અમદાવાદનો સુભાષ બ્રિજ ફરી ચર્ચામાં: 5 મહિના જૂના રિપોર્ટમાં જ ખામીના સંકેત
અમદાવાદ સુભાષ બ્રિજનો કન્ટીલીવર સ્લેબ ખરાબ હોવા છતાં AMC નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઈન્સ્પેક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી,
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી છે. જાણકારી મુજબ, પાંચ મહિના પહેલાં કરવામાં આવેલા ઈન્સ્પેક્શન રિપોર્ટમાં જ આ બ્રિજમાં ગંભીર ખામીઓ હોવાનું ખુલ્યું હતું. પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટ પ્રા. લી. દ્વારા 9 જુલાઈએ રજૂ કરાયેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સમગ્ર બ્રિજની કુલ સ્થિતિ ફેર છે, પરંતુ તેનું કેન્ટીલીવર સ્લેબ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેમ છતાં AMCએ આ રિપોર્ટ બાદ કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરતા હવે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
TV9એ 10 જુલાઈએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં શહેરના અન્ય અનેક બ્રિજ મહાત્મા ગાંધી જૂના અને નવાં બ્રિજ, કેડીલા બ્રિજ અને અસારવા બ્રિજ પણ નબળી અને જોખમી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. સુભાષ બ્રિજના સ્લેબમાં ખામી હોવા છતાં, તેના સમારકામ માટે કોઈ રસ ન દાખવતાં વિપક્ષે AMC પર બેદરકારીના આક્ષેપો કર્યા છે.
ઈન્સ્પેક્શન કરનાર કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ વિપક્ષે કરી છે. તેમનું કહેવું છે કે કંપનીએ રિપોર્ટ આપ્યો તે ખોટો અને ગેરમાર્ગે દોરનાર હતો. સાથે જ એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે, માત્ર ગણતરીના મહિનામાં જ બ્રિજની સ્થિતિ કયા કારણોસર અને કેવી રીતે આટલી ખરાબ થઈ ગઈ??? શહેરના વિવિધ બ્રિજની સુરક્ષા સામે ઉઠેલા આ પ્રશ્નો હવે AMC અને કન્સલ્ટન્ટ બંને માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
[Input Credit: Jignesh Patel]
