મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ
કમલમ ખાતે મોદી સાથેની બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે.
તારીખ 11 અને 12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે ગઈકાલે રાત્રે ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ (BJP) કોર ગ્રુપની મળી બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત પીએમ મોદીના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે ચર્ચા થઈ હતી.
કમલમ ખાતે મોદી સાથે રાજ્યના સાંસદો અને ધારાસભ્યો સહિતના ટોચના નેતાઓની બેઠક યોજાશે જેમાં પીએમ મોદી મિશન 2022નું બ્યુગલ ફૂંકશે તેવું માનવામાં આવે છે. આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ (Ahmedabad) ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનારા ખેલ મહાકુંભ (Khel Mahakumbh)નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના 12મી માર્ચે સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર લોકોએ સ્ટેડિયમથી અડધા કિલોમીટરથી લઇ એક કિલોમીટર ચાલીને આવવું પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમમાં આવનારા VVIP અને બસોના પાર્કિગ માટેના સ્થળ નક્કી કરી દેવામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલા ડ્રોપ સ્થળેથી લોકોએ ચાલીને સ્ટેડિયમમાં પહોંચવાનું રહેશે. મહત્વનું છે કે 300થી વધુ AMTS બસોમાં વિવિધ વોર્ડમાંથી આવનારા લોકોને ક્યાં સ્થળે ઉતારવા અને તેઓની બસના પાર્કિગ સ્થળો નક્કી કરી દેવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમથી બે કિલોમીટર દૂર વાહન પાર્કિંગ સ્થળ નક્કી કરાયા છે.
ઉલ્વલેખનીય છે કે ડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 11 અને 12 માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ એ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા પણ હાજરી આપશે.