બાળકોને મધ્યાહન ભોજન (Mid day meal) યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા (plastic rice) હોવાની ગેરસમજ (Misunderstanding) કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારની સૂચનાથી આ બાબતને ગંભીરતાથી લઈને ફુડ રિસર્ચ લેબોરેટરી (FRL), ગાંધીનગર દ્વારા આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામા આવ્યા છે. આ ચોખા પ્લાસ્ટિકના ચોખા નહિ પરંતુ પોષણયુક્ત ફોર્ટિફાઇડ ચોખા છે. બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા મૂળભૂત ચોખામાં પ્રોસેસ કરી પોષણયુક્ત (nutritious) ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે તેમ લેબોરેટરી ટેસ્ટના અંતે ફુડ રિસર્ચ લેબોરેટરીના પ્રોજેક્ટ હેડ તેમજ ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી.સંઘવીએ જણાવ્યું હતું.
બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા મૂળભૂત ચોખામાં પ્રોસેસ કરી પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે, ફોર્ટિફાઇડ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ ફોલીક એસીડ (વિટામીન B9), વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરવામા આવે છે, માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મુળ ચોખાના દાણા કરતા સહેજ જુદા રંગના, થોડા પીળાશ પડતા અને આકારમાં પણ થોડા જુદા હોય છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક તુષાર ધોળકિયાએ આ અંગે વધુ વિગત આપતા કહ્યું છે કે, ફોર્ટિફાઇડ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ – ફોલીક એસીડ (વિટામીન B9), વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરવામાં આવે છે. નાગરિક પુરવઠા નિગમના એક્ઝક્યુટિવ ડાયરેકટર સંજય મોદીએ જણાવ્યું કે, માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મુળ ચોખાના દાણા કરતા સહેજ જુદા રંગના-થોડા પીળાશ પડતા અને આકારમાં પણ થોડા જુદા હોય છે.
ભારત સરકાર દ્વારા એપ્રિલ-2021થી સમગ્ર દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના (MDM) હેઠળ વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરી છે. ચોખાના જ લોટમાંથી ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે. તેમાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ – ફોલીક એસીડ, વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરી, તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણા તૈયાર કરવામા આવે છે. તેને તાંત્રીક ભાષામાં FRK (Fortified Rice Kernel) કહેવામા આવે છે. આ ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખામાં 100ઃ1 ના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.
પોષણક્ષમ ફોર્ટિફાઈડ ચોખા (fortified rice) મધ્યાહન ભોજન યોજના (MDM) હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં શાળાઓ બંધ હોવાથી આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઈ જઈને રાંધીને તેનો વપરાશ કરે છે, જેથી ફોર્ટિફાઈડ ચોખા દેખાવમાં સહેજ અલગ રંગ અને આકારના જણાતા હોઈ સામાન્ય નાગરિકોમાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તી રહી છે.
રાજ્યના નાગરિકોમાં પ્લાસ્ટિકના ચોખા અંગે ગેરમાન્યતા પ્રવર્તતા રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે આવેલી ફુડ રિસર્ચ લેબોરેટરીને આ અંગે સ્થળ મુલાકાત લઈ હકિકટલક્ષી અહેવાલ આપવા આદેશ કર્યા હતા. જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સંચાલિત ફુડ રિસર્ચ લેબોરેટરી (FRL) દ્વારા વૈજ્ઞાનિક ઢબે જરૂરી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામા આવ્યા છે.
ફોર્ટિફાઈડ ચોખા રાંધતા મુળભુત ચોખાની જેમ જ રંધાઈ જાય છે, તેને બાળવામાં આવે તો પ્લાસ્ટીક જેવી દુર્ગંધ આવતી નથી તેમજ આ ચોખા પાણીમાં નાખવાથી ફૂલીને પોચા પણ પડી જાય છે. પંચમહાલના શહેરા તાલુકામાં, સુરતના માંગરોળ તાલુકામાં તેમજ નવસારી અને વલસાડના અલગ અલગ ગામોમાં કેમ્પ કરીને આ ટીમો દ્વારા તબક્કાવાર જાહેરમાં ચોખાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફુડ રિસર્ચ લેબોરેટરીના ટેક ઓફિસર શ્રી જી.પી.દરબાર તથા તેમની ટીમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વૈજ્ઞાનિક ઢબે કરાયેલી ચકાસણીમાં આ પ્લાસ્ટિકના ચોખા નહીં પરંતુ ફોર્ટિફાઇડ પોષણયુક્ત ચોખા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ Kutch: હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી પાડી, બોટમાં આવેલા લોકોની શોધખોળ
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ કેસમાં તપાસ કમિટીની એક ટીમ રાજકોટ પહોંચી, નિવેદનો નોંધી કડીઓ મેળવવાની કોશિશ કરાઈ