સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ડ્રગ્સ માફિયાઓના ઠેકાણાઓ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ

Mohit Bhatt

Mohit Bhatt | Edited By: Mina Pandya

Updated on: Oct 01, 2022 | 5:03 PM

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્ર્ગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ હવે તેમના આશ્રયસ્થાનો પર તવાઈ શરૂ કરી છે. ગુજરાત પોલીસે આ ડ્રગ માફિયાઓના ઠેકાણાઓ પર ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરીછે. સૌરાષ્ટ્રની દરિયાઈપટ્ટી પર આ કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ડ્રગ્સ માફિયાઓના ઠેકાણાઓ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ
ગીર સોમનાથ

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયા (Drugs Mafia)ઓ સામે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી (Coastal Area) પર આ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથમાં 12 દબાણો દૂર કરાયા

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશના ભાગરૂપે ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગીર સોમનાથના 100 કિલોમીટરથી વધારેના કોસ્ટલ વિસ્તારમાં આજે સવારથી લેન્ડિંગ પોઇન્ટની બાજુમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે 12 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ટૂંકા ગાળામાં ગીર સોમનાથ પોલીસે 5 કરોડથી વધારેની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં પણ કાર્યવાહી

ગુજરાત પોલીસ દ્વારા દેવભૂમિ દ્વારકામાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે દ્વારકાના બેટ પંથકમાં રાજકોટ રેન્જ આઈ.જી. સંદીપ સિંહની આગેવાનીમાં પાંચ જિલ્લાના SP, DYSP અને SRPની બે કંપની સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા ટીયર ગેસના સેલ, બુલેટ પ્રૂફ જેકેટ સહિતની સામગ્રી સાથે સજ્જ થઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બેટ સુધી પહોંચવા માટે ચાલતી ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

કચ્છ અને પોરબંદર પણ થશે કાર્યવાહી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક મહિના પહેલા કચ્છના જખૌ બંદર પર આ પ્રકારના દરિયાઈ પટ્ટી નજીક આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તે અંગેની કાર્યવાહી સતત ચાલુ જ છે. આ ઉપરાંત પોરબંદરમાં પણ નજીકના દિવસોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં જ મળી આવ્યા હતા ચરસના બીનવારસી પેકેટ

અહીં એ પણ મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કચ્છ પોરબંદર ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારોમાંથી ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ગુજરાતના દરિયાઈ માર્ગેથી દેશમાં ઘુસાડવાનો એક પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસની આ કાર્યવાહીને કારણે ડ્રગ્સ માફિયાઓના આશ્રયસ્થાન પર મોટી કાર્યવાહી કહી શકાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati