આજે 04 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 4 થી 9 જાન્યુઆરી સુધી ચાલશે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ધુમ્મસ અને પ્રદૂષણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં ગ્રેપ-3 લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે અનેક પ્રકારના નિયંત્રણો પણ અમલમાં આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાન બગડી શકે છે.
નિકિતા સિંઘાનિયાની જામીન અરજી પર આજે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. રાકેશ ટિકૈત સહિતના દિગ્ગજ ખેડૂત નેતાઓ હરિયાણાના ટોહાનામાં ભેગા થશે. એસકેએમએ મહાપંચાયત બોલાવી છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રગતિ યાત્રાનો બીજો તબક્કો આજથી શરૂ થશે. પ્રગતિ યાત્રાના આ તબક્કામાં 6 જિલ્લામાં પહોંચશે.
વલસાડમાં રીઢા ચોરની ટોળકી ઝડપાઈ છે. 7 સ્થળેથી ચોરીને અંજામ આપનાર 3 ચોરની પોલીસે ધરપકડ કરી છે. ચોર ટોળકીએ વાપીમાં જૈન ઉપાશ્રય અને તબીબના બંગલામાં ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી દાગીના અને રોકડ રકમ મળીને કુલ 26 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે…આરોપીને પકડવા માટે પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આરોપીઓ દિવસે રેકી કરીને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ સુરત,દમણમાંપણ ચોરી કર્યાનું સામે આવ્યું છે.
સુરતમાં ચેન સ્નેચિંગ કરનાર ગેંગને ઝડપવામાં ક્રાઈમબ્રાન્ચને સફળતા મળી છે. આરોપીઓ 200 કિલોમિટર દૂર ખંભાતના તારાપુરથી આવી ધૂમ સ્ટાઇલમાં સ્પોર્ટ્સ બાઈકથી ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ ચેન સ્નેચિંગ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે સુરત ક્રાઈમબ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી 7 જેટલી સોનાની ચેનની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી.
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સેનાની ગાડી ખાઈમાં પડવાથી 4 જવાન શહીદ થયા છે જ્યારે અન્ય બે ની હાલત પણ ગંભીર છે. ઘાયલ જવાનોને શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા દુર્ઘટનામાં 6 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને તુરંત બાંદીપોરા જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં 3 જવાનોને મૃત જાહેર કરાયા હતા. ગંભીર રીતે ઘાયલ જવાનોને વધુ સારવાર અર્થે શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાનનુ રસ્તામાં જ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે જવાનોને સારવાર માટે શ્રીનગર રિફર કરાયા છે.
કચ્છના ગોધરામાં યુવતીની હત્યા મુદ્દે નીકળી મૌન રેલી. સર્વ સમાજ સાથે જોડાયા. કચ્છના માંડવી તાલુકામાં યુવતીની એકતરફી પ્રેમમાં હત્યાના ઘેર પ્રત્યાઘાત પડ્યા.. ભુજ શહેરમાં વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. સર્વસમાજે રેલીમાં જોડાઈ ઝડપી ન્યાય મળે તેવી માગ કરી. મૃતક યુવતીની બેરહેમીથી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા પણ રજૂઆત કરવામાં આવી. મૌન રેલીમાં સર્વસમાજની સાથે સાધુ સંતો પણ જોડાયા. બેટી બચાવો, દેશ બચાવો તેમજ દીકરીઓને સુરક્ષા આપો સહિતના બેનરો સાથે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. કચ્છના સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા.
અમદાવાદની જાણીતી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કુલેસ વિદ્યાર્થીએ પહેરલ અન્ય રંગનું સ્વેટર ઉતરાવતા, જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને રૂપિયા 10 હજારનો દંડ કેમ ના ફટકારવો જોઈએ તે મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી છે. મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કુલના વિદ્યાથીએ, ઠંડીથી બચવા શાળાએ નક્કી કરેલ સિવાયના રંગનું સ્વેટર ધારણ કર્યું હતું. શાળાના સંચાલકોએ, આ વિદ્યાર્થી પાસે અન્ય રંગનું સ્વેટર ઉતરાવી લીધુ હતુ. જેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરાતા, શાળાને રૂપિયા 10 હજારનો દંડ કેમ ના ફટકારવો જોઈએ તે મુદ્દે નોટિસ ફટકારવામાંઆવી છે. સાથોસાથ FRCએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા આદેશ કર્યો છે.
