આરોગ્ય મંત્રીએ ગૃહમાં આરોગ્ય સુવિધાને લગતી આપી માહિતી, કહ્યુ-PMJAY યોજના હેઠળ સારવાર આપતુ શ્રેષ્ઠ મોડેલ ગુજરાતમાં કાર્યરત
આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને 146 કરોડની સહાય ચૂકવાઇ છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ગુજરાતમાં ગરીબ મધ્યમ પરિવારોને સહાયરૂપ થવા કરાયેલા કામની માહિતી આપી. તેમણે જણાવ્યુ કે ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.
અરવલ્લી અને સાબરકાંઠામાં 66,460 દર્દીઓને અપાઇ સહાય
આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને 146 કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.
ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં મા અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMJAY યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને PMJAY યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો,ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ PMJAY યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પાલીતાણામાં 232 કરોડના ખર્ચે નવી હોસ્પિટલનું નિર્માણ કરાશે
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે 232 કરોડ રુપિયાના ખર્ચે જિલ્લાકક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે 97.50 લાખની જોગવાઈ પણ કરાઇ છે.
વિધાનસભામાં પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકે સર-ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં 2 પેટા જિલ્લા હોસ્પિટલ, 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પાલીતાણા ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં 424 પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે.