ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર! સમુદ્રનું પાણી આફત બની રહ્યું છે, દરિયાકાંઠાના શહેર પાણીમાં ડૂબી જશે
ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોના અનુમાનો વચ્ચે પશ્ચિમ ભારતમાં સમુદ્ર આફત બની આગળ વધી રહ્યો છે. અહીંની સ્થિતિને જોતા ગુજરાત ગ્લોબલ વોર્મિંગનો શિકાર બનનાર દેશનું પહેલું રાજ્ય બને તો નવાઈ નહિ...
ચીન, ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ અને ઈન્ડોનેશિયા વૈશ્વિક સ્તરે કોલસા આધારિત પાવર પ્લાન્ટ નિર્માણ અને ઉપયોગમાં મોખરે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે ગ્લોબલ વોર્મિંગની સૌથી ખરાબ અસર આ દેશો પર પહેલા પડી શકે છે. આ દેશો ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળસ્તર વધવાથી ઘણા ટાપુ દેશો નાશ પામશે.ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોના અનુમાનો વચ્ચે પશ્ચિમ ભારતમાં સમુદ્ર આફત બની આગળ વધી રહ્યો છે. અહીંની સ્થિતિને જોતા ગુજરાત ગ્લોબલ વોર્મિંગનો શિકાર બનનાર દેશનું પહેલું રાજ્ય બને તો નવાઈ નહિ…
વર્ષ 2100 માં ભારતના દરિયાકાંઠાના 12 શહેર પાણીમાં ડૂબી જશે
ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા વેધર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2100 માં ભારતના 12 દરિયાકાંઠાના શહેરો લગભગ 3 ફૂટ પાણીમાં ડૂબી જશે. આ શહેરોમાં ચેન્નાઈ, કોચી, મુંબઈ અને ગુજરાતના ભાવનગરનો સમાવેશ થાય છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ IPCCના આ રિપોર્ટના આધારે સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે.
ક્લાઇમેટસેન્ટ્રલ ઓઆરજી સંસ્થા જે આબોહવા પર અભ્યાસ કરે છે તેણે તાજેતરના એક અભ્યાસ બાદ કહ્યું છે કે વિશ્વભરમાં હાઇ ટાઇડ ઝોનમાં રહેલા દેશમાં દરિયાનું સ્તર વધવાથી 15 ટકા વસ્તીને અસર થશે. આ ઉપરાંત આગામી સમયમાં વિશ્વનો નકશો બદલાશે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં લગભગ 184 જગ્યાઓ એવી છે કે જ્યાં સમુદ્રનું સ્તર વધવાથી તેની સીધી અસર થશે.
કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ દ્વારા ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે અને તેના કારણે ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જશે. જેમ જેમ તાપમાન વધે છે તેમ ગ્લેશિયર્સ ઓગળશે અને તેમના પાણીથી સમુદ્રનું સ્તર વધશે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ તરફ દોરી શકે છે.
ગુજરાતના 1600 કિલોમીટર સહીત દેશભરના આશરે 7,500 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના અનેક વિસ્તારો હાલમાં ચિંતાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતમાં સમુદ્ર સૌરાષ્ટ્રના 6 અને દક્ષિણ ગુજરાતના 4 જીલ્લાને સ્પર્શે છે.
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં સમુદ્રનું ધોવાણ વધારે થયું : ISRO
Indian Space Research Organization (ISRO)નાં વર્ષ 2023માં જાહેર એક અહેવાલ પ્રમાણે 2004-06થી 2014-16 દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રની સરખામણીમાં દક્ષિણ ગુજરાતમાં વધું ધોવાણ જોવા મળ્યું છે એટલે કે ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ જીલ્લાના દરિયાઈ વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે.
આ રીપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાત, દમણ અને દિવમાં 109.7 કિલોમીટર જેટલા વિસ્તારમાં ધોવાણ જોવા મળ્યું છે જેમાં 313.6 હેક્ટર જેટલી જમીન દરિયામાં ડૂબી ગઈ છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ચાર જીલ્લાઓ તેમજ દમણ અને દિવ વિસ્તારોમાં જોવા મળી છે. જોકે, આશરે 1051 કિલોમીટર જેટલો દરિયાકાંઠો ગંભીર અસરોથી સલામત જોવા મળ્યો છે.
