બનાસકાંઠાઃ દાંતીવાડા, પાલનપુર અને ગઢ વિસ્તારમાં રવિ સિઝન પર સંકટ, 11000 હેક્ટરમાં સિંચાઈની ચિંતા
જમવામાં જગલો, કૂટવામાં ભગલો. બિલકુલ આવી જ સ્થિતિ છે બનાસકાંઠાના ખેડૂતોની. બેદરકારી સિંચાઈ વિભાગે દાખવી છે અને ભોગવી રહ્યા છે નિર્દોષ ખેડૂતો. વાત એમ બની છે કે દાંતીવાડા ડેમનો દરવાજો ક્ષતિગ્રસ્ત છે જેને કારણે કરોડો લિટર પાણી તો વેડફાઈ જ રહ્યું છે અને હવે જરૂર હોય ત્યારે જ સિંચાઈનું પાણી નહીં મળે તો 1100 હેક્ટરમાં થયેલા વાવેતરનું શું થશે ? એ તો રામ જાણે અને ક્યાં તો આ અધિકારીઓ જાણે.

વગર લેવાદેવાએ કરોડો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. હવે આને સિંચાઈ વિભાગની બેદરકારી કહેવી કે ન કહેવી ? આ વેડફાટને કારણે ભોગવવાનું તો આખરે ખેડૂતોએ આવશે. કેમકે આ વેડફાટને કારણે 11 હજાર હેક્ટર વાવેતરને નુકસાનની ભીતિ જોવાઈ છે. બીજી તરફ ભ્રષ્ટાચારની કેનાલને કારણે હેક્ટર વાવેતરમાં પાણી ન મળતા ખેડૂતોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ અને દાંતીવાડા ડેમના અધિકારીની બેદરકારીને કારણે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત હોવાથી જે કેનાલમાં જરૂર નથી ત્યાં પણ પાણી વહી રહ્યું છે. જ્યાં પાણીની જરૂરિયાત છે તે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. જેથી છેલ્લા આઠ મહિનાથી પાણી નથી મળતું. જેને લઇને પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટર વાવેતરમાં ખેડૂતોના માથે સંકટ ઉભું થાય તેવી શક્યતા છે.
11000 હેક્ટર ખેતી પર સિંચાઈનું સંકટ
રવિ સિઝન માટે દાંતીવાડા, પાલનપુર અને ગઢ પંથકમાં ખેડૂતોની માગ પ્રમાણે દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાયું હતું. જો કે બે તબક્કામાં પાણીની માગ પૂરી થયા બાદ પાણી બંધ કરવાનું હતું. પરંતુ દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત થવાને કારણે પાણી બંધ થઈ શક્યું નથી.
છેલ્લા દશેક દિવસથી કરોડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને કારણે ખેડૂતોને ચિંતા છે કે આગામી 10 દિવસ બાદ રવિ પાકને પાણીની જરૂરિયાત પડવાની છે. જો દસ દિવસમાં આ ગેટ સંપૂર્ણ રિપેર નહીં થાય તો તેમને પાણી નહીં મળે. એમ થાય તો પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટરમાં રવિ પાકના વાવેતરને મોટા નુકસાનની ભીતિ છે.
ફિકર એ વાતની છે કે ગઢ પંથકના 1100 હેક્ટર વાવેતર પર ખતરો મંડાઇ રહ્યો છે. છતાં તેને રિપેર કરવાની કોઈ જ ગંભીરતા નથી જોવા મળી રહી. ગયા ઉનાળામાં આ કેનાલ તૂટી ગઈ હતી અને ત્યારબાદ રીપેરીંગ કરવાને બહાને આઠ મહિના બાદ પણ આ કેનાલમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયું નથી.