Gujarat Budget 2022-2023 Highlights : ચૂંટણી વર્ષમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઉપર ભાર આપતુ 2022-2023નુ પુરાંતવાળુ બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:13 PM

Gujarat State Budget 2022-23 Highlights નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, ગુજરાત વિધાનસભા સમક્ષ, ગુજરાતનું નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં 560.09 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં 12000 સુધીનો પગાર મેળવનારા 15 લાખ પગારદારોને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેના પગલે, ગુજરાત સરકારે વર્ષે 108 કરોડની આવકનો ઘટાડો થવાનો અંદાજ રાખ્યો છે.

Gujarat Budget 2022-2023 Highlights : ચૂંટણી વર્ષમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઉપર ભાર આપતુ 2022-2023નુ પુરાંતવાળુ બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ
ગુજરાતનુ નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર

ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું  560કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતમાં 12000 સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેના પગલે, ગુજરાત સરકારને વર્ષે 108 કરોડની આવક ઓછી થવાનો અંદાજ છે.  ગયા વર્ષ 2021-2022ની સરખામણીએ આગામી વર્ષના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાયો છે. 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાત સરકાર, તેની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાની સાથે, નાણાકીય ફાળવણી પણ વધારવામાં આવી છે.  ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે. જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2022 04:56 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ

    ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.

    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચાશે.

    નવજાત બાળકો, માતાને ઘરે પહોચાડવા નવા 90 ખિલખિલાટ વાહન ખરીદાશે.

    60થી80 વર્ષના નિરાધાર વૃદ્ધોને 750ને બદલે 1000નુ માસિક પેન્શન અપાશે.

    80 વર્ષથી ઉપરના લાભાર્થીને 1250નુ પેન્શન અપાશે.

    રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજનાના લાભાર્થીને મહિને 1000નું પેન્શન અપાશે.

    પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુ. જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગણેવશ માટે રૂ. 600ને બદલે રૂ.900 આપવામાં આવશે.

    ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ હવે 1 લાખને બદલે 2.5 લાખ સહાય અપાશે.

    સામાજીક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા શરુ કરાશે.

    આદિજાતિ ક્ષેત્રમાં નવી 8 MSME જીઆઈડીસી એસ્ટેટ રચવામાં આવશે.

    ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરાશે.

    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવાઈ

    ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેપ્ટીવ સોલાર, વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે.

    સુરતના તાપી નદીકાંઠાનો વિશ્વ બેંકની મદદથી વિકાસ કરાશે.

    ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરાશે.

    ડ્રોન સ્કીલ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરવામાં આવશે.

    શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ. 10ને બદલે રૂ.5માં ભોજન અપાશે. આ યોજના તમામે તમામ જિલ્લામાં લાગુ કરાશે.

    આદીજાતિ વિસ્તારમાં ગામથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા બનાવાશે.

    સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 218 કી.મી.ના રોડને 10 મીટર પહોળો કરાશે.

    ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી ખાતે 2 કિલોમીટરનો છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવાશે.

    વાહન વ્યવહાર નિગમ દ્વારા 50 ઈલેટ્રીક બસ ઉપરાંત BS-6 ધોરણની કુલ 1200 બસ ખરીદાશે.

    સુરત અને વડોદરા આરટીઓમાં વધારાનો ટેસ્ટ ટ્રેક બનાવાશે.

    સુરત-ગીફ્ટ સિટીમાં નવા પોલીસ સ્ટેશન બનાવાશે.

    કચ્છના ધોરડો, હાજીપીર, ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવાશે.

    વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી જિલ્લામાં જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવાશે.

    અમરેલી, વલસાડ અને સુરતમા માહિતી વિભાગની કચેરી બનાવાશે.

    ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

    વ્યારા ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથે ફુટબોલ ગ્રાઉન્ડ બનાવાશે.

    સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે સેન્ટર ફોર એક્સેલન્સ બનાવાશે.

    બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે.

    સુરેન્દ્રનગર ખાતે આર્યુવેદ કોલેજ શરૂ કરાશે.

    સુરતમાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીગ લેબોરેટરી સ્થાપવામાં આવશે.

    માછીમારોને અપાતા દરેકસ્તરના ડિઝલમાં 2 હજાર લીટરનો વધારો કરાશે

  • 03 Mar 2022 03:40 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : 12 હજાર સુધીનો પગાર મેળવનારા 15 લાખ લોકોને વ્યવસાયવેરો ભરવામાંથી મુક્તિ

    ગુજરાત સરકારે રુપિયા 12 હજાર સુધીનો પગાર મેળવનારા પગારદારોને રાહત આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતા, નાણાં પ્રધાને કહ્યુ કે રાજ્યમાં 6000થી 8999 સુધીનો પગાર મેળવનાર પાસેથી 80 અને 9000 થી 11,999 સુધીનો પગાર મેળવનાર પગારદાર પાસેથી પ્રતિમહિને રૂપિયા 150 વ્યવસાય વેરો વસુલવામાં આવતો હતો. આગામી નાણાકીય વર્ષ 2022-2023થી  રૂપિયા 12000 સુધીનો પગાર મેળવનારા પગારદારોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

  • 03 Mar 2022 03:17 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : 560.09 કરોડની પુરાંત વાળુ નવા કરભારણ વિનાનું અંદાજપત્ર

    નાણાં પ્રધાન કનુ દેસાઈએ, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં  560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. 12 હજારના માસિક પગારમા વ્યવસાયીક વેરા પર મુક્તિ આપવાની પણ જાહેરાત નાણા પ્રધાને કરી છે. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

  • 03 Mar 2022 03:10 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવાશે

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 517 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

    1. વર્ષ-૨૦૧૯માં યોજાયેલ ખેલ મહાકુંભમાં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો. ખેલ મહાકુંભ અંતર્ગત આગામી વર્ષ માટે 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
    2. વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    3. જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ(ડી.એલ.એસ.એસ.)માં 39 શાળાઓના અંદાજે ૪૩૫૦ વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    4. વડોદરા જિલ્લાના ડેસર ખાતે સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી માટે વધુ સુવિધાઓ વિકસાવવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    5. કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રની પ્રતિભાશાળી વ્યક્તિઓને અવસર પુરો પાડવા કલા મહાકુંભ અંતર્ગત 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    6. રાજપીપળા અને આહવા ખાતે જિલ્લા કક્ષાની તથા વઘઇ, તરસાડી કોસંબા, ડેડીયાપાડા, ભિલોડા અને ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાની અદ્યતન ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાયબ્રેરીના નિર્માણ માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    7. સુરત ખાતે રમતગમતની આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્‍ટર ઓફ એક્સેલન્‍સના નિર્માણ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    8. વ્યારા ખાતે ૨૦૦ ખેલાડીઓ માટે હોસ્ટેલના બાંધકામ અને ફોર લેન સિ‌ન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથેનું ફૂટબોલ ગ્રાઉ‌ન્ડ માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    9. પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા શકિતદૂત યોજના હેઠળ 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    10. છોટાઉદેપુર ખાતે મલ્ટીપર્પઝ ઇ‌ન્ડોર હોલ માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    11. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને યોગના પ્રચાર-પ્રસાર માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • 03 Mar 2022 03:05 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : સુરત અને ગીફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવાશે

    નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

    1.  પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે, ૨૨૫૬ વાહનો ખરીદવા 183 ની જોગવાઈ કરવામાં આવી છે.
    2.  ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની ૧૦૯૪ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેના માટે 41 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    3. પોલીસ ખાતા માટે ૪૮ હજારથી વધુ મકાનોનું નિર્માણ કરેલ છે. રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે 861 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    4. જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે 158 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    5. વિશ્વાસ પ્રોજેકટ તથા અન્ય આઈ.ટી. પ્રોજેકટ માટે 70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    6. ડ્રીમ સિટી સુરત અને ગીફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.
    7. બોર્ડર એરીયાની સિક્યોરીટી વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.
    8. ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત હાર્ડવેર અને સોફટવેરની ખરીદી કરવા માટે ૨૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    9. હાલની ટુ ફીંગરના સ્થાને ફાઇવ ફીંગર આધારિત ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે 34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    10. પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ જોગવાઈ 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    11. બોમ્બ ડીસ્પોઝલ એન્‍ડ ડીટેકશન સ્ક્વોડની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    12. જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
    13. રેપીડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ ટેસ્ટીંગ એનલાઇઝરની ખરીદી તેમજ સીરોલોજીકલ પદ્ધતિના બદલે લુપ મેડીએટેડ આઇસોથર્મલ એમ્પ્લીફિકેશન સિસ્ટમના સાધનોની ખરીદી માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • 03 Mar 2022 02:58 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 15568 કરોડની જોગવાઇ