નિષ્ણાંતો અનુસાર ગુજરાતના દરિયાઇકાંઠાનાં ધોવાણનાં કારણો પાછળ દરિયામાં વધતા પ્રદૂષણને પણ એક મોટું કારણ માનવામાં આવે છે અને તે ત્યારબાદ દરિયા ઉપરના પવનની દિશા તેમજ તેનાં મોજાંની તીવ્રતામાં ફેરફારો થાય છે જેના કારણે આ સમુદ્રકાંઠાના ધોવાણની પ્રક્રિયા વધી રહી છે.
અહીં સમુદ્રનો પ્રકોપ સૌથી વધુ દેખાયો
ભાવનગરનું ઘોઘા , દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલું કલાદરા ગામ અને નવસારીનું બોરિસ ગામ સમુદ્રના પ્રકોપના પહેલા પીડિત છે. આ સ્થળોએ તો ભરતી સમયે ઘૂઘવતો સમુદ્ર જાણે કાંઠાને ભરખી જાય છે. કલાદરા ગામમાં એક આખું ફળિયું સમુદ્રમાં સમાયું છે જ્યાં એક સમયે મકાન હતા ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. લોકો આગળ ખસ્યા પણ સમુદ્ર તેમનો સતત પીછો કરે છે તેમ સ્થાનિક અગ્રણી ગણપતભાઈએ જણાવ્યું હતું.ચેરના જંગલ અને કાપ પાથરવાથી હવે ધોવાણ ધીમું પણ પડ્યું છે
આવાજ હાલ નવસારીના બોરિસ ગામના છે જ્યાં ભરતી સમયે ઘણીવાર પૂરની પરિસ્થિતિનો અહેસાસ થાય છે. સુરતનો ડભારી કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણ ધરાવે છે એક સમયે સમુદ્ર કિનારાથી દૂર નજરે પડતા ખોડિયાર માતાના મંદિરમાં આજે ભરતી સમયે મોજાની થપાટો વાગે છે.
ભરૂચ જિલ્લાના કંટીયાજાળ ગામની આપવીતી પણ સમુદ્રનું જળસ્તર વધી રહ્યું હોવાનો ઈશારો કરે છે. આ ગામના વડીલો પ્રમાણે વર્ષો પહેલાં અહીં એક બંદર પણ હતું જે ભાવનગર સાથે સતત વ્યસ્ત રહેતું હતું. આજે આ બંદરની લગભગ 40 ટકા જેટલી જમીન દરિયામાં ડૂબી ચૂકી છે. ડેમના કારણે ડેલ્ટા એરિયામાં ફેરફાર થયા છે. કુદરત સાથે છેડછાડના માઠાં પરિણામ અહીંના લોકોએ ભોગવ્યા છે.
દેશમાં ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર ગુજરાતમાં
ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો આગામી બેથી ત્રણ દાયકામાં દરિયાની સપાટી 0.1 મીટરથી 0.3 મીટરના વધારાનો સામનો કરશે જ્યારે ગુજરાતના ભાવનગરમાં 0.22 મીટરના વધારાનો સામનો કરવો પડશે જ્યાંના વિશાળ નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે છે નાસા દ્વારા એક અનુમાન જણાવ્યું છે. ભાવનગરનું ઘોઘા મોટી ભરતી સમયે ટાપુ સમાન ભાસે છે.
સર્વેમાં 12 ભારતીય શહેરો છે જેમાં 2040 સુધીમાં ભાવનગરમાં જળસ્તરમાં 0.22 મીટરના વધારાનો સમાવેશ થાય છે. આ બાદ ગુજરાતનાજ કંડલા અને ઓખા ( 0.13 મીટર) કોચી (0.15 મીટર), મોર્મુગાઓ અને મુંબઈ (0.12 મીટર) પણ વધતા જળસ્તરનો સામનો કરશે.
ભાવનગર વૈશ્વિક સરેરાશ કરતાં ઊંચો વધારો દર્શાવે છે અહીં હાલમાં પણ ઘોઘામાં ભરતીના સમયે પાણી ચિંતા બનીને ઘૂઘવે છે. વર્તમાન સ્તરથી 2040 સુધીમાં 0.14 મીટર અને 2050 સુધીમાં 0.2 મીટરના દરિયાઈ સ્તરના વધારાનો અંદાજ દર્શાવે છે. આ સ્થિતિ વોર્મિંગને કારણે સમુદ્રના પાણીના પરિભ્રમણ અને અન્ય આબોહવા સંબંધી પરિબળોમાં ફેરફારને આભારી છે.