સુરત શહેરમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેવુ સામે આવ્યુ છે. સુરતમાંથી વધુ ત્રણ બોગસ ડોકટરને ઝડપી લેવાયા છે. સુરતના સ્લમ વિસ્તારમાંથી લીંબાયત પોલીસે નકલી ડોકટરને પકડ્યા છે. ડોકટરનુ નકલી સર્ટીફીકેટ મેળવી ડોકટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા, ધર્મરાજ બૈજનાથ યાદવ,રાજેશ રામકિશોર યાદવ અને દિના આદીત્ય કલીતાને ઝડપી પાડ્યા. ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને દવા તથા મેડીકલના સરસામાન સાથે લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે કુલ રૂપિયા 1.12 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો.
દ્વારકાના કુરંગા નજીક ખાનગી બસ પલટી જતા 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી 7 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 ને સઘન સારવાર માટે ખંભાળિયા ખસેડાયા છે. બસમાં કુલ 56 લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો અમદાવાદના રખિયાલના રહેવાસીઓ હોવાની વિગતો સામે આવી છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસે પલટી મારી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટના જસદણના નવાગામમાં સરકારી જમીન પચાવી પાડવાનુ કૌંભાડ ઝડપાયું છે. નવાગામમાં બે ભાઈએ સરકારી દબાણ વાળી જમીન પોતાના નામે કરી લીધી હતી. આરોપીઓએ સરકારી જમીનના ખોટા લેટર પેડ બતાવી પોતાના નામે કરી લીધી હતી. દબાણ વાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હતા. ખોટા લેટર પેડ બનાવી ખોટા સહી સિક્કા કરી જસદણ TDOને રજુ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જસદણના નવાગામના મનજી ભોજાણી તથા તેના ભાઈ વલ્લભ સામે નવાગામના સરપંચે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ગઈકાલે કપડવંજમાં તપાસ કરવામાં આવી હતી. વિભાગના અધિકારીઓ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવી, બે અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને જગ્યાએથી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. કપડવંજ સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. બીજા ટ્યુશન ક્લાસની તપાસમાં સરદાર પટેલ વિદ્યાલય દાણા સ્કૂલના આચાર્ય હરેશ પટેલ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. શિક્ષણ વિભાગે બાતમીના આધારે કરી હતી બંને જગ્યાએ તપાસ. તમામ બાબતને લઈ શિક્ષણ અધિકારી કરી રહ્યા છે તપાસ. તપાસના અંતે આચાર્ય અને શિક્ષક સસ્પેન્ડ થાય તો નવાઈ નહીં.
કચ્છમાં લેઉવા પટેલ સમાજમાં તડા પડ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં કચ્છ લેઉવા સમાજના ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો. રામપર-વેકરા સ્થિત ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત કથામાં લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો આંતરિક વિવાદને લઈ કથા સ્થળે વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી ગોપાલ ગોરશિયા અને તેમની સાથેના લોકોની કાર રોકી લોકોએ હોબાળો મચાવ્યો હતો. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનોએ વિરોધ વચ્ચે કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી. અગાઉ પણ સમાજના એક કાર્યક્રમમાં ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો.
રાજકોટના જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરાયું હોવાનુ સામે આવતા જ ટેન્ડર રદ કરી દેવાયું છે. 56090 ચો.મી જમીન જે.પી ઈન્ફ્રાસ્ટ્રકચરને આપવાનું નક્કી કરાયું હતું. જે અંગે વિવાદ સર્જાયા બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે.