    Gujarat State Budget 2022 Live Updates : સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ‌‌‌‌ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14 હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

    1. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે 1400 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    2. બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઇ 1046 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    3. તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા જોગવાઈ 734કરોડ.
    4. ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 100 કરોડની જોગવાઇ કરાઈ છે.
    5. વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને ૩૩ સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
    6. ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ 110 કરોડ.
    7. કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના ૫ હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે 60 કરોડની જોગવાઇ કરાઈ છે.
    8. આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે  50 કરોડની જોગવાઇ કરાઈ છે.
    9. એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત 41 કરોડ જોગવાઇ કરવામાં આવી છે.
    10. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે જોગવાઇ 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • 03 Mar 2022 02:49 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયરમાટે રૂ.94કરોડની જોગવાઈ

    Gujarat State Budget 2022 Live Updates : દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂ.94કરોડની જોગવાઈ કરાઈ છે. હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે રૂ. ૧૯૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

  • 03 Mar 2022 02:47 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. 160 કરોડની જોગવાઈ કરાઈ

    પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. 452 કરોડની કામગીરી માટે રૂ. 160 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

  • 03 Mar 2022 02:45 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. 161 કરોડની જોગવાઈ કરાઈ

    સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ 73 ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. 161 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • 03 Mar 2022 02:43 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. 308 કરોડની જોગવાઈ

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. 308 કરોડની જ્યારે પોઈચા વિયરની કામગીરી માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરાઈ છે.

  • 03 Mar 2022 02:41 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ

    Gujarat State Budget 2022 Live Updates : અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ખોરસમ - માતપુર - ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ. 19 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • 03 Mar 2022 02:39 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ચરોતરમાં રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી માટે રૂ. 14 કરોડની જોગવાઈ  કરાઈ

    Gujarat State Budget 2022 Live Updates :  કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ.200 કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે રૂ. 14 કરોડની જોગવાઈ  કરાઈ છે.

  • 03 Mar 2022 02:37 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડની જોગવાઈ

    સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂ. 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • 03 Mar 2022 02:30 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : કચ્છમાં 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનાવાશે

    કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

  • 03 Mar 2022 02:25 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : APMCમા હમાલને ટ્રોલી અપાશે, સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે

    સહકાર વિભાગની અનેક યોજનામાં કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવાશે.

    ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૫૦ કરોડ. કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ. સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. ૧૦ કરોડ. ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.૧૩ કરોડ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.

  • 03 Mar 2022 02:21 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : માછીમારોને મળતા રાહત દરના ડીઝલમાં ૨ હજાર લીટરનો વધારો કરવાની જાહેરાત

    મત્સ્યોદ્યોગ વિભાગની વર્તમાન વિવિધ યોજનાઓ માટે ગુજરાત સરકારે નાણાંકીય વર્ષ 2022-2023 માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.

    1. મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડ .
    2. માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર ૨ હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.
    3. સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. ૨૩૦ કરોડ.
    4. સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. ૭૫ કરોડ.
    5. પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -૨, માઢવાડ, પોરબંદર -૨ અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ.૨૦૧ કરોડ.
    6. સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૪૦ કરોડ.
    7. હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. ૨૬૪ કરોડ.
    8. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.
    9. આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.
    10. ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૫ કરોડ.
  • 03 Mar 2022 02:17 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓમાં કરાયો વધારો

    પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને બજેટ રજૂ કરતા જણાવ્યુ હતું

