Banaskantha: બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર અને ભારે વરસાદને કારણે રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાસકાંઠામાં (Banaskantha) અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસા તાલુકાના પેછડાલ, શેરપુરા સહિતના ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી અને જેને લઈને ખેડૂતોને પરેશાન છે. પેછડાલ ગામે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે કારણ કે ઘૂંટણ સમા પાણીમાં ચાલવું મુશ્કેલ છે. જો આ વરસાદના પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.
આ પણ વાંચો બનાસકાંઠાના કાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માત, ત્રણના મોત, જુઓ Video
વર્ષ 2015 અને 2017માં પણ પેછડાલ ગામની આ પરિસ્થિતિ થઈ હતી. દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણીથી પેછડાલ ગામમાં આ પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ઓસર્તા નથી. આ વર્ષે પણ આ ગામમાં આવી જ પરિસ્થિતિ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતો આગામી સિઝનનો પોતાનો પાક લઈ શકશે નહીં. અત્યારે ખેડૂતોને વાવણીની સિઝન છે પાણી ઓસર્યા નથી તો વાવેતર કેવી રીતે કરવું એ પણ એક મોટો પ્રશ્ન છે. 15 જેટલા ખેડૂત પરિવારો પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
પેછડાલ ગામે ખેડૂતોની વર્ષોથી રજૂઆત છે કે આ પાણીનો નિકાલ થાય અને દર વર્ષે પાણી ન ભરાય તો ખેતી થઈ શકે અને ખેડૂતોનું જીવન પણ ચાલી શકે, પરંતુ ગામમાં પરિસ્થિતિ એ છે કે પાણીના નિકાલ માટેની જગ્યામાં આડબંધ અથવા દબાણ કરી રહ્યા છે અને જેને લઈને પાણીનો નિકાલ થતો નથી. જેને કારણે મુશ્કેલી થઈ રહી છે. જો પાઇપલાઇન દ્વારા પેછડાલ ગામથી એક કિલોમીટર દૂર તળાવમાં આ પાઇપલાઇન નાખવામાં આવે તો આ પાણીનો મહદ અંશે નિકાલ થઈ શકે છે અને ખેડૂતોને રાહત થઈ શકે છે.
સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ પેછડાલ ગામે જઈ ખેડૂતોને માત્ર હૈયા ધારણ આપી છે, પરંતુ કોઈ નક્કર કામ થયું નથી. છેલ્લા દસ વર્ષથી આ માગણી છે પાણીની પરંતુ એ હજુ પૂરી નથી થઈ અને ખેડૂતો દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે. છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની માંગણી છે અને તંત્ર પાસે પણ દરખાસ્તો પડી છે, પરંતુ તેનો અમલ થતો નથી. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મહત્વની બાબત એ છે કે પેછડાલ ગામના 10થી 15 પરિવારો પશુપાલન અને ખેતી પર પોતાનું જીવન ગુજારે છે. ત્યારે આ પાણી ન ઓસરવાને કારણે તેઓ હજુ બે સિઝનનો પાક લઈ શકવાના નથી અને પશુપાલન પર પણ અસર પડવાની છે. ત્યારે ખેડૂતો કપરી મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે અને પાણીના નિકાલનો પ્રશ્ન હલ થાય તેવી સરકાર પાસે અપેક્ષા છે.
એક અઠવાડિયા અગાઉ જિલ્લા વિકાસ અધિકારીએ સિંચાઈ વિભાગને સૂચના આપી હતી અને ત્યાં સર્વે કરી અને પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા પેછડાલ ગામે સર્વે કરાયું નથી. પાણીના નિકાલની ગ્રામ પંચાયતો દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા નક્કર કામ ન થતા હજુ પણ ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો