હ્યૂમન મેટાન્યૂમોવાયરસ ચીનમાં વેગ પકડી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશમાં અત્યાર સુધીમાં 6 સંક્રમિત લોકો મળી આવ્યા છે. આ તમામ કેસોમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. અમદાવાદમાં 1 બાળક, બેંગલુરુમાં 2, ચેન્નાઈમાં 2 અને કોલકાતામાં 1 બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)થી સંક્રમિત જોવા મળ્યો છે. છત્તીસગઢના બીજાપુરમાં નકસલી હુમલો થયો છે. સેનાના 9 જવાન શહીદ અનેક ઘાયલ. નકસલીઓએ IED બ્લાસ્ટ કરી સેનાનું વાહન ઉડાવ્યું. રાજકોટના વિંછીયામાં હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત. આરોપીઓના સરઘસમાં બબાલ થઈ છે. પોલીસે ટિયર ગેસ છોડ્યા. કચ્છના કંઢેરાઈ ગામે 540 ફૂટ ઉંડા બોરવેલમાં પડી યુવતી. યુવતીને બહાર કાઢવા તંત્રના અથાગ પ્રયાસો છે. રાજકોટની સરકારી શાળાના લંપટ શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સીસીટીવી ન હોય તેવી જગ્યાએ વિદ્યાર્થીઓને લઈને અડપલા કરતો હતો. ભારત વિરોધી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું રાજીનામું. પક્ષમાં ભારે વિરોધને કારણે આપવું પડ્યું રાજીનામું
ગુજરાતમાં નવો વાયરસ HMPV લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. કોરોના વખતે જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી હતી તે જ મુજબ HMPV માટે પણ તૈયારીઓ કરાઈ રહી છે. આઇસોલેશન વોર્ડ માં 25 બેડની વ્યવસ્થા કરાઈ છે. 25 વેન્ટિલેટર મશીનની પણ વ્યવસ્થા કરાઈ છે. PPE કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ડરવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે તેમ ગાંધીનગર સિવિલ ડોકટરોનું કહેવું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જનાર અને 62 ગુનામાં સંડોવાયેલો રીઢા ગુનેગાર જેનુલ આબેદીન ઉર્ફે ઠુઠાને ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 1985 માં 16 વર્ષની ઉંમરે ચોરીથી ગુનાખોરીની દુનિયામાં ડગ માંડ્યા હતા. સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા. વર્ષ 1991 માં અકસ્માતમાં એક હાથનો પંજો ગુમાવ્યો હતો. ત્યારથી તે ગુનાખોરીના દુનિયામાં ઠૂઠો કહેવાતો હતો. લૂંટ બાદ કારમાં દારૂની હેરાફેરી શરૂ કરી હતી. દારૂ બાદ એમ.ડી ડ્રગ્સ અને ગાંજાના ધંધામાં પણ ઝપલાવ્યું હતું.
અમદાવાદના ફેદરા નજીક ભડિયાદ મેળામાં જતા 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 2ના મોત થયા છે જ્યારે 2ને ઈજા પહોચી છે. રોડ પરથી કાર પસાર કરતા વીજ વાયર અડી જતા આ દુર્ઘટના ઘટવા પામી હતી. સેવાલીયા તાલુકાના વસોના વતની હતા યાત્રિકો. નજરે જોનારાનું કહેવું છે કે, કાર રોડ નીચે ઉતરતા સમયે વીજળીની મેઈન લાઇનના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી હતી. એક બાળકી, એક મહિલા અને બે યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો.
ગુજકેટ-2025 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 23 માર્ચ 2025ના રોજ યોજાશે ગુજકેટની પરીક્ષા. ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અમદાવાદમાં નમસ્તે સર્કલ પાસે ગાર્ડનમાં યુવતીની હત્યા કરનાર તેના પ્રેમીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમિકાની હત્યા કરી બાઈક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી હતી. પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. નમસ્તે સર્કલ પાસેના ગાર્ડન નજીક આવેલી લાઇબ્રેરીમાં જ પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો પ્રેમી.
હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે અને તેની ઊંડાઈ 5 કિલોમીટર જમીનની નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરવા માટે બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લેટરકાંડને લગતા પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમા આરોપી મનીષ વઘાસીયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કૌશીક વેકરીયા ઉપર લગાવેલ આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમ ખાતે કુરિયર કર્યા તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઇન કર્યું હતું અને બીજા દિવસે રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયેલા છે. કોબા કમલમ, દિલ્હી સુધી બે દિવસ અલગ અલગ કુરિયર કર્યા હતા.
ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે, ગુજરાતમાંથી વિદેશ જવા ઈચ્છુક લોકોને ઠગનાર બન્ટી અને બબલી ઋષિકેશ અને સુજાતાની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે. કેનેડાના પી.આર વિઝા આપવા મામલે છેતરપિંડી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં ઠગ બન્ટી અને બબલી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. આ બન્ને સામે, ક્રાઈમ બ્રાન્ચ, બોડકદેવ, વડોદરા, નર્મદા સહિતના પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વર્ષ 2021 માં ન્યુ પાથ કેરિયર સોલ્યુશન નામે કંપની શરૂ કરી હતી. અનેક લોકો પાસેથી રૂપિયા 1.60 કરોડથી વધુ મેળવી લીધા હતા.
લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે. 2022માં બંન્ને વચ્ચે સમાધાન થયું હતું. જો કે ફરી બંન્ને વચ્ચે જામી પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. 2025 પછી સિલેક્ટેડ ડાયરાઓ જ કરવા છે, તેવી દેવાયત ખવડની વાત પર બ્રિજરાજદાન ગઢવીએ મજાક બનાવીને વિવાદ છેડ્યો છે. જેનો દેવાયત ખવડે વળતો જવાબ આપતા કહ્યું છે કે, હવે જો માફી માંગુ તો ડાયરાઓ છોડી દઇશ. પાછળથી બોલવા કરતા સામી છાતીએ આવી જવા પડકાર ફેક્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. 8મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે. દુષ્કર્મના દોષિત આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીમાં બનેલા હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આસારામ હાર્ટ પેશન્ટ છે અને તેને હાર્ટ એટેક પણ આવી ચૂક્યો છે. ત્યારે, સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપતા સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુરત: નેશનલ હાઈવે પર કિકવાડ ગામ પાસે અકસ્માતમાં એકનું મોત થયુ છે. વ્યારા તરફથી આવતી કાર ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે અથડાઈ. કારમાં સવાર કેન્સર પીડિતનું અકસ્માતમાં મોત થયુ. બન્ને કારમાં સવાર 8 પૈકી એકનું મોત, અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોરબી: માળીયા ગામમાં મૃત ગાયના અવશેષો મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચીખલી ગામે પિતા-પુત્રને ચરાવવા આપેલી ગાયો ગુમ થઈ હતી. ખાખરેચી ગામના બે માલધારીએ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી.
કચ્છ: અબડાસામાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. કાળા તળાવમાં બાઇક પર બરફ છવાયો છે. નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ અને કંડલાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ બાદ હવે જિલ્લા ભાજપમાં પણ કકળાટ જોવા મળી રહ્યો છે. સતીષ નિશાળીયાએ ફરીથી પ્રમુખ બનવા દાવેદારી કરતા વિવાદ થયો છે. વર્તમાન જિલ્લા પ્રમુખ સામે વાઘોડિયાના પૂર્વ પ્રભારીના ગંભીર આક્ષેપ છે. ભારતી ભાણવડીયાએ સતીષ નિશાળીયા પર શાબ્દિક પ્રહાર કર્યા. સતીષ નિશાળીયાને ફરી પ્રમુખ ન બનાવવા માંગ કરી છે. ભારતી ભાણવડીયાએ જણાવ્યુ કે વડોદરાને સતીષ નિશાળીયાના આતંકમાંથી મુક્ત કરો.
સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રિડેવલોપમેન્ટ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3ને 60 દિવસ માટે બંધ રાખવામાં આવશે. બન્ને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરાઈ. સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. વડોદરા તરફ જતી 79 ટ્રેન પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાઈ. ટ્રેનનો સમય અને પ્લેટફોર્મ અંગે તમામ માહિતી માટે ક્યુઆર કોડ જાહેર કરાયો. હવે લોકો ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી ક્યુઆર કોડની મદદથી મેળવી શકશે.
રાજકોટ: વીંછિયા પોલીસ સ્ટેશનને બાનમાં લેવાના મામલામાં વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે 84 વ્યક્તિઓના નામ જોગ ફરીયાદ દાખલ થઇ છે. પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તેમજ કાવતરું રચવા મામલે ગુનો નોંધાયો છે. મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 52થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
CBIના ‘ભારતપોલ’ પોર્ટલનું આજે લોન્ચિંગ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોન્ચિંગ થશે. આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસમાં આ પોર્ટલ બનશે મદદરૂપ. સાયબર અપરાધ, નાણાંકીય અપરાધ, માનવ તસ્કરીના કેસોમાં તપાસ ઝડપી બનશે. રિયલ-ટાઈમ જાણકારી મેળવવા પોર્ટલથી મળશે મદદ.
રાજકોટઃ વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાના મામલામાં પથ્થરમારો કરનારાની ધરપકડનો આંકડો 58 પાર થયો છે. વીંછિયાની બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છે. વીંછિયાની બજારો બંધ છે, પોલીસનું કોમ્બિંગ ચાલુ છે. SRPની એક ટુકડી ઉતારવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસનો કાફલો વીંછિયામાં ખડકી દેવાયો છે.
આજે દિલ્લી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે. બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્લીમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાનની શક્યતા છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં HMPV વાયરસના 2 કેસ નોંધાયા છે. 13 વર્ષની બાળકી અને 7 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો છે. ભારતમાં હવે HMPV વાયરસના કુલ 8 કેસ થયા છે.
બંગાળ, બિહાર, નેપાળ અને બાંગ્લાદેશના મોટા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહારના પટના સહિત અનેક જિલ્લાઓમાં આજે સવારે 6.40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છઃ કંડેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. સવારથી ચાલતુ ઑપરેશન હજુ પણ યથાવત છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું. અંજારના ધારાસભ્યે ઘટનાસ્થળની મુલાકાત કરી.
હ્યૂમન મેટાન્યૂમોવાયરસ ચીનમાં વેગ પકડી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશમાં અત્યાર સુધીમાં 6 સંક્રમિત લોકો મળી આવ્યા છે. આ તમામ કેસોમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. અમદાવાદમાં 1 બાળક, બેંગલુરુમાં 2, ચેન્નાઈમાં 2 અને કોલકાતામાં 1 બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)થી સંક્રમિત જોવા મળ્યો છે.
Published On - 7:55 am, Tue, 7 January 25