    1. પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરોડ
    2. ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.૫૦૦ કરોડ.
    3. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ.ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.૮૦ કરોડ.
    4. ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.૫૮ કરોડ. ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.૪૪ કરોડ.
    5. મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. ૨૪ કરોડ.
    6. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર કે ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. ૧૨ કરોડ.
    7. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.૮ કરોડ.
    8. કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.૧૩૭ કરોડ.
  • 03 Mar 2022 02:14 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : અમદાવાદ-બગોદરા-રાજકોટ સુધીના 201 કિલોમીટરના 6 માર્ગીય હાઇવે માટે 3350 કરોડની ફાળવણી

    અમદાવાદ-બગોદરા-રાજકોટ સુધીના 201 કિલોમીટરના 6 માર્ગીય હાઇવે માટે 3350 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1750 કિલોમીટર અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4500 કિલોમીટર ગ્રામ્ય રસ્તાઓ અને 200 જેટલા પુલો માટે 2208 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 03 Mar 2022 02:12 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગ ઉપર ફલાયઓવર સહિત 6 માર્ગીયકરણ માટે 570 કરોડ ફાળવ્યા

    વિશ્વબેન્કની સહાયથી હાથ ધરાયેલ મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગ ઉપર ફલાયઓવર સહિત 6 માર્ગીયકરણ માટે 570 કરોડ ફાળવ્યા છે. સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે હોવાનું કનુ દેસાઈ કહ્યુ હતું.

  • 03 Mar 2022 02:09 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 49 રસ્તાઓને ફોર લેનના બનવાશે

    ગુજરાતના મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર લેન બનાવવાની 2801 કરોડની કામગીરી હાથ ધરાશે.

  • 03 Mar 2022 02:07 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટી બનશે

    નાણાં પ્રધાન કનુ દેસાઈએ અંદાજપત્રમાં જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. સરકારની મહત્વની જાહેરાત અંગે તેમણે કહ્યુ કે, રાજ્યમાં પ્રથમ મેડિકલ યુનિવર્સિટી બનશે.

  • 03 Mar 2022 02:04 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ

    પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.

  • 03 Mar 2022 02:03 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : કૃષિ વિભાગની કઈ કઈ યોજના માટે કેટલા રૂપિયા ફાળવ્યા ?

    1. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.૨૩૧૦ કરોડ.
    2. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.
    3. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ.
    4. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. ૨૧૩ કરોડ.
    5. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.
    6. ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. ૮૧ કરોડ.
    7. ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. ૫૪ કરોડ.
    8. ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
    9. ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. ૩૨ કરોડ.
    10. વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.૨૦ કરોડ.
    11. ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. ૧૭ કરોડ.
    12. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. ૧૫ કરોડ.
    13. રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. ૧૦ કરોડ.
  • 03 Mar 2022 02:00 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : અમદાવાદ, જામનગર, ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરાશે

    અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવામાં આવશે. બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ કરાઈ છે. મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા માટેની જોગવાઈ  રૂ. ૧૦ કરોડ કરવામાં આવી છે.

  • 03 Mar 2022 01:57 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વીજ જોડાણ માટેની તમામ અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પૂર્વે કરાશે નિકાલ

    ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. ૮ હજાર ૩૦૦ કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

  • 03 Mar 2022 01:55 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પાણી પૂરવઠા, આરોગ્ય, મહિલા, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી

    પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12, 240 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 34, 884 કરોડની જોગવાઈ. કરાઈ છે. મિશન સ્ફુલ્સ ઓફ ઍક્સેલેન્સ યોજના હેઠળ 1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે 350 કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • 03 Mar 2022 01:51 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ચાલુ વર્ષે રૂપિયા 6369.75 કરોડની પુરાંત રહેવાની ધારણા

    વર્ષ 2021- 22નુ અંદાજપત્ર રજૂ કરતા સમયે, ચોખ્ખી લેવડદેવડના કારણે 587.88 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી.  પરંતુ વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડના કારણે સુધારેલા અંદાજમાં 6369.75 કરોડની પુરાંત રહેવાની ધારણા છે.

