આણંદ: પોપટપુરા ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન સુધારણાના યજ્ઞમાં બન્યા સહભાગી

|

Dec 26, 2022 | 10:41 PM

Anand: ખંભાતના પોપટપુરા ગામના ખેડૂત છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ જણાવે છે કે કૃષિમાં જીવામૃતના ઉપયોગ થકી જમીન સુધારણાના યજ્ઞમાં તો સહભાગી બન્યા જ છે અને પ્રાકૃતિક ખેતીથી તેમનું કૃષિ ઉત્પાદન પણ વધ્યુ છે.

આણંદ: પોપટપુરા ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન સુધારણાના યજ્ઞમાં બન્યા સહભાગી
ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત

Follow us on

આણંદના ખંભાત તાલુકાના પોપટપુરા ગામના 63 વર્ષીય ખેડૂત પુત્ર રમેશ પટેલ ચાર દાયકાથી તેમની જમીનમાં મુખ્યપાક તરીકે શક્કરીયાની ખેતી કરે છે. તેઓ 40 વર્ષોમાં ખેતી ક્ષેત્રે આવેલા બદલાવના સાક્ષી છે, અને તેથી જ તેઓ સાક્ષીભાવે તેમના સંસ્મરણોને વાગોળતા જણાવે છે કે મારી જમીનમાં 20 વર્ષ પહેલા વીઘે 400 મણ શક્કરીયાનું ઉત્પાદન થતું હતુ, પરંતુ સમયની સાથે અન્ય ખેડૂતોની જેમ મારી ખેતીમાં રાસાયણીક ખાતર અને દવાનો છંટકાવના કારણે 20 વર્ષમાં મારું કૃષિ ઉત્પાદન ઘટીને વીઘે 100 મણ જેટલું થઈ ગયું હતુ.

મિત્રની સલાહથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

તેવા સમયે બે વર્ષ પહેલા મારા મિત્રની સલાહથી મેં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને બે વર્ષ દરમિયાન રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી માત્ર જીવામૃતનો ઉપયોગ કર્યો જેના કારણે બે વર્ષ પછી મને મારી આ જમીનમાંથી 20 વર્ષ પહેલા જેટલું ઉત્પાદન મળતુ હતુ તેટલું જ ઉત્પાદન આજે મળતું થયું છે.

સમયની સાથે શક્કરીયાના ભાવોમાં વધારો થયો તેમ જણાવતાં રમેશ ઉમેરે છે કે, ઉત્પાદનના ભાવ વધારાની સામે રાસાયણીક ખાતર, બિયારણ અને દવાના મોંઘા ખર્ચ પણ વધવા લાગ્યા. શરૂઆતમાં ઉત્પાદન વધ્યુ પરંતુ પછી સતત ઉત્પાદન ઘટવા લાગતાં મારી ખેતીમાં આવકની સામે મને ખૂબ ઓછુ વળતર મળતુ હતુ. તેવા સમયે મારા મિત્ર અને માર્ગદર્શક એવા રમણ પટેલે મને રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ બંધ કરી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરવા સલાહ આપી.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે- ખેડૂત રમેશ ભાઈ

મિત્રની સલાહ મુજબની પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કરી રમેશભાઈએ છેલ્લા બે વર્ષથી તેમની જમીનમાં રાસાયણીક ખાતર અને દવાનો છંટકાવ બંધ કરી જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો છે. જીવામૃતના ઉપયોગ બાદ માત્ર બે જ વર્ષમાં તેમની જમીન અને તેના ઉત્પાદનમાં આવેલ આમુલ પરિવર્તનની વાત કહેતા રમેશભાઇ સગૌરવ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીના કારણે મને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પહેલા મારે બધી જમીનમાંથી મને 5 થી 6 લાખની આવક મળતી હતી. જ્યારે જીવામૃતના ઉપયોગ બાદ આ વર્ષે મને શક્કરીયાના ઉત્પાદનમાંથી જ રૂપિયા 6 લાખની આવક મળવાનો અંદાજ છે.

શક્કરીયાની સી-71 જાત વાવી 90 દિવસમાં તૈયાર થયો પાક

તેઓ વધુમાં કહે છે કે, માત્ર ખાતર અને દવા જ નહી પરંતુ આ વર્ષે મે શક્કરીયાના બિયારણમાં પણ ફેરફાર કર્યો છે, જેના કારણે મને ઘણો વધુ ફાયદો થયો છે. અત્યાર સુધી હું શક્કરીયાની અંજાર જાત જ વાવતો હતો. જેને તૈયાર થતા સામાન્ય રીતે 150 દિવસનો સમયગાળો લાગે છે. જ્યારે આ વર્ષે મે પહેલીવાર શક્કરીયાની સી-71 જાત વાવી છે, જેનું ઉત્પાદન ફક્ત 90 દિવસમાં મળી જતુ હોવાથી સમય કરતાં વહેલો પાક બજારમાં આવવાથી મને તેના ભાવ પણ સારા મળશે.

રાસાયણીક ખાતર-દવાઓ જમીનના પોષક તત્વોને મારી નાખે છે

આ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે 10 વિઘા પૈકી 3 વિઘામાં વાવેલ તમાકુનો પાક નિષ્ફળ ગયો છે, તેમ જણાવતાં રમેશભાઇ ઉમેરે છે કે, તમાકુના પાકમાં આવું જ થાય છે, પાક ફેલ જતા ઘણું નુકશાન વેઠવું પડે છે, માટે હવે હું તમાકુના મુળીયા કાઢીને ફેંકી દઈશ, ક્યારેય તમાકુનું વાવેતર નહીં કરૂ. રાસાયણીક ખાતર-દવાએ જમીનને નકામી બનાવી દીધી છે, વળી આવી દવાવાળું અનાજ – શાકભાજી ખાવાથી લોકો પણ અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે માનવ જીવનની સાથે આપણી મા સમાન જમીનને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ બ્રહ્માસ્ત્ર છે.

ઉલ્લેખનિય છે કે, રમેશભાઇએ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી શક્કરીયાનું સી-71નું બિયારણ લાવી આ વર્ષે 12 ગુંઠા જમીનમાં તેનું વાવેતર કર્યું છે, જેમાંથી તેમને અંદાજે 140-150 મણ શક્કરીયા થવાનો અંદાજ છે. આ ઉપરાંત તેમણે 5.5 વિઘામાં શક્કરીયાની અંજાર જાત તેમજ અન્ય જમીનમાં ઘઉ, તમાકુ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે.

રમેશભાઇ ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તેમની પાસે 1 ભેંસ, 1 દેશી ગાય અને 2 જર્સી ગાયો છે. જેમાંથી દેશી ગાયના ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેમની ખેતીમાં તેનો ઉપયોગ કરે છે. આજે સમગ્ર દુનિયા રસાયણો અને પ્રદુષણથી ત્રસ્ત થઈ ગઇ છે. રાસાયણીક દવાથી પકવેલા અનાજ – શાકભાજી ખાવાથી લોકો અનેક પ્રકારના રોગોનો ભોગ બની રહ્યા છે તેમજ જમીન નિર્જીવ બનતી જાય છે, ત્યારે જણ (માણસ) અને જમીન બન્ને માટે અશિર્વાદરૂપ બનેલી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ભારતને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગવુ સ્થાન અપાવી શકશે તેમજ તેના દ્વારા જ માનવ જીવન અને ધરતી માતાની જાળવણી કરી શકાશે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- આણંદ

Next Article