ભરૂચના યુવાને મૃત્યુ બાદ પાંચ લોકોને નવજીવન પ્રદાન કર્યું, વાંચો અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો
દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1048 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 440 કિડની, 187 લિવર, 8 પેન્ક્રીઆસ, 41 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 342 ચક્ષુઓના દાનથી કુલ 961 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

ભરૂચના 38 વર્ષના યુવાને મૃત્યુ બાદ પાંચ લોકોને નવજીવન પ્રદાન કર્યાની પ્રેરણાત્મક ઘટના સામે આવી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા પિયુષભાઈને છેલ્લા 15 દિવસથી વારંવાર માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ હતી. ગત 26 ઓકટોબરના રોજ તેમની તબિયત બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકમાં આવેલ ખાનગી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. પીયૂષભાઈ એક સામાન્ય પરિવારના સભ્ય અને ગોલ્ડનબ્રિજ પાસે વર્ષોથી ફૂલોનો વેપાર કરતા હતા.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખસેડાતા CT સ્કેનમાં બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. 30 ઓક્ટોબર ના રોજ ન્યુરોસર્જને પિયુષભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
પિયુષભાઈ સમાજના લોકોને મદદ કરવા હંમેશા ઉત્સુક રહેતા હતા
પિયુષભાઈના પિતા જશુભાઈ,પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ તથા પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યુ કે પિયુષભાઈ સમાજના લોકોને મદદ કરવા હંમેશા ઉત્સુક રહેતા હતા આજે જયારે તેઓ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત છે ત્યારે શરીર બળીને રાખ થાય તે પૂર્વે મૃત્યુ પામ્યા બાદ પણ તેઓ કોઈ વ્યક્તિને નવું જીવન આપી શકે તેમ હોઈ ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપવા માટે પરિવાર આગળ આવ્યો હતો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યુ. બંને કિડની અમદાવાદની હોસ્પીટલોને ફાળવવામાં આવી હતી. લિવર અને કિડનીનું દાન તબિબોની ટીમે સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન નાહર આઈ બેન્ક દ્વારા સ્વીકાર્યું હતું.દાનમાં મેળવવામાં આવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં સુરતની ખાનગી હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.
લિવરને સમયસર સુરતની હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

અંગદાનથી દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 961 લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ
દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1048 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 440 કિડની, 187 લિવર, 8 પેન્ક્રીઆસ, 41 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 342 ચક્ષુઓના દાનથી કુલ 961 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.