ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. તો કેટલાક રાજકીય પક્ષોએ તો ઉમેદવારોની કેટલીક યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદાવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે આજે બીટીપી દ્વારા પણ ઉમેદવારોની પ્રથન યાદી જાહેર કરવામાં આવી છે, બીટીપીએ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે.
વિધાનસભા ચૂંટણીને લઇને BTPએ (ભારતીય ટ્રાયબલ પાર્ટી) ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.નાંદોદ બેઠક પર BTPએ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા. એક તરફ સમગ્ર ગુજરાતમાં આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલાવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ આદિવાસી પટ્ટામાં હવે કૉંગ્રેસ, ભાજપ, આપ અને બીટીપી એમ ચાર મોરચે લડત જોવા મળશે.
ગુજરાતના કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. રાજ્યમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે, એટલે કે આ 19 બેઠકો પર જીતવું હોય તો આદિવાસી મતદારોને રિઝવવા પડશે.