વલસાડ: બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, શાકભાજીના પાકને નુકસાન
Valsad: છેલ્લા બે દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ છે. જેમાં મોટાપાયે શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યુ છે.
ખેતીપ્રધાન જિલ્લા વલસાડમાં છેલ્લા ઘણા વર્ષોથી ધરતીપૂત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારની ખેતી પર ગંભીર અસર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી બાદ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાક ઉપર પાણી ફેરવી દીધું છે. રીંગણ, મરચાથી લઈને અન્ય શાકભાજીના પાક પણ વરસાદને કારણે બગડી રહ્યા છે. વરસાદથી વલસાડી કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વરસાદથી પાકને બચાવવા માટે ખેડૂતોએ જંતુનાશક દવાથી માંડીને બિયારણનો બમણો ખર્ચ કરવો પડે છે, ત્યારે આ સ્થિતિમાં ખેડૂતો બમણો માર સહન કરવા મજબૂર બન્યા છે.
મૈડુસ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં આગામી 12 , 13 અને 14 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર, નવસારી, તાપી. ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વાતાવરણના પલટાને કારણે માવઠું થશે અને તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ શકે છે. જોકે 15 ડિસેમ્બર બાદ ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.