મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડૉ. અનિલ જોશિયારાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે.
ગુજરાત વિધાનસભા ગૃહ (Gujarat Legislative Assembly) ના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા (Anil Joshiara) ના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે ભીલોડાના ધારસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી. જોકે રીકવરી આવી શકી નહોતી અને મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું. જાણવા મળી રહ્યું છે કે ડો અનિલ જોશિયારાના વતન ભિલોડામાં આવતી કાલે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
69 વર્ષીય ડો. જોશીયારા ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. 24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા