Gandhinagar: રોગચાળો બેકાબૂ બનતા તબીબી ટીમના કલોલમાં ધામા, એક સપ્તાહમાં 500થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
રોગચાળાને લઇને અર્બન હેલ્થ સેન્ટરમાં 24કલાક માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે જેનો નંબર 027640 229022 પણ જાહેર કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કન્ટ્રોલ રૂમ અંગેની જાણકારીનાં બેનર-પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી રોગચાળો (Epidemic) વકર્યો છે. કલોલમાં 8 માસના માસૂમનો ભોગ લેનારો રોગચાળો અઠવાડિયા બાદ પણ બેકાબૂ છે. ત્યારે કલોલ (Kalol)માં ઝાડા ઉલ્ટીના (diarrhea- vomiting) વધુ નવા 51 કેસ નોંધાયા છે. જેની સાથે જ ઝાડા ઉલટીના કુલ કેસનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે. રોગચાળાએ આરોગ્ય તંત્રને દોડતુ કરી દીધુ છે.
કલોલમાં ઝાડા ઉલટીના વધુ 51 કેસ નોંધાયા છે. જેની સાથે એક અઠવાડિયામાં નોંધાયેલા ઝાડા ઉલટીના કેસ 524 થયા છે. જેમાંથી 26 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ રોગચાળાને ડામવા માટે તંત્ર દ્વારા 68 સોસાયટીઓમાં પાણીનો પુરવઠો બંધ કરી દીધો છે. બેકાબૂ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તબીબોની ટીમે પણ કલોલમાં ધામા નાખ્યા છે.
રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 40 ટીમ કાર્યરત છે, જેમાં 8 મેડિકલ ઓફિસર અને 92 પેરા મેડિકલ સ્ટાફ સતત મોનીટરિંગ કરે છે. અત્યાર સુધી 22,880 ક્લોરિન ટેબલેટ આપવામાં આવી છે સાથે 22,717 ORSનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત 59 સોસાયટીમાં નળથી પાણી બંધ કરવામાં આવ્યું છે અને હાલ નગરપાલિકા દ્વારા પીવા અને ઘર વપરાશનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વહીવટી તંત્રએ ટીમ બનાવી 3,530 ઘરોની મુલાકાત લીધી હતી અને 12 હજારથી પણ વધુ લોકોનો સર્વે કર્યો હતો. એટલું જ નહીં જ્યાં સુધી કેસ કાબુમાં ન આવે ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં બરફ ગોળા ,શેરડીના કોલા પાણી પૂરીની લારીઓ બંધ રાખવા આદેશ કરાયો છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં 24કલાક માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, જેનો નંબર 027640 229022 પણ જાહેર કરવામાં આવ્યો છે. રોગચાળાને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં કન્ટ્રોલ રૂમ અંગેની જાણકારીનાં બેનર-પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. કલોલ CHCમાં બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયન ડોકટરની પણ સતત સેવા શરૂ કરી દેવાઈ છે.
કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઇ રહ્યા છે. કલોલમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે.
આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર
આ પણ વાંચો- Devbhumi Dwarka: મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે તંત્રની તૈયારીઓ, પદયાત્રીઓ માટે કેટલાક જાહેરનામા અમલી