ભાવનગરના નાના ખોખરા ગામે બેરોકટોક ધમધમી રહી છે દારૂની ભઠ્ઠી, માત્ર 50 રૂપિયામાં વેચાઈ રહ્યો છે મોતનો સામાન
ભાવનગરના નાના ખોખરામાં નકલી દારૂકાંડની ગંભીર ઘટના પછી પણ દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. TV9ની ટીમે પૂર્વ સરપંચ સાથે મળીને કરેલી રેડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું જોવા મળ્યું. બુટલેગરો સ્થળ પરથી જાણ થતા જ ફરાર થઈ ગયા ત્યારે સૌથી મોટો સવાલ પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠી રહ્યો છે.

ભાવનગરના ઘોઘા નજીક આવેલા વરતેજ ગામમાં ઝેરી દારુ પીવાથી 7 લોકોના મોત થયા છ અને મૃત્યુ આંક હજુ વધવાની શક્યતા છે. 20 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે સર્જાયેલા આ લઠ્ઠાકાંડમાં 7 લોકો મોતને ભેટ્યા છે અને હજુ ભાવનગરમાં જ નાના ખોખરા ગામમાં બેરોકટોક દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. અહીં બેરોકટોક 50 રૂપિયામાં મોતનો સામાન વેચાઈ રહ્યો છે. દારૂની કોથળીઓ માત્ર 50 રૂપિયામાં વેચાઈ રહી છે. આપને જણાવી દઈએ કે ખોખરા ગામના 5 લોકો પણ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે અને હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આ લઠ્ઠાકાંડથી હાહાકાર મચી ગયો છે ત્યારે ખોખરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝાડીઓની આડમાં દારૂની ભઠ્ઠી ધમધમે છે અને માત્ર 50 રૂપિયામાં બેફામ રીતે મોતનો સામાન વેચાઈ રહ્યો છે અને બનાવાઈ પણ રહ્યો છે.
આ એવી અવાવરુ જગ્યા છે જ્યાં કોઈ વ્યક્તિ એકલો આવતા પણ એકવાર વિચારે ત્યાં બેફામ રીતે દારુ બનાવાઈ રહ્યો છે. આ દારૂની ભઠ્ઠી અંગે નાના ખોખરા ગામના પૂર્વ સરપંચ તેજભાએ Tv9 ગુજરાતીને આ અંગે બાતમી આપી હતી. સરપંચે tv9 ના કેમેરા સમક્ષ કોઈપણ શેહશરમ અને ડર રા્યા વિના જણાવ્યુ કે ગામમાં બેફામ રીતે દારુ મળે છે અને પોલીસને પણ ખબર છે છતા કંઈ થતુ નથી. ગામમાંથી દરરોજ 200 લીટરનો દારુ વેચાઈ જાય છે, આટલા મોટા પાયે આ બધી ગતિવિધિની શું પોલીસને જામ ન હોય તેવુ બને ખરુ? સરપંચે સ્પષ્ટ જણાવ્યુ કે અત્યારે 7 લોકો લઠ્ઠાકાંડને કારણે મર્યા છે અને હજુ અનેક આ રીતે જ ઝેરી દારુ પીને મરશે. જો આ જ પ્રકારે ભઠ્ઠીઓ ધમધમતી રહેશે તો ઘરે ઘરે લઠ્ઠાકાંડ સર્જાશે.
નાના ખોખરા ગામેથી દારુ બનાવવાના જો પર્દાફાશ થયો છે તેનાથી સ્પષ્ટટ થાય છે કે અહી આડેધડ મોતનો સામાન બનાવાઈ રહ્યો છે અને વેચાઈ રહ્યો છે. અહીં કોઈ જ પ્રકારના માપ કે નિષ્ણાંત વિના આડેધડ રીતે નશાનો સામાન બનાવાઈ રહ્યો છે. જો સ્હેજ પણ મિથેનોલની માત્રા વધી જાય તો વ્યક્તિનું મોત થઈ શકે છે પરંતુ અહીં એવી કોઈ જ ચિંતા વિના દારુ બનાવવામાં આવી રહ્યો છે અને રોજનો 200 લીટર દારુ નશેડીઓ અહીંથી ખરીદીને ગટગટાવી જાય છે.
ચોંકાવનારી બાબત એ છે કે હાલ વરતેજ ગામમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે ત્યારે નાના ખોખરા ગામ પણ વરતેજ પોલીસની સ્ટેશનની નીચે જ આવે છે ત્યારે સવાલ એ છે કે શું પોલીસને ખબર ન હોય કે અહીં દારુ વેચાઈ રહ્યો છે? Tv9 ના અહેવાલ બાદ અહીં જનતા રેડ કરવામાં આવી અને પૂર્વ સરપંચની સાથે tv9ની ટીમ પહોંચી તો દારૂના કેરબા સહિતની વસ્તુઓ છોડીને બુટલેગરો ભાગી છુટ્યા હતા. નાના ખોખરાના 5 વ્યક્તિઓ પણ લઠ્ઠાકાંડના શિકાર બન્યા છે છતા અહીં બેફામ રીતે દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. Tv9 ના અહેવાલ બાદ પોલીસ અહીં કાર્યવાહી કરવા પહોંચી હતી.