બનાસકાંઠા બેઠક પર BJP એ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ
બનાસકાંઠા લોકસભા બેઠક પર અત્યાર સુધી માત્ર જ્ઞાતિગત અને શક્તિશાળી હોવા અંગેના સમીકરણને જ રાજકીય રીતે વિચારવામાં આવતુ હોવાની છબી હતી. પરંતુ ભાજપે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાતમાં એક એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, કે જેવી વર્તમાન સમયમાં અપેક્ષિત છે. ભાજપે શિક્ષિત ઉમેદવારને પસંદ કર્યા છે.
ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમ વાર જ મેદાને ઉતાર્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. જેને લઈ યુવા વર્ગમાં અને શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ સર્જવાનો પ્રયાસ મનાય છે.
અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ ભાજપે આ પરંપરા તોડીને હવે મહિલાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવાર ડો રેખાબેન હિતેષભાઇ ચૌધરી ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર છે.
પ્રોફેસર તરીકે આપે છે સેવા
પાલનપુર શહેરમાં જ રહેતા અને છેલ્લા 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપતા ડો. રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકરના પત્નિ છે. ભાજપે કાર્યકર પરિવાર, ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક માટે પસંદ કર્યો છે. ભાજપે વર્તમાન સમયમાં નેતાની પસંદગી માટેના તમામ અપેક્ષાઓને સંતોષના કારણોને ધ્યાને રાખીને આ પસંદગી કરી હોવાનું મનાય છે.
ડો. રેખાબેન 44 વર્ષના છે, તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેઓ M.Sc., M. Phill નો અભ્યાસ કરેલ છે. હાલમાં તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. આમ યુવા વર્ગ સાથે તેઓ સીધુ જોડાણ ધરાવે છે. તેઓ યુવાઓની અપેક્ષાઓને પણ બરાબર જાણતા હોવાનું પણ માનીને ભાજપે તેમની પસંદગી માટેના કારણમાંથી એક માન્યુ હોવાનું અનુમાન થઈ રહ્યુ છે.
સામાજીક પ્રભાવ ધરાવતા પરિવારના પુત્રી
બનાસકાંઠાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલબાભાઇના પુત્રની દીકરી હોવાને લઈ સામાજીક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ મનાય છે.
આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ
તેમના પતિ હિતેષ પટેલ ભાજપના કાર્યકર છે અને તેઓ ભાજપમાં પ્રદેશ સ્તરે હોદ્દો ધરાવે છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ કાર્યકર્તા રહ્યા છે અને આરએસએસમાં દ્રિતીય વર્ષ શિક્ષિત સ્વંયસેવક રહ્યા છે. હિતેષ પટેલ મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે. તો જિલ્લા ભાજપ મહામંત્રી પણ બનાસકાંઠામાં રહી ચૂક્યા છે. યુવા મોરચામાં પણ તેઓ પદ પર રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે.