પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા પરેશાન, ગુજરાત સરકાર માલામાલ, વર્ષ 2021માં પેટ્રોલ-ડીઝલ પરના વેટથી 46% કમાણી વધી
ગુજરાત વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ પૂછેલા એક સવાલના જવાબમાં આ આંકડા સામે આવ્યા છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી સરકારની આવકમાં વધારો થઇ રહ્યો છે.
છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel) વધતા જતા ભાવોથી (Rising prices) પ્રજા પરેશાન થઇ ગઇ છે. બીજી તરફ આ જ પેટ્રોલ-ડીઝલના વેટથી ગુજરાત સરકારની કમાણી વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલ કરાતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં 46 %નો વધારો થયો છે. આ આંકડા ગુજરાત વિધાનસભામાં (Assembly) થયેલી પ્રશ્નોત્તરીના જવાબમાં ખુદ રાજ્ય સરકારે આપેલા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સરકારનો પેટ્રોલ પર વસૂલવામાં આવેલો VAT રૂપિયા 3,919.76 કરોડથી વધીને 5,865.43 કરોડ થયો. જ્યારે ડીઝલ પર વસૂલવામાં આવેલો VAT રૂપિયા 8,753.58 કરોડથી વધીને 12,551.38 કરોડ થયો છે.
ગુજરાત વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ પૂછેલા એક સવાલના જવાબમાં આ આંકડા સામે આવ્યા છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી સરકારની આવકમાં વધારો થઇ રહ્યો છે. જો કે બીજી તરફ એક અન્ય પાસુ પણ જોવા મળી રહ્યુ છે. એક પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરના જણાવ્યા અનુસાર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો છે. જેના કારણે પણ સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની વેટની વસુલાત વધી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરનના જણાવ્યા અનુસાર કોરોના મહામારીની બીજી લહેર બાદ માર્કેટ ખુલી જતાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ વધારો થયો. જેમ-જેમ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી તેમ-તેમ વર્ષ 2021ના બીજા છ માસમાં ડીઝલની ડિમાન્ડમાં વધારો થયો હતો. જે અંદાજે 20 ટકા જેટલો વધારો હતો.
કોરોના મહામારી બાદ વપરાશ વધ્યો
ગત વર્ષે એટલે કે એપ્રિલ 2021માં 15 એપ્રિલથી 3 નવેમ્બર દરમિયાન પેટ્રોલની કિંમતમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો હતો. જેમાં 1 લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 87.57થી વધીને 106.65 રૂપિયા પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ડીઝલની 1 લીટરની કિંમત રૂપિયા 86.96થી વધીને 106.1 પર પહોંચી ગઈ હતી. તો તાજેતરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
ગઇકાલે એટલે કે 31 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. તો 30 માર્ચના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લાં 10 દિવસમાં 8મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 101.01 રુપિયા અને ડીઝલનો ભાવ રુપિયા 92.27 પ્રતિ લીટર છે.
આ પણ વાંચો-
રાજકોટ : પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, કોંગ્રેસે પાટીદારોને સંગઠનમાં સ્થાન આપવાની બાંહેધરી આપી
આ પણ વાંચો-