ચીનના HMPV વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ છે. એનસીડીસીને ચીનના HMPV વાયરસ સંબંધે ગંભીરતાથી દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે
સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક દારુ ભરેલ ઈકો કારે અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી સ્થળ પર જ ઈકો કાર મૂકીને કાર ચાલક થયો હતો. તપાસ કરવામાં આવતા ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિકોએ કોસંબા પોલીસને, દારુ ભરેલ વાનચાલકે અકસ્માત સર્જયો હોવાની જાણ કરી હતી. કોસંબા પોલીસે દારૂ ભરેલ ઈકો કારનો કબજો લઇને, આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયા 4 રનની લીડ લેવામાં સફળ રહી હતી. આ ઇનિંગમાં ભારતીય ટીમના સૌથી સફળ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા હતા. બંને બોલરોએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે, જસપ્રિત બુમરાહ અને નીતિશ કુમાર રેડ્ડીને 2-2 વિકેટ મેળવવાની સફળતા મળી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી બેઉ વેબસ્ટરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા.
જૂનાગઢની માંગરોળ સબ જેલમાથી ચાર મોબાઇલ -સીમ કાર્ડ મળી આવ્યા છે. જેલ ચેકીંગ દરમિયાન અલગ અલગ બેરેકમાથી મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા છે. બે એન્ડ્રોઇડ અને બે કી પેડ મોબાઇલ મળી આવ્યા છે. 5 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી આવતા તપાસ અધિકારીએ જપ્ત કર્યાં છે. આ ઘટના અંગે લોકઅપ સુપ્રિટેન્ડન્ટ દ્વારા અજાણ્યા ઈસમ વિરુધ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
થરાદ પોલીસે લક્કી ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. દીદરડા ગામે થોડા દિવસો પહેલા ગાયોના નામે લક્કી ડ્રોનુ આયોજન કરાયું હતું. નકળંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લક્કી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદ પોલીસ પોતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે. ઇનામી છેતરપિંડી અને સરક્યુલશન સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે પણ ખુલ્લેઆમ લકી ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે, આયોજકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે.
હજીરાની AMNS કંપનીમાં લાગેલી આગને લઈને GPCBએ કડક કાર્યવાહી હાથ ધરી છે. GPCB એ AMNS કંપનીને રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો છે. ઘટના કઈ રીતે બની, ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું? સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ તપાસ શરૂ કરી છે. હજીરાની AMNS કંપનીમાં, ગત 31 ડિસેમ્બર 2024ના રોજ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયાં હતા. જે મામલે પરિવારે પોલીસ અને મામલતદાર પાસે ન્યાયની માંગણી કરી હતી.
મહાનગર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપે આજથી પ્રકિયા શરુ કરી છે. આજથી 2 દિવસ સુધી જિલ્લા-મહાનગરના ભાજપ કાર્યાલયો પર, નવા પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. નિરીક્ષકો દ્વારા જિલ્લા કાર્યાલયો પર હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. પ્રમુખ માટે ભાજપના કોઈ પણ સક્રિય સભ્ય દાવેદારી નોંધાવી શકશે. મહાનગર અને જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણ નક્કી કરાયા છે. 10 જાન્યુઆરી સુધી મોટા ભાગના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવશે.
સ્ટેટ મોનિટરિંગ સેલે, પંચમહાલના હાલોલમાં જુગારધામ પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારનો અડ્ડો ચલાવવા મકાન આપનાર મહિલા સહિત 14 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ, શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે, જેથી શામળાજીનો વિકાસ થઈ શકે છે. તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે એમ છે. સાથે જ મુખ્યમંત્રી ને ભિલોડાને નગરપાલિકાનો લાભ મળે એ માટે પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભારે ટક્કરને કારણે એક કાર પાંચ ફૂટ ઉંચી અને મજબૂત રેલિંગ તોડીને પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોને ઈજા પહોચી છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર બસનું ટાયર ફાટ્યા બાદ અચાનક જ આગ પ્રસરી જવા પામી હતી. તમામ મુસાફરો સમયસર બસની બહાર નીકળી જતા સૌ કોઈએ રાહત અનુભવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આજે બીજેપીની મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ, સચદેવા, તરુણ ચુગ સહિત દિલ્હી ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.
Published On - 7:22 am, Sat, 4 January 25