  • 03 Mar 2022 01:48 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ

    નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા નદી ઉપર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભુત બેરેજ યોજનાનું કામ ચાલુ છે, જેને માટે 1240 કરોડની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

  • 03 Mar 2022 01:47 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : સગર્ભા મહિલાઓને અપાશે પોષણક્ષણ આહાર

    સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી અપાશે પોષણક્ષમ આહાર આપવામાં આવશે.

  • 03 Mar 2022 01:46 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂપિયા 880 કરોડની જોગવાઈ

    નાણાં પ્રધાન કનુ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી હતી કે, મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સહકાર વિભાગમાં ખેડૂતોને ખરીફ, રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 5339 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 03 Mar 2022 01:44 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ

    ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 369 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે 300 કરોડની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે.

  • 03 Mar 2022 01:42 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત

    બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા આ જાહેરાત કરી હતી.

  • 03 Mar 2022 01:39 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પશુપાલકો અને માછીમારોને મળશે ટૂંકી મુદ્દતના ધિરાણમા રાહત

    પશુપાલકો અને માછીમારોને ટૂંકી મુદ્દતનું ધિરાણ રાહત આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 8થી10 હજાર કરોડનું ધિરાણ રહાત આપવામાં આવશે.

  • 03 Mar 2022 01:37 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : પશુપાલકો માટે નવી યોજનાની જાહેરાત

    પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને જાહેરાત કરી હતી.

  • 03 Mar 2022 01:36 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : હવેથી ખેડૂતોને ઉનાળુ અને રવિ પાકમાં પણ સહાય મળશે

    ખેડૂતો માટે કરાઈ જાહેરાત. હવેથી ખેડૂતોને ઉનાળુ અને રવિ પાકમાં પણ સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

  • 03 Mar 2022 01:34 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ખેડૂતોની આવક વધારવા સરકાર સક્રીય

    ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.

  • 03 Mar 2022 01:32 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ગુજરાતનો લોકોની માથાદીઠ આવક 2,14,809 થઈ

    ગુજરાતમાં લોકોની માથાદીઠ આવક 20 વર્ષમાં રૂ. 19823થી વધીને રૂ. 2,14,809 થઈ હોવાનુ નાણાં પ્રધાને, અંદાજપત્રની રજૂઆત કરતા જણાવ્યુ હતું.

  • 03 Mar 2022 01:29 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : 15 વર્ષથી ઉપરના લોકોને 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

    કોરોના સામે લોકોને સુરક્ષા પુરી પાડવા માટે ગુજરાતમાં 15 વર્ષથી મોટી ઉમરના લોકોને, કોરોના વિરોધી રસીના 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોવાનું કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા જણાવ્યુ હતું.

  • 03 Mar 2022 01:28 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાનની જગ્યા બદલાઈ

    બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાનની જગ્યા બદલાવામાં આવી છે. નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈને પ્રથમ હરોળમાં મહેસુલ પ્રધાનની બાજુમાં સ્થાન અપાયુ છે. સામાન્ય રીતે નાણાં પ્રધાનની બેઠક પ્રથમ હરોળમાં રહેતી હોય છે.

  • 03 Mar 2022 01:27 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વિધાનસભા ગૃહમાં 2022-2023નુ બજેટ રજૂ કરતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ

    નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાકીય વર્ષ 2022-2023નુ બજેટ રજુ કર્યુ હતુ. ક અને ખ ભાગમાં વહેચાયેલા બજેટના ક ભાગનું વાંચન નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં શરૂ કર્યુ છે.

  • 03 Mar 2022 01:11 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વિધાનસભા ગૃહમાં વિપક્ષે ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર

    કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોત્તરી મામલે  પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે સરકાર જવાબ કેમ નથી આપ્યા તે મુદ્દે ધારાસભ્યે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું આ પોઇન્ટ ઓફ ઓર્ડર નથી, બીજી નોટિસ આપશે તો જવાબ મળશે. આમ છતા, વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કર્યો હતો.

    પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કોંગ્રેસ પાસે માફીની માંગણી કરી હતી. "સરકારે હકીકતો છુપાવવાનો કર્યો છે પ્રયાસ" એવા શબ્દો અસંસદીય છે. એટલે પહેલા કોંગ્રેસ માફી માંગે પછી જ આગળની ચર્ચા થઈ શકે તેમ તેમણે કહ્યુ હતું. જો કે અધ્યક્ષે વિપક્ષે ઉઠાવેલા પોઈન્ટ ઓફ ઓર્ડર રદ કર્યો હતો.

