ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓમાં 5 લોકોના મોત, હજુ 4 દિવસ પડશે કરા

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 2:04 PM

ખેડૂતોને તો નુકસાન થયું જ છે પણ માવઠું લોકો માટે પણ મોત લઇને આવ્યું છે. રાજ્યમાં વીજળી પડવાની (Lightning) અલગ અલગ ચાર ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓમાં 5 લોકોના મોત, હજુ 4 દિવસ પડશે કરા

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે કેર વરસાવ્યો છે. ગુજરાતમાં ઉનાળાના સમયે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. ત્યારે આ ખેડૂતોને તો નુકસાન થયું જ છે પણ માવઠું લોકો માટે પણ મોત લઇને આવ્યું છે. રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ચાર ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

વીજળી પડતા પાંચ લોકોના મોત

સૌથી પહેલા વાત કરીએ તો ડાંગમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. યુવક બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે વીજળી પડી હતી જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. તો વડોદરાના પાદરાના લતીપુરા ગામે વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયું. ખેતરમાં મરચાં વીણતા ખેડૂત પર વીજળી પડતા મોત થયું હતુ.

જ્યારે દાહોદના ગરબાડાના ટુંકી વજુ ગામમાં પણ વીજળીએ 1 મહિલાનો ભોગ લીધો છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તો બીજી તરફ અરવલ્લીના ભિલોડામાં બુઢેલી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું છે. પશુપાલક પર વીજળી પડતા મોત મળ્યું છે.

હજુ ચાર દિવસ કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી

ગુજરાતના ખેડૂતો પર હજુ માવઠાનું સંકટ રહેશે યથાવત. રાજયમાં હજુ 4 દિવસ  કરા સાથે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર શહેરમાં કમોસમી વરસાદની શકયતા છે.

ઘણી જગ્યાએ કરા પડતા બરફ જેવી ચાદર છવાઇ

વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા. મધ્ય ગુજરાતના વડોદરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતના સોનગઢ અને ડાંગમાં કરા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati