કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર, મહિલાઓ પણ રાત્રે કરી શકશે 12 કલાકની નોકરી
આ વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે, કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 મંજૂર કરવામાં આવ્યું હતું. આ વિધેયક રજૂ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 1948માં અમલમાં આવેલા મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હતી, પરંતુ આ સુધારા વિધેયકમા દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.
બલવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.
હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના 6 થી સાંજના 7 વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતુ નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજુરી આપી શકે છે. વળી, રાત્રીના 10 થી સવારના 5 કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાય નહિ તેવી સ્પષ્ટતા પણ મંત્રી ગૃહમાં કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કારખાના ધારા, 1948માં મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હોવા છતાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, સ્વતંત્રતા, વ્યવસાય કરવાના અને આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને લઈને ગુજરાત ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવિત વિધેયકમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, આ વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.
વડાપ્રધાનશ્રીએ “બેટી બચાઓ, બેટી પઢાઓ”નું સુત્ર આપ્યું. છે. “બેટી પઢાઓ” પછી ‘‘બેટી આગે બઢાઓ‘‘ એટલે કે ભણેલ ગણેલ અને કૌશલ્ય પ્રાપ્ત કરેલ બહેનો-દિકરીઓને રોજગારીની વધુને વધુ તક આપવામાં આવે, તેઓ આર્થિક કમાણી કરી શકે અને પગભર થઇ સ્વમાનભેર જીવી શકે તે માટે 16 જેટલી શરતોએ મંજૂરી આપવા અંગેની જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે. રાત્રી પાળીમાં સ્વેચ્છાએ કામ કરતી મહિલા શ્રમિકોને તેના ઘર-કુટુંબ માટે દિવસ દરમિયાન સમય મળી રહેશે. આમ તે “ગૃહીણી” ની સાથે-સાથે “ગૃહલક્ષ્મી”ની ભૂમિકા પણ અસરકારક રીતે ભજવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અત્યાર સુધી રોજના 9 કલાક લેખે અઠવાડીયામાં મહત્તમ 48 કલાક કામ લેવાની કારખાના ધારામાં જોગવાઇ છે અને તેના કરતા વધારે સમય કામ કરે તો એટલે કે ઓવરટાઇમ કરે તો કામદારને ઓવરટાઇમ મળવાપાત્ર થાય છે. હવે રાજ્યમાં એવા ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે કે જેઓને તેમની ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડતી હોય છે અને તો જ તેઓ તેમના ઉત્પાદનમાં પ્રોસેસ કે માલસામાન સંબંધી કોઇ નુકસાન વગર સારી રીતે ઉત્પાદન કરી શકે. આવા સંજેાગોમાં વારંવાર શીફ્ટ બદલવાથી તેઓને ઉત્પાદનમાં કે ઉત્પાદનની ગુણવત્તામાં નુકસાન જાય એમ છે.
પરંતુ જો કામદાર તેની પોતાની સંમતિથી અને રિસેસ વગેરે ભોગવવા સાથે જો 12 કલાક કામ કરવાની તૈયારી બતાવે તો તેવા કામદારોને કામે રાખીને આવા ખાસ ઉદ્યોગ પોતાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી કરી શકે અને તે સામે કામદારોને તેમના કામનું પૂરતું વળતર મળી રહે. આ માટે વિધેયકમાં જેાગવાઇ થયા પ્રમાણે રાજ્ય સરકાર જાહેરનામાથી રિશેસ સાથે રોજના 12 કલાક પરંતુ અઠવાડીયામાં માત્ર 48 કલાક જ કામ કરવા માટે મંજૂરી આપી શકશે તેમ બલવંતસિહ રાજપૂતે ઉમેર્યુ હતું.
ગુજરાત વિધાનસભાના વર્ષમાં બે સત્ર યોજાય છે. ખાસ કરીને ચોમાસુ અને બજેટ સત્ર યોજાતા રહે છે. વિધાનસભાને લગતા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.