“અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા !” ભાજપના નેતા ડૉ ભરત કાનાબારે કર્યું ટ્વિટ
અમરેલી ભાજપના નેતાએ ડૉ ભરત કાનાબારે સામાજિક સમસ્યાને લઈને કરેલા એક ટ્વીટે ભારે ચર્ચા જગાવી છે અને સહુ કોઈને વિચારતા કરી દીધા છે. ડૉ ભરત કાનાબારે પોસ્ટમાં જણાવ્યુ છે કે અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા. અમરેલીમાં રહેતા હોય તો દીકરી પક્ષવાળા કંઈ જોયા વિના સીધી ના જ પાડી દે છે.

અમરેલી ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવર તેમના નિવેદનો અને પોસ્ટને લઈને ચર્ચામાં આવતા રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા X પર કરેલી પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. ભરત કાનાબારે જણાવ્યુ કે અમરેલીમાં રહેતા યુવકોને કોઈ દીકરી નથી આપતુ અને તેમના લગ્ન નથી થતા. અમરેલીનું નામ પડતા જ સંબંધમાં વાત આગળ ચાલતી નથી. ડૉ કાનાબારે જણાવ્યુ કે આ માત્ર કોઈ એક સમાજની નહીં પરંતુ દરેક જ્ઞાતિઓની આ જ વ્યથા છે.
તેમણે લખ્યુ છે, “મારા એક સંબંધી મને મળવા આવ્યા કે મારી દુકાન વેચવાની છે કેમ કે હવે મારે રાજકોટ શિફ્ટ થવું છે. એમની દુકાન પણ સારી ચાલે છે અને અમરેલી તેમના બાપ-દાદાના વખતથી વતન છે પણ આમ છતાં એમણે મને જયારે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયું.
એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાને કારણે એમના દીકરાનો સંબંધ થઇ રહ્યો નથી. કુટુંબ આર્થિક રીતે સુખી, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો અને ધંધા સગડ છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના જ પાડી દે છે.
ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું ? પછી બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહિ પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા ?”
