35 લાખમાં ગેરકાયદે અમેરિકા જવા સોદો થયો, એક્વાડોરમાં 35 દિવસ ગોંધી રખાયો, બોર્ડર ક્રોસ કરતા પકડાયો, જાણો સમગ્ર ઘટના
સુરતના ડીડોંલીના રામી પાર્કમાં રહેતા મૂળ હરિયાણાનો એક યુવક વિદેશ જવાના સ્વપ્ન જોતો રહેતો હતો. એક દિવસ તેને અબ્દુલ નામનો એક વ્યક્તિ મળ્યો હતો. જેણે લોકોને ગેરકાયદે અમેરિકા મોકલનાર એજન્ટ તરીકેની ઓળખ આપી હતી. આ યુવકને પણ અમેરિકા મોકલવા અને ત્યાં તેને રહેવા, જમવા તેમજ કામધંધાની વ્યવસ્થા થઈ જશે તેમ કહીને વિશ્વાસ કેળવ્યો હતો. હરિયાણાના […]

સુરતના ડીડોંલીના રામી પાર્કમાં રહેતા મૂળ હરિયાણાનો એક યુવક વિદેશ જવાના સ્વપ્ન જોતો રહેતો હતો. એક દિવસ તેને અબ્દુલ નામનો એક વ્યક્તિ મળ્યો હતો. જેણે લોકોને ગેરકાયદે અમેરિકા મોકલનાર એજન્ટ તરીકેની ઓળખ આપી હતી. આ યુવકને પણ અમેરિકા મોકલવા અને ત્યાં તેને રહેવા, જમવા તેમજ કામધંધાની વ્યવસ્થા થઈ જશે તેમ કહીને વિશ્વાસ કેળવ્યો હતો.
હરિયાણાના મૂળ યુવાને ગેરકાયદે અમેરિકા જવા માટે અબ્દુલને રૂપિયા 35 લાખ રોકડા ચૂકવ્યા હતા. પરંતુ હરિયાણાનો આ યુવાન અમેરિકા પહોચતા જ યુએસ આર્મીના હાથે ઝડપાઈ ગયો અને યુએસ આર્મીના વિમાનમાં ભારત પાછો મોકલી દેવાયો. હરિયાણામાં આવ્યા બાદ આ યુવાને લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કામ કરતા એજન્ટ સામે હરિયાણામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે સુરત પોલીસ પાસે ઝીરો નંબરથી આવતા સુરત પોલીસે એજન્ટ અબ્દુલ અને તેના મળતીયાઓને શોધવાની કવાયત હાથ ધરી છે.
હરિયાણા પોલીસ સમક્ષ ઝીરો નંબરથી લખાયેલ એફઆઈઆરમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, આ બનાવમાં વર્ષ 2024માં ફરિયાદી ડીંડોલીના રામી પાર્કમાં રહેતો હતો, જ્યાં તેનો સંપર્ક અબ્દુલ સાથે થયો હતો. અબ્દુલ પોતે USA મોકલવા માટે એજન્ટનું કામ કરતા હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. તેણે ઘણા લોકોને અગાઉ USA મોકલ્યા હોવાનુ જણાવ્યું હતું. અમેરિકામાં રહેવા, જમવાનું અને કામ પણ અપાવવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેને આધારે ફરિયાદીએ અબ્દુલને રૂપિયા 35 લાખ આપ્યા હતા. જેમાં ફરિયાદી 6 ઓગસ્ટ 2024ના રોજ અબ્દુલે મુંબઇ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને ફરિયાદીને મોકલી આપ્યો હતો. જ્યાં એરપોર્ટ ઉપર અબ્દુલનો બીજા એજન્ટ પ્રદીપનો સંપર્ક કરવા માટે કહ્યું હતું.
ફરિયાદીએ પ્રદીપનો સંપર્ક કર્યા બાદ તેની પાસેથી સીમ અને પાસપોર્ટ લઈ લેવાયો હતો. મુંબઈ એરપોર્ટથી ફરિયાદી સૌપ્રથમ વખત સીધો બ્રાઝિલ પહોંચ્યો હતો. જ્યાં બ્રાઝિલમાં 10 દિવસ રોકાયા બાદ અબ્દુલના અન્ય એજન્ટે ફરિયાદીને એક્વાડોરમાં લઈ ગયો હતો. એક્વાડોરમાં ફરિયાદીને એક જેલના કેદીની જેમ 35 દિવસ સુધી રૂમમાં રાખ્યો હતો. જ્યાં ફરિયાદીને શંકા જતા અબ્દુલનો સંપર્ક કર્યો હતો, જેમાં અબ્દુલએ બહાના કાઢવાના શરૂ કર્યા હતા. ફરિયાદીએ પૈસા પરત માંગતા અબ્દુલે વિદેશમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ફરિયાદી ગમે તે રીતે એક્વાડોરનું બોર્ડર ક્રોસ કરી USA માં પ્રવેશ કર્યો હતો. ફરિયાદી બોર્ડર ક્રોસ કરતા જ USA પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જેમાં ગત 16 ફેબ્રુઆરી 2025ના રોજ USA પોલીસે ફરિયાદીને આર્મી એરોપ્લેનમાં ભારત મોકલી આપ્યો હતો. હાલ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ તપાસ સુરત SOG પોલીસને સોંપી છે.