માફી માગ્યા બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત, મહિલા પાંખે કહ્યુ સૌરાષ્ટ્રની 8 બેઠકોમાં ભાજપને ભોગવવુ પડશે ભારે નુકસાન
ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલા રાજપૂત-ક્ષત્રિય સમાજના સંમેલનમાં માફી માગી લીધા બાદ પણ પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઉગ્ર બનેલો વિવાદ હજુ શાંત થયો નથી. ક્ષત્રિય સમાજની મહિલાઓને રૂપાલાની માફી માન્ય નથી અને તેમની એક જ માગ છે કે રાજકોટની બેઠક પરથી રૂપાલાને હટાવવામાં આવે.
ગોંડલના ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ રૂબરૂ જઈને માફી માગી લીધા બાદ પણ ક્ષત્રિય સમાજ નમતુ જોખવા તૈયાર નથી અને રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. ગોંડલમાં મળેલા સંમેલનમાં કરણી સેનાની મહિલા પાંખ રૂપાલાનો વિરોધ કરવા જઈ રહી હતી, જો કે એ સંમેલનમાં પહોંચે એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
રાજ્ય બહાર પણ આંદોલનનો વ્યાપ વધશે- અશ્વિનસિંહ સરવૈયા
રાજ્યભરમાં રૂપાલાએ રાજકોટમાં વાલ્મિકી સમાજના સંમેલનમાં કરેલા નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ યથાવત છે. હવે રૂપાલા વિરુદ્ધ ગુજરાત બહાર પણ આંદોલનના મંડાણ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે. જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધશે. સમસ્ત ભારતમાં રાજપૂત સમાજ વસે છે. સોશિયલ મીડિયા થકી અમારું આંદોલન ગુજરાત બહાર પહોંચી ગયું છે.
આ તરફ પાટનગર ગાંધીનગરમાં પણ રૂપાલા કરવામાં આવ્યો. સેક્ટર-12માં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિયોએ એકઠા થઈ રેલી યોજી અને વિરોધ નોંધાવ્યો. રજપૂત સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી.
‘કોઈ આગેવાનો સમાધાન કરે તો પણ નામંજૂર’- પી.ટી. જાડેજા
આ તરફ જામનગરમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો. ભાજપના અગ્રણીઓએ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી છે. ભાજપ આગેવાન પી.ટી. જાડેજાએ કોઈ આગેવાનો સમાધાન કરે તો પણ નામંજુર હોવાની વાત કરી. વધુમાં કહ્યું કે રૂપાલાની ઉંમર થઈ ગઈ છે, શાંતિથી ઘરે બેસે અને સમાજની સેવા કરે. જામનગર કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ પણ કોઈ પણ ભોગે માફી નહીં આપવાનું નિવેદન આપ્યું અને કહ્યું કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઉગ્ર વિરોધ કરશે.
આ તરફ કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે રૂપાલાના નિવેદન બાદ ભાજપની સરકારે યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો અને ક્ષત્રિય સમાજની ઉપેક્ષાનો આક્ષેપ કર્યો. રાજ શેખાવતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી. ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવતે કહ્યુ કે રૂપાલાએ માગેલી માફી અમને મંજૂર નથી.
જયરાજસિંહે કરેલુ સમાધાન માન્ય નથી- કરણીસેના મહિલા વિંગ
કરણી સમાજની મહિલાઓએ આરોપ લગાવ્યો કે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં મળેલુ ક્ષત્રિય સમાજનું સંમેલન રાજકારણથી પ્રેરિત હતુ. જયરાજસિંહે કરેલુ સમાધાન માન્ય નથી. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જયરાજસિંહ ક્ષત્રિય હોય તો અમે પણ ક્ષત્રિય છીએ. નિવેદન બેટીનું આપ્યુ છે બેટાનું નથી આપ્યુ અને સંમેલનમાં કેમ એકપણ ક્ષત્રિય સમાજની મહિલાને બોલાવાઈ ન હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સૌરાષ્ટ્રની 8 બેઠકો પર ભાજપને નુકસાન જશે. અમે રજવાડા આના માટે નહોંતા આપ્યા.
નર્મદા કરણી સેનાના સભ્યો પણ હવે રૂપાલાના વિરોધમાં સામે પડ્યા છે. અને ચીમકી ઉચ્ચારી છે કે જો ભાજપને સમાજ કરતા રૂપાલા વહાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે. આ સાથે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું. પરસોત્તમ રૂપાલાને બદલવાની માગ કરાઈ છે. મહત્વનું છે કે, રાજપૂત સમાજના 17 ટકા મતદાર છે. ત્યારે નર્મદાના કરણી સેનાના સભ્યોએ માગ કરી છે કે, રૂપાલાએ માફી ભલે માગી પરંતુ ભાજપ ઉમેદવાર બદલે, જો નહીં બદલે તો 17 ટકા મતદારો તેમની તાકાત બતાવશે.
ખેડા જિલ્લા કરણીસેનાના આગેવાનોએ સોશિયલ મીડિયામાં રૂપાલાનો વિરોધ કરતુ પોસ્ટર વાયરલ કર્યુ છે. જેમા “ભાજપ સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં” લખાણનું પોસ્ટર વાયરલ કરવામાં આવ્યુ છે. ખેડા જિલ્લા કરણીસેના આગેવાનોએ સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ કર્યો છે.