સાંજે 5 વાગ્યા સુધીમાં નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, આવતીકાલે મહાત્મા મંદિર ખાતે લેવાશે શપથ, જુઓ Video
ગાંધીનગરમાં ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચહલપહલ વધી ગઈ છે. પાર્ટી હાઇકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે, જ્યારે કેટલાક ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ ખાતે ઉપસ્થિત થયા છે.

ગાંધીનગરમાં ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચહલપહલ વધી ગઈ છે. પાર્ટી હાઇકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે, જ્યારે કેટલાક ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ ખાતે ઉપસ્થિત થયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવી અપેક્ષા છે. આ પહેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં મંત્રીમંડળના સભ્યો અંગે આખરી નિર્ણય લેવાશે.
આ બેઠકમાં જે પ્રધાનોને પડતા મૂકવામાં આવશે, તેમની પાસેથી રાજીનામા લઈ લેવાશે. જ્યારે નવા પ્રધાનો તરીકે શપથ લેનારા ધારાસભ્યોને મોડી રાત્રે આ અંગે જાણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણમાં ત્રણથી ચાર એવા ધારાસભ્યોને પણ તક મળી શકે છે, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જોકે, મોટાભાગના નવા પ્રધાનો મૂળ ભાજપના જ હશે. નવા મંત્રીમંડળમાં તમામ વર્ગો અને સમાજોને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સમીકરણો પણ સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. યુવા અને અનુભવી ચહેરાઓનું સુમેળભર્યું મિશ્રણ આ નવા પ્રધાનમંડળની વિશેષતા બની શકે છે.
BJP MLA activity heats up in Gujarat ahead of new cabinet announcement #Cabinet #GujaratCabinet #NewCabinet #BhupendraPatel #Gandhinagar #TV9Gujarati pic.twitter.com/d6Me1l315N
— Tv9 Gujarati (@tv9gujarati) October 16, 2025
મહાત્મા મંદિર ખાતે લેવાશે શપથ
મંત્રીમંડળ વિસ્તરણ અને શપથ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજભવનમાં યોજાતો શપથ સમારોહ આ વખતે મહાત્મા મંદિરમાં યોજવાનું કારણ એ છે કે તે એક જાહેર સ્થળ છે અને ઘણા કાર્યકરો તેમજ સામાન્ય જનતાની માંગણી હતી કે તેમને પણ આ વિસ્તરણ સમારોહમાં હાજર રહેવાની તક મળે. આવતીકાલે, 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ
ગાંધીનગરમાં આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે. શપથવિધિ મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 વાગ્યે યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાની શપથ લેવડાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ સમારોહમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. શપથવિધિ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવશે અને જે નેતાઓને મંત્રીમંડળમાંથી બહાર રાખવાના છે, તેમની સાથે ચર્ચા કરશે.
નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓનો સમાવેશ શક્ય
મળતી માહિતી મુજબ, નવા મંત્રીમંડળમાં કુલ 23 જેટલા મંત્રીઓનો સમાવેશ થવાની શક્યતા છે, જેમાંથી 10થી વધુ કેબિનેટ કક્ષાના મંત્રીઓ રહેશે. શપથવિધિ આવતીકાલે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા માટે સૂચના આપી છે અને તમામ ધારાસભ્યોને ટેલિફોનિક રીતે જાણ પણ કરવામાં આવી છે.