ હાજર નહીં થાય. 86 વર્ષીય અબ્દુલ્લાને, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)માં કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા.

  • 11 Jan 2024 11:37 AM (IST)

    આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં અકસ્માતમાં ભરુચના એક જ પરિવારના 3ના મોત

    આફ્રિકાના સ્વાઝીલેન્ડ દેશમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. કારનો અકસ્માત સર્જાતા ભરૂચ જિલ્લાના મનુબર ગામના રહેવાસી પિતા, પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું છે. આ સમાચારના પગલે, મૃતકના વતન મનુબર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

  • 11 Jan 2024 11:21 AM (IST)

    વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ શકે છે

    ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ શકે છે. તાજેતરમાં જ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. એવુ માનવામાં આવે છે કે, ઉતરાયણ બાદ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું.

  • 11 Jan 2024 10:36 AM (IST)

    રામ મંદિર એ ભાજપની સંપત્તિ નથી, દર્શન કરવા આમંત્રણની કોઈ જરૂર નથી – સંજય રાઉત

    રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા અંગે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, આ કોંગ્રેસની અંદરનો મામલો નથી. અમે બધા એકવાર અયોધ્યા જઈશું. અમને કોઈના આમંત્રણની જરૂર નથી. રામ મંદિર ભાજપની સંપત્તિ નથી.

  • 11 Jan 2024 09:35 AM (IST)

    રામ અમારા આરાધ્ય દેવ, કોંગ્રેસ ક્યાંયની પણ નહીં રહે – શિવરાજ સિંહ ચૌહાણ

    ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી ન આપવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે રામ અમારા આરાધ્ય દેવ છે, ભગવાન શ્રી રામ એ ભારતની ઓળખ છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને નકારી કાઢવી એ ભારતની ઓળખને નકારવી, ભારતીય સંસ્કૃતિને નકારવી બરાબર છે. આથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય કોંગ્રેસ ખોવાઈ જશે.

  • 11 Jan 2024 09:16 AM (IST)

    તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈ સામે નોંધાયો કેસ

    તમિલનાડુની ધર્મપુરી પોલીસે બે જૂથો વચ્ચે ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપસર ધર્મપુરી જિલ્લાના બોમ્મીડી પોલીસ સ્ટેશનમાં તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈ વિરુદ્ધ કલમ 153 (A), 504, 505 (2) હેઠળ કેસ નોંધ્યો છે.

  • 11 Jan 2024 07:21 AM (IST)

    વાઈબ્રન્ટ ગુજરાતમાં વિવિધ સેમિનાર, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગ્રુપ અને ગ્રુપ ટુ ગ્રુપ બેઠકો યોજાશે

    વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના આજે બીજા દિવસે વિવિધ સેમિનાર, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગ્રુપ અને ગ્રુપ ટુ ગ્રુપ બેઠકો યોજાશે. આ સેમિનાર, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગ્રુપ અને ગ્રુપ ટુ ગ્રુપ બેઠકમાં સ્ટાર્ટ અપ, ઈ કોમર્સ, પોર્ટ આધારિત શહેરી વિકાસ, ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેકચરીગને લગતા સેમિનાર અને બેઠકો યોજાશે. તો બીજી તરફ ઈન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ પણ યોજાશે. ગિફ્ટ સિટી આધુનિક ભારતની મહત્વકાંક્ષા, પુનપ્રાપ્ય ઊર્જા, સેમિકન્ડકટર્સ અને ઈલેક્ટ્રોનિકસને લઈને પણ અનેક ઉદ્યોગો ગુજરાતમાં મૂડીરોકાણના કરારો કરે તેવી સંભાવના છે.

Published On - Jan 11,2024 7:21 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">