ગુજરાત સરકારે સમુદ્રને રોકવા યોજનાઓ અમલમાં મૂકી
દરિયાનાં પાણીને રોકવા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે જેમાં સૌથી મહત્ત્વની યોજના મેન્ગ્રુવ્સ એટલેકે ચેરના જંગલ વિકસાવવાની છે. દક્ષિણ ગુજરાતમાં ખુબ મોટાપાયે મેન્ગ્રુવ્સનું વાવેતર કરવામાં આવ્યું છે જે હાલમાં ભરૂચ નજીક વિશાળ જંગલનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મેન્ગ્રુવ્સનું જંગલ વિકસાવવાની જવાબદારી રાજ્ય સરકારના વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીરસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. રઘુવીરસિંહ જાડેજાએ tv9 ને જણાવ્યું હતું કે નર્મદા કિનારા વિસ્તારમાં 52000 હેકટરથી વધારે વિસ્તારમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાયું છે. ખભાતના અખાતમાં નર્મદાના દક્ષિણ કિનારે 54 કિમી અને ઉત્તર કિનારે 100 કિમી સુધી વન વિકસાવવામાં આવ્યું છે. જાડેજાનો દાવો છે કે તાજેતરમાં તાઉતે જેવા વાવાઝોડાની ગંભીર અસરોથી અહીંના સમુદ્ર કિનારાને બચાવવામાં આ મેન્ગ્રુવ્સની મહત્વની ભૂમિકા રહી છે.
મેન્ગ્રુવ્સ સમુદ્રકાંઠાના લોકોને બચાવશે
મેન્ગ્રુવ્સ તે એક નાનું વૃક્ષ અથવા ઝાડ છે જે દરિયાકિનારા પર ઉગે છે અને ઘણી વિવિધ પ્રણાલીઓ અને જીવોને આશ્રય આપે છે. સમુદ્રના કિનારે કીચડમાં મેન્ગ્રુવ્સ ઉગે છે. રઘુવીરસિંહ જાડેજા અનુસાર ખારા પાણીના કીચડમાં આ વૃક્ષ ઉગે છે જે માછલી અને કરચલા સહિતના જીવનું પ્રજનન માટે આશ્રય બને છે. આ ઉપરાંત તે જમીનને જકડી રાખે છે અને સમુદ્રની લહેરોની તીવ્રતાને ઘટાડે છે જેનાથી ધોવાણ પણ ઓછું થાય છે.
મેન્ગ્રુવ્સ ઇકોસિસ્ટમ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમના ઊંડા અને મજબૂત મૂળ જમીનને ઢીલી પડતી અટકાવવામાં મદદ કરે છે.તે જમીન ઉપરના સમુદ્રના પાણીના પ્રવાહને ધીમું કરે છે અને કાંપના નિકાલને પ્રોત્સાહન આપે છે જે દરિયાકાંઠાના ધોવાણને ઘટાડે છે.
ભારતના પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 42.45 ટકા મેન્ગ્રોવ જંગલો છે. ગુજરાત બીજા ક્રમે (23.66 ટકા) અને ત્યારબાદ આંદામાન અને નિકોબાર ટાપુઓ (12.39 ટકા) આવે છે.
મેન્ગ્રુવ્સ વૃક્ષોનું મહત્વ
- તે વૃક્ષો જમીનને ફળદ્રુપ બનાવવા અને તેની ક્ષમતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
- ચક્રવાતની અસર ઘટાડે છે.
- મેન્ગ્રુવ્સ દરિયા કિનારે રક્ષણ પૂરું પાડે છે.
- ભરતી અને ચક્રવાત સમયે તોફાની મોજાના કારણે ધોવાણને ઘટાડે છે.
- હાનિકારક શેવાળને કાંઠે વધતા અટકાવે છે.
- તે દરિયાઈ પર્યાવરણમાંથી 10-15 ટકા કાર્બન શોષી લે છે
- માછલી, પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, વન્યજીવન અને વનસ્પતિઓને આશ્રય પ્રદાન કરે છે.