  • 03 Mar 2022 12:56 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : વિપક્ષના હોબાળાના પગલે, અધ્યક્ષે ગૃહ મુલતવી રાખ્યુ

    વિપક્ષે ડ્રગ્સના મુદ્દે મચાવેલા હોબાળો બાદ, ગૃહની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરી શકાય તેમ ના હોવાથી, અધ્યક્ષે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી.

  • 03 Mar 2022 12:52 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ડ્રગ્સ મુદ્દે વિપક્ષે વિધાનસભા ગૃહમાં મચાવ્યો હોબાળો

    ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હોવાના મુદ્દે ગૃહપ્રધાન વિધાનસભા ગૃહમાં વિગતો જણાવી રહ્યાં હતા, તે સમયે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.

  • 03 Mar 2022 12:46 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હતો, જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો છે

    ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હતો, જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો  હોવાનુ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ, ડાર્ક વેબથી ડ્રગ્સ ડિલરોના કોન્ટોક્ટ કરવામાં આવતો હતો. ડ્રગ્સનું વેચાણ ક્રિપ્ટો કરન્સીથી કરવામાં આવતુ હતું. ૭૫ ડ્રગ્સ ડીલરોની તપાસમા વિગત બહાર આવી હોવાનુ હર્ષ સંધવીએ જણાવ્યુ હતું.

  • 03 Mar 2022 12:36 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : એલઆરડી પેપર લીક કાંડમાં પોલીસે 47 આરોપીઓ સામે ગુના નોંધ્યા

    ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નમાં ગૃહપ્રધાને જણાવ્યુ હતુ કે, એલઆરડી પેપર લીક કાંડમાં પોલીસે 47 આરોપીઓ સામે ગુના નોંધ્યા છે. એલઆરડી પેપર લીક કાંડમાં પોલીસે 47 આરોપીઓ સામે ગુના નોંધ્યા. પોલીસે 46 આરોપીઓને પકડ્યા જયારે એક આરોપીને પકડવાના બાકી છે. પોલીસ પકડથી દૂર રહેલા એક આરોપીને પકડવા વોરંટ મેળવ્યા છે.

  • 03 Mar 2022 12:31 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : ગાંધીનગર જિલ્લામાં 2 વર્ષમાં ખનિજ ચોરીની 140 ફરિયાદો મળી

    પ્રશ્નોતરી દરમિયાન ગુજરાત સરકારે લેખિતમાં જણાવ્યુ છે કે, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ખનિજચોરીની કુલ 140 ફરિયાદો મળી છે. ગાંધીનગરમાં 66, માણસામાં 44, દહેગામ 20, કલોલમાં 10 ફરિયાદો મળી છે. સરકારને ખનિજચોરીમાં 53 ફરિયાદ અરજી મળી છે. ફરિયાદ સ્વરૂપે મળેલ અરજીમાં રૂ. 7.10 લાખના દંડની વસુલાતનો હુકમ થયો હતો. મળેલી 77 ફરિયાદોમાં ગેરરીતિ ન હોવાનું સામે આવ્યું છે. 8 અરજીઓ હજુ કાર્યવાહી હેઠળ અને 53 ફરિયાદોમાં 101 આરોપીઓ પાસે 150.57 લાખ વસુલાત કરાઈ છે.

  • 03 Mar 2022 12:25 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : છેલ્લા 2 વર્ષમાં ACBના છટકામાં 99 પોલીસકર્મી પકડાયા, પણ સજા એકપણને નહી

    વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરાયા પૂર્વે, નિયમ મુજબ પ્રશ્નોતરીની કામગીરી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષમાં ACBના છટકામાં 99 પોલીસકર્મી પકડાયા, પણ સજા એકપણને નહી. 99 પોલીસકર્મીઓ પર લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો છે. ACBના ગુના સંદર્ભે 12.18 લાખ રૂ. કબજે કર્યા છે. આ ગુનાઓમાં કોઈપણ પોલીસકર્મીને સજા ન થયાનો સરકારનો સ્વીકાર કર્યો છે.

