Breaking News: આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં કાચનો ટુકડો નીકળતા AMC એ ફટકારી નોટિસ, ફુડ સેફ્ટી અંગે થશે તપાસ
અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં વિદ્યાર્થીને કાચનો ટુકડો નીકળ્યો હતો. જે બાદ શાળાના ઉદ્ધતાઈપૂર્ણ વર્તનને કારણે વાલીઓએ શાળાએ જઈ હોબાળો કર્યો હતો અને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાલીઓના હોબાળા બાદ AMC એ પણ ઘટનાનું સંજ્ઞાન લઈ કેન્ટીનને નોટિસ ફટકારાઈ છે.

અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ મંગળવારની બપોરે જાણે વિવાદનો અખાડો બની ગઈ હતી. સ્કૂલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં વિદ્યાર્થીને કાચનો ટુકડો નીકળ્યા બાદ શાળા દ્વારા ભૂલ સ્વીકારી વાલીનો સહયોગ કરવાને બદલે જાણે પાપ છુપાવવાનો પ્રયાસ થયો હતો. વાલીઓએ બાળકનો રિપોર્ટ કરાવવા માટે શાળા સમક્ષ કાચનો ટુકડો આપવાની માગ કરી હતી. પરંતુ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીના વાલી સાથે ઉદ્ધતાઈપૂર્ણ વર્તન કરવામાં આવ્યુ હતુ. જે બાદ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બની જતા પોલીસે દરમિયાનગીરી કરી તમામ લોકોને શાંત કર્યા હતા.
હાલ શાળાના ફુડમાંથી કાચનો ટુકડો મળતા વાલીઓની ફરિયાદ બાદ AMC એ પણ કાર્યવાહી કરી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા શાળાની કેન્ટીનને નોટિસ ફટકારવામાં આવી છે. કેન્ટીનનું સંચાલન કરનારા કર્મચારીને આ નોટિસ ફટકારાઈ છે. શાળામાં હોબાળા અને DEO દ્વારા અપાયેલી સૂચના બાદ AMC દ્વારા નોટિસ મોકલી તેમનો ખૂલાસો માગવામાં આવ્યો છે.
બીજી તરફ DEO એ પણ શાળાને કેન્ટીન બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. જ્યાં સુધી ફુડ સેફ્ટી અંગેનું સર્ટિફિકેટ સબમિટ ન કરવામાં આવે ત્યાં સુધી શાળાની કેન્ટીન બંધ રાખવાનો આદેશ કર્યો છે. AMCનું આરોગ્ય વિભાગ શાળા પાસે ફૂડ સેફ્ટી સર્ટીફિકેટ છે કે નહીં એ અંગે તપાસ કરશે અને તેમના ફુડ ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે. કેન્ટીન સંચાલકથી લઈ ઘટનામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ?
શીલજની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા આપવામાં આવતા ભોજનમાંથી વિદ્યાર્થીને કાચનો ટુકડો મોં માં આવ્યો હતો. જે બાદ વાલીને જાણ કરતા વાલીએ સ્કૂલે જઈ રજૂઆત કરી હતી. પરંતુ શાળાએ લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યુ અને સમગ્ર ઘટનાને છુપાવવાની કોશિશ કરી. વાલીને સહયોગ કરવાને બદલે તેમને ઉડાઉ જવાબો આપ્યા. જે બાદ વાલીઓએ શાળાએ જઈ હંગામો કર્યો હતો.
આ દરમિયાન શાળાનો અન્ય વિવાદ પણ સામે આવ્યો છે. જેમા વિદ્યાર્થીઓને ફાસિઝમને લગતા અને એન્ટી ઈન્ડિયન નિવેદનો કરનારી મલાલા યુસુફ જઈની આત્મકથા જેવા પુસ્તકો વાંચવામાં આપતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો. આ તમામ મુદ્દે DEO એ શાળાને શો-કોઝ નોટિસ ફટકારી છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad