GPSC: ’12-12 એ ઘણા લગ્ન છે, પરીક્ષા પાછળ લેવા વિનંતી’, યુઝરની આ વાતનો દિનેશ દાસાએ આપ્યો જોરદાર જવાબ
GPSC ની પરીક્ષાની જાહેરાત થયા બાદ પરીક્ષા અંગેની એક ટ્વીટ વાયરલ થઇ છે. જેમાં એક યુઝરના પ્રશ્નનો GPSC ના અધ્યક્ષ દિનેશ દાસાએ જોરદાર જવાબ આપ્યો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જ આગામી ભરતી અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને એક મજેદાર કિસ્સો સામે આવ્યો છે. આ પરીક્ષા અંગેની ટ્વીટ એક વાયરલ થઇ છે. જેમાં એક યુઝરના પ્રશ્નનો GPSC ના અધ્યક્ષ દિનેશ દાસાએ જવાબ આપ્યો છે.
વાત જાણે એમ છે કે ગઈકાલે આગામી ભરતી ટ્વીટ GPSC ના હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેને દિનેશ દાશાએ રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘તા.12/12/2021 લગ્ન માટેનું સારું મુહૂર્ત છે, ગઈ સાલ કોવિડના કારણે ઘણા લોકોના લગ્ન બંધ રહેલ અને આ વર્ષે ઘણા ઉમેદવારો કે તેમના રિલેટિવમાં આ દિવસે પણ લગ્ન હશે, તો એક રવિવાર પરીક્ષા પાછળ લેવામાં આવે તેવી વિનંતી’.
આ કોમેન્ટનો મજેદાર જવાબ દિનેશ દાસાએ આપ્યો હતો. અને બાદમાં આ જવાબ ખુબ વાયરલ થયો. તેમણે લખ્યું કે, ‘જીપીએસસીએ પણ મહારાજ પાસે જોવડાવીને જ શુભમુહ્રતે ૧૨/૧૨ એ પરીક્ષા નક્કી કરેલ છે. ( મહારાજનું સરનામું/ફોન નંબર બાબતે કોઈ પુછપરછ કરવી નહીં ) શુભેચ્છાઓ !’
….જીપીએસસીએ પણ મહારાજ પાસે જોવડાવીને જ શુભમુહ્રતે ૧૨/૧૨ એ પરીક્ષા નક્કી કરેલ છે. ( મહારાજનું સરનામું/ફોન નંબર બાબતે કોઈ પુછપરછ કરવી નહીં ) શુભેચ્છાઓ ! 😀
— Dr. Dinesh Dasa (@dineshdasa1) September 21, 2021
બાદમાં દિનેશ દાસાએ એમ પણ લખ્યું હતું કે, ‘આમ છતા નજીકની બીજી તારીખ ( પરીક્ષા માટે, લગ્ન માટે નહીં ) જોવડાવવાનો વિકલ્પ ખુલ્લો છે.’ બાદમાં આ ટ્વીટના સ્ક્રીનશોટ્સ ખુબ વાયરલ થયા હતા.
….આમ છતા નજીકની બીજી તારીખ ( પરીક્ષા માટે, લગ્ન માટે નહીં ) જોવડાવવાનો વિકલ્પ ખુલ્લો છે.
— Dinesh Dasa (@dineshdasa1) September 22, 2021
તમને જણાવી દઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar : GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-1, 2 અને 3 ની કુલ 215 જગ્યાઓ માટે ભરતી જાહેરાત
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 25 કરોડના હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