  • 03 Mar 2022 12:18 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : રેગ્યુલર બેગની જગ્યાએ, લાલ રંગના બોક્સમાં રખાયુ છે અંદાજપત્ર

    નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ૨૦૨૨-૨૦૨૩નુ અંદાજપત્ર રજૂ કરશે. નાણાં પ્રધાને રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોક્સ બજેટ પ્રવચન માટે રાખવામા આવ્યુ છે. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વરલી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરાવામાં આવી છે. સાથેસાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને પણ દર્શાવવામા આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે

  • 03 Mar 2022 12:12 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates : રોજગારી સર્જન કરતુ બજેટ હશે- નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ

    ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કર્યા પહેલા, પ્રતિભાવ આપતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યુ કે, આ બજેટમાં આંતરમાળખાકીય સવલતોને વધારનારુ, રોજગારીનું સર્જન કરતુ બજેટ હશે. વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનુ આ છેલ્લુ બજેટ છે. ભાજપે ક્યારેય પણ ચૂંટણીલક્ષી બજેટ આપ્યુ નથી. લોકોની સુખાકારીને વધારનારુ બજેટ હશે.

  • 03 Mar 2022 12:08 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates પ્રજાલક્ષી, સર્વસમાવેશી બજેટ હશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કહ્યુ કે, ગુજરાત સરકારનું 2022-23નું બજેટ પ્રજાલક્ષી હોવા સાથે સર્વ સમાવેશી હશે.

  • 03 Mar 2022 12:03 PM (IST)

    Gujarat State Budget 2022 Live Updates પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યુ બજેટ પ્રજાલક્ષી હશે

    ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાત સરકારના વર્ષ 2022-23ના બજેટ અંગે જણાવ્યુ હતુ કે, આ બજેટ પ્રજાલક્ષી હશે. ભાજપ સરકારે પ્રજા ઉપર નવા કોઈ જ કર લાદીને વધારાનું ભારણ નાખ્યુ નથી.

  • 03 Mar 2022 11:57 AM (IST)

    Gujarat State Budget 2022 Live Updates ગુજરાત રાજ્યના પહેલા બજેટનુ કદ રૂ. 114.92 કરોડ હતુ

    મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયા બાદ, ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ બજેટ 1960ના સપ્ટેમ્બરમાં રજૂ કરાયું હતું. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ બજેટનું કદ 114.92 કરોડનું હતુ.

  • 03 Mar 2022 11:53 AM (IST)

    Gujarat State Budget 2022 Live Updates ગયા વર્ષની સરખામણીએ 2022-2023ના બજેટમાં વધુ કરાશે નાણાકીય ફાળવણી

    ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકાર, ચૂંટણીવર્ષમાં અંદાજપત્ર રજૂ કરશે. વર્ષ 2022-2023ના વર્ષના બજેટમાં, ગયા વર્ષના બજેટની સરખામણીએ 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.

  • 03 Mar 2022 11:43 AM (IST)

    Gujarat State Budget 2022 Live Updates નાણાં પ્રધાન કનુ દેસાઈ વિધાનસભા સંકુલ પહોચ્યા

    ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ, નાણાં વિભાગના અધિકારીઓની સાથે ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે પહોચ્યા છે.

  • 03 Mar 2022 11:39 AM (IST)

    નીતિન પટેલે 9 વાર રજૂ કર્યા છે બજેટ

    નાણાં પ્રધાન તરીકે, નીતિનભાઈ પટેલે, અત્યાર સુધીમાં કુલ 9 વાર ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યુ છે.

  • 03 Mar 2022 11:21 AM (IST)

    વજુભાઈ વાળાએ સૌથી વધુ 18 વાર રજૂ કર્યુ છે બજેટ

    ગુજરાતમાં નાણાં પ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુવાર અંદાજપત્ર રજૂ કર્યુ છે. વજુભાઈએ, નાણાંપ્રધાન તરીકેની તેમની કારકિર્દીમાં કુલ 18 વાર અંદાજપત્ર રજૂ કર્યુ છે.

Published On - Mar 03,2022 11